વડોદરા,ભત્રીજીના લગ્નમાં બોરસદ ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી ૧.૬૨ લાખની કિંમતના સોના – ચાંદીના દાગીના ચોરી ગઇ હતી.
માંજલપુર સરસ્વતી કોમ્પલેક્સ પાસે શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઇ પ્રાણશંકરભાઇ પંડયા કોટક લાઇફ ઇન્સ્યોરન્સમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ૧૮ મી તારીખે તેઓ મોટા ભાઇની દીકરીના લગ્નમાં પરિવાર સાથે બોરસદ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટર લોક તથા તાળાનો નકુચો તોડીને ચોર ટોળકી સોના – ચાંદીના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દાગીના ખરીદ કર્યા તે સમયની વર્ષ – ૧૯૯૨ ની માત્ર ૧૫ હજાર પ્રતિ તોલાની કિંમત લખી છે. જોકે, હાલમાં સોનાનો ભાવ ૮૦ હજાર છે. પોલીસે કુલ ૧.૬૨ લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધી છે.