Vadodara Harni Boat Accident : વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ હરણી બોટકાંડ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કોર્પોરેશનની ભૂલના કારણે કુલ 30 વ્યક્તિઓ જીવ ગુમાવ્યો. બોટકાંડમાં બે શિક્ષિકા અને વિદ્યાર્થીઓ મળી 14 લોકોના મોત થયા, પૂરના કારણે 11 અને ડોર ટુ ડોર વાહનથી ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડોદરામાં પૂર આવ્યું તેમ છતાં હજુ લોકોને પીવાના પાણીની તકલીફ છે.
હરણી બોટકાંડની વાત કરીએ તો એક વર્ષ વીતી ગયું તેમ છતાં પીડિત પરિવારો લાચારીથી મદદ માટે આજીજી કરી રહ્યા છે એ આપણા માટે અત્યંત શરમજનક બાબત છે. ઘટનાના એક વર્ષ પછી તપાસ કરતાં અધિકારીને લાગ્યું કે, ફરિયાદી જ આરોપી છે. જેથી કોર્પોરેશનના અધિકારી રાજેશ ચૌહાણના પેન્શનમાંથી રૂ.5000 કપાત કરવાનો કમિશનર હુકમ કર્યો. કમિશનરે હુકમ કર્યો તેના પરથી એ પણ સાબિત થઈ જાય છે કે, સમગ્ર પ્રકરણમાં રાજેશ ચૌહાણ દોષિત છે. જેથી મ્યુનિસિપલ કમિશનરે તેમની સામે અલગથી પોલીસ ફરિયાદ કરવી જોઈએ. રાજેશ ચૌહાણ ઉપરાંત ફ્યુચરિસ્ટિક સેલના હેડ, કાર્યપાલક ઇજનેર સહિત તમામ અધિકારીઓને આરોપી બનાવવા જોઈએ. જે કોન્ટ્રાક્ટર કોટિયા બંધુએ પેડલ બોટ ચલાવવાની હતી તેની જગ્યાએ તેઓ મોટર બોટ ચલાવતા હતા અને સમગ્ર દુર્ઘટના બની તેથી હવે આ મામલે મોટર વ્હિકલ એક્ટ હેઠળ વળતર ચૂકવવાની સ્થિતિ આવશે. આ પરિસ્થિતિમાં કાયદા પ્રમાણે પીડિત પરિવારને માત્ર પાંચથી દસ લાખ રૂપિયાનું વળતળ મળશે જે રકમ અત્યંત નજીક છે. અધિકારીએ સમગ્ર ઘટના અંગે હરણી લેક અંગે કાયદા પ્રમાણે કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે કે નહીં? તેનું ધ્યાન રાખવાનું હતું પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓએ ધ્યાન ન આપતા કોન્ટ્રાક્ટરે ત્યાં બેંકવેટ હોલ બનાવી દીધો અને જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવી કોમર્શિયલ ધંધા કર્યા હતા. જાણે તળાવ ભાડે લઈ એની આજુબાજુની તમામ પ્રોપર્ટી પોતાની હોય તે રીતે તે વાપરી રહ્યો હતો. આશિષ જોષીએ એમ પણ જણાવ્યું કે, એક તરફ આપણે “બેટી બચાવો બેટી પઢાઓ”ની વાત કરીએ છીએ પરંતુ હરણીની ઘટનામાં કોઈ દીકરીને બચાવી શક્યા નથી. પીપીપી મોડલમાં જે ભ્રષ્ટાચાર થયો તેમાં વર્ષ 2015-16ની સભામાં 76 સભાસદોએ કામને મંજૂર કર્યું એવો પણ તેટલા જ આ ઘટના માટે જવાબદાર છે.
હવે મોડે મોડે મ્યુન્સિપલ કમિશનરે રાજેશ ચૌહાણના ટેન્શનમાંથી રૂ.5000 કાપવાનો આદેશ કર્યો છે ત્યારે પીડિત પરિવારની રોશની સિંદેની માતાએ જણાવ્યું હતું કે, હું લોકોને ત્યાં વાસણ, કપડા કરવા જાઉં છું અને તેમાંથી કમાઈને કોર્પોરેશનને રૂ.5,000 આપી દઈશ પરંતુ રાજેશ ચૌહાણને માત્ર રૂ.5,000ના દંડની થયેલી સજા જાણે એક મજાક છે તેવી અનુભૂતિ તેઓના પરિવારજનો કરી રહ્યા છે. ચવાણું વેચતો કોટિયા બંધુ કોન્ટ્રાક્ટર થઈ ગયો તેના ચાર ભાગીદાર ઊભા થઈ ગયા અને એક વર્ષ પછી તેની પેઢીને એક્સટેન્શન મળી ગયું અને તેના 20 ભાગીદારો થઈ હતા. તે તમામ હાલ જામીન પર છે અને તેઓ પણ આ કોન્ટ્રાક્ટમાંથી હવે છુટકારો મેળવવા પેરવી કરી રહ્યા છે.
શાળા સંચાલકોએ ચાલીસ વર્ષ વાપરેલું કોર્પોરેશનના ગ્રાઉન્ડનું ભાડું વસુલી તે રકમ પીડિત પરિવારોને આપો
હરણી બોટ કાંડ અંગે પાલિકાની સભામાં આશિષ જોશીએ કરેલા આક્ષેપ અંગે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) જણાવ્યું હતું કે, દુર્ઘટના વખતે પિડિત પરિવારોને ઘણા મોટા આશ્વાસન આપવામાં આવ્યા હતા. કેટલાક દ્વારા તો તાત્કાલિક રૂ.30 લાખનું વળતર આપવાની પણ માંગ કરાઈ હતી. પરંતુ સમય જતા બધી વાત ખોટી સાબિત થઈ રહી છે. આ માત્ર હરણી જેવી ઘટનામાં નહી પરંતુ પીપીપી મોડેલ અંતર્ગત કોર્પોરેશન જેટલા કામો કરે છે તે પૈકીના મોટાભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અતાપી સેન્ટ્રલ એસટી ડેપો વગેરે જેવા કિસ્સામાં પણ હજુ ઘણી તપાસ થવી જરૂરી છે. એવો પણ આક્ષેપ થયો છે કે, જે દુર્ઘટના બની તે શાળાના સંચાલકોએ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ મફતમાં 40 વર્ષ સુધી વાપર્યું છે. તો પાલિકાએ જંત્રી પ્રમાણે તાત્કાલિક તેની લાગત વસૂલવી જોઈએ અને જે 10,000 દિવસ ગ્રાઉન્ડ વાપરવાની રકમ કોર્પોરેશનને મળે એ રકમ તાત્કાલિક પીડિત પરિવારોને ચૂકવી દેવી જોઈએ. જો આ માટે સભામાં હાલ દરખાસ્ત રજૂ થશે તો કોંગ્રેસના તમામ સભ્યો તેમાં સહી કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, સમગ્ર બાબતે ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ મ્યુન્સિપલ કમિશનરને ગ્રાઉન્ડ અંગેની રજૂઆત કરતા પાલિકાએ ગ્રાઉન્ડનો કબજો પરત લીધો છે પરંતુ આજ દિન સુધી શાળા સંચાલકને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.