દિલ્હીની ચૂંટણી અત્યારે તેના ‘રેવડી કલ્ચર’ના કારણે ચર્ચામાં છે. દિલ્હીમાં પહેલીવાર જ્યારે AAPની સરકાર આવી ત્યારે કેજરીવાલે જે જાહેરાતો કરી હતી તેને નરેન્દ્ર મોદીએ ‘મફતની રેવડી’ ગણાવી હતી. આ વખતે આ રેવડી વેચવા માટે કેજરીવાલની પાછળ ભાજપ અને કોંગ્રેસ બં
.
નમસ્કાર,
બેડ ઇકોનોમિક્સ ઇઝ ગુડ પોલિટિક્સ, આપણે ત્યાં એવું છે. પણ બીજા દેશો સમૃદ્ધ એટલા માટે છે કારણ કે ત્યાંનું ઈકોનોમિક્સ પોલિટિક્સથી બહુ દૂર છે. બ્રિટન અને કેનેડામાં કોઈપણ બાળકને એજ્યુકેશન ફ્રી છે. હેલ્થકેર પણ ફ્રી છે. એમાંય સિનિયર સિટીઝન એકલા રહેતા હોય તો તેણે ચિંતા કરવાની જરૂર જ નથી. એવું જ અમેરિકામાં છે અને બીજા દેશોમાં છે. ભારતમાં લોકો માટે સુવિધાની વાત ત્યારે જ થાય છે જ્યારે ચૂંટણી આવે છે!!
પહેલાં એ જાણી લઈએ, ક્યા પક્ષે કઈ-કઈ જાહેરાતો કરી. AAPએ કરેલી જાહેરાતો
- મહિલાઓને દર મહિને 2100 રૂપિયા સન્માન નિધિ.
- મંદિરના પૂજારીઓ, ગુરૂદ્વારાના ગ્રંથિઓને 18 હજારનું વિશેષ મહેનતાણું અપાશે.
- ઓટો રિક્ષા ચાલકોને 10 લાખનો વીમો. ઓટો ચાલકોને યુનિફોર્મ માટે 2500 રૂપિયા. તેમની દીકરીઓના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપશે.
- સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ યોજના. મેટ્રોનું ભાડું પણ 50 ટકા સુધી ઓછું કરી દેવાશે.
- ધોબી સમુદાય કલ્યાણ બોર્ડનું ગઠન કરશે. ધોબીઓ માટે બીજીવાર લાયસન્સ આપવાની પ્રક્રિયા ચાલુ કરાશે.
- સંજીવની યોજના હેઠળ દિલ્હીના વડીલોની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે. તેમાં હોસ્પિટલના તમામ બિલનો ખર્ચ સામેલ છે.
- દિલ્હીમાં જલબોર્ડના ખોટા બિલ આવે છે તેના હેઠળ રાહત આપવામાં આવશે.
ભાજપે કરેલી જાહેરાતો
- મહિલાઓને દર મહિને 2500 રૂપિયા સન્માન નિધિ.
- સીએમ મેટરનિટિ પ્રોટેક્શન સ્કીમ હેઠળ દરેક ગર્ભવતી મહિલાઓને 21 હજાર રૂપિયા મળશે.
- વરિષ્ઠ નાગરિક પેન્શન સ્કીમ હેઠળ દિલ્હીના 60થી 70 વર્ષના વડીલોને 2500 રૂપિયા અને 70થી વધુ ઉંમરના લોકોને 3 હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે.
- LPG ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનું વચન. હોળી અને દિવાળીએ એક સિલિન્ડર એકસ્ટ્રા આપવામાં આવશે.
- 70 વર્ષથી ઉપરના લોકોને ફ્રી ઓપીડી અને ડાયગ્નોસ્ટિકની સુવિધા. સાથે 10 લાખ સુધીનો વીમો.
- ગરીબ વિદ્યાર્થીઓને KGથી PG સુધી મફત અભ્યાસ.
- દરેક લોકોને 10 લાખનો જીવન વીમો, 5 લાખનો અકસ્માત વીમો.
- મહિલાઓને 6 મહિનાની પેઈડ મેટરનિટી લીવ મળશે.
કોંગ્રેસે કરેલી જાહેરાતો
- મહિલાઓને દર મહિને 2500 રૂપિયા સન્માન નિધિ.
- સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લોકોને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરાવવાનું વચન.
- યુવા ઊડાન યોજના હેઠળ દિલ્હીના રજીસ્ટર્ડ બેરોજગારોને કોંગ્રેસ એક વર્ષ સુધી દર મહિને 8500 રૂપિયા આપશે.
- દિલ્હીવાસીઓને 300 યુનિટ સુધી મફત વીજળી યોજના.
- LPG ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનું વચન અને દર મહિને રાશન કીટ મફત અપાશે.
- વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, અનાથોને મહિને 3000 રૂપિયા અપાશે.
મિડલ ક્લાસ તો સરકાર માટે ATM છે : કેજરીવાલ દિલ્હીમાં ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ગરમાવો વધતો જાય છે. ભાજપ કેજરીવાલ પર પ્રહાર કરે છે, કેજરીવાલ ભાજપ પર પ્રહાર કરે છે. કોંગ્રેસે બંને ઉપર પ્રહાર કર્યા કરે છે. હમણાં કેજરીવાલે મિડલ ક્લાસની વાત કરીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મિડલ ક્લાસ ફક્ત સરકારનું એટીએમ બની ગયો છે. દેશમાં મિડલ ક્લાસ ‘ટેક્સ ટેરરિઝમ’નો ભોગ બની રહ્યો છે. કેજરીવાલ જાણે છે કે મધ્યમ વર્ગ ભાજપની વોટબેન્ક છે એટલે તેમને ઉશ્કેરવાનું કામ કેજરીવાલે કર્યું.
દેશના મિડલ ક્લાસને ઘર, બાળકો માટે સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય જોઈએ છે. આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે મિડલ ક્લાસનો વ્યક્તિ આખી જિંદગી સખત મહેનત કરે છે. તેમને ફક્ત એવી આશા હોય છે કે તેમને સરકાર તરફથી થોડી મદદ મળશે. પરંતુ મોટાભાગની સરકારો તેમના માટે સારી સ્કૂલ બનાવી શકતી નથી કે ન તો તેમને રોજગાર કે સુરક્ષા પૂરી પાડી શકે છે. દેશમાં આ વર્ગ સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરે છે. જો કોઈ મિડલ ક્લાસનો પરિવાર વર્ષે 10-12 લાખ રૂપિયા કમાય છે, તો તેણે ઈન્કમટેક્સ, GST, ટોલ ટેક્સ, સેલ્સ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સના નામે પોતાની આવકના 50 ટકાથી તો વધુ ટેક્સ ચૂકવવો પડે છે. આ સમસ્યાઓના કારણે આજે ઘણા લોકો દેશ છોડી રહ્યા છે. 2020માં 85 હજાર ભારતીયો દેશ છોડીને વિદેશ ગયા. 2023માં આ આંકડો 3 ગણો વધારે હતો. દેશ માટે આ ચિંતાનો વિષય છે. કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ 7 માંગણીઓ મૂકી છે, જેથી મધ્યમ વર્ગને રાહત મળી શકે.
કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ આ 7 માગણીઓ મૂકી હતી…
- એજ્યુકેશન બજેટ 2 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવે. પ્રાઈવેટ સ્કૂલની ફી ઓછી કરવામાં આવે.
- ઉચ્ચ અભ્યાસ માટે સબ્સિડી અને સ્કોલરશિપ મળે
- હેલ્થનું બજેટ વધારીને 10 ટકા કરવામાં આવે અને હેલ્થ ઈન્શ્યોરન્સથી ટેક્સ હટાવવામાં આવે.
- ઈન્કમટેક્સની મર્યાદાને 7થી વધારીને 10 લાખ કરવામાં આવે
- સિનિયર સિટીઝન માટે મજબૂત રિટારમેન્ટ પ્લાન અને પેન્શન યોજના બને
- દેશની દરેક સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં મફત ઈલાજ થાય
- વડીલોને પહેલાં રેલવેમાં 50 ટકા છૂટ મળતી હતી, તેને બંધ કરી દીધી છે. ફરી આ યોજના શરૂ કરવામાં આવે
ભારત સરકાર ધારે તો શું કરી શકે? કેન્દ્ર સરકાર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ વસુલે છે. સરકાર ધારે તો માત્ર દિલ્હીવાસીઓ માટે નહીં પણ ગરીબો માટે, જરૂરિયાતમંદો માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી શકે. ગરીબોને વીજળીમાં રાહત આપી શકે. આ વાત દિલ્હી પૂરતી સિમિત રહી ગઈ છે. હકીકતે દરેક રાજ્યને સરકારની સહાય અને રાહત મેળવવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારે તો હવે વિદેશ જનારા સ્ટુડન્ટ્સની ફી માટે અને રૂપિયા ટ્રાન્સફર કરવા પર પણ 7 ટકા ટેક્સ લાદી દીધો છે. દર વર્ષે ગુજરાત, પંજાબ, તેલંગાણા અને કર્ણાટક આ ચાર રાજ્યોના હજારો વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે. દરેકની ફી અલગ અલગ હોય છે. અમેરિકાની ફી તોતિંગ હોય છે. હવે વિચારો, આ તમામ બાળકોની ફી પર કે વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરો તેના પર સરકાર 7 ટકા ટેક્સ વસુલે છે. આ રકમ પણ કરોડોમાં થાય છે.
દરેક જગ્યાએ ટેક્સ, એ પણ તોતિંગ ટેક્સ અને તેની તોતિંગ આવકથી સરકાર દરેક રાજ્યોમાં સારી એવી સુવિધા આપી શકે. દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં ભારતની સાપેક્ષમાં ઓછો ટેક્સ વસુલાય છે છતાં ત્યાં લોકો માટે સુવિધામાં કચાશ નથી રખાતી. ઘણા દેશો તેની કુલ GDPના અમુક ટકા રકમ તો સોશિયલ વેલ્ફેર માટે અલગ રાખે છે. આવા દેશોની વાત કરીએ આ દેશ જેટલા ટકા રકમ સોશિયલ વેલ્ફેર માટે અલગ ફાળવે છે, તેની ટકાવારી અહીં જુઓ…
GDPની સામે સોશિયલ વેલ્ફેરમાં ફંડ ફાળવતો દેશ ફ્રાન્સ : 31.0% ફિનલેન્ડ : 29.1% બેલ્જિયમ : 28.9% ઈટલી : 28.2% જર્મની : 25.9% સ્પેન : 24.7% જાપાન : 22.3% યુકે : 20.6% અમેરિકા : 18.7% કેનેડા : 18.0% તુર્કી : 12.0% ભારત : 7.8%
ભારત સરકારને ટેક્સમાંથી 2024માં કેટલી આવક થઈ? GST – 20.18 લાખ કરોડ ઈન્કમટેક્સ કલેક્શન – 12.01 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સ કલેક્શન – 9.11 લાખ કરોડ પેટ્રોલ-ડિઝલ એક્સાઈઝ ડ્યુટી – 2.73 લાખ કરોડ ટોલ ટેક્સ કલેક્શન – 65 હજાર કરોડ
ભારતના લોકોને શું જોઈએ છે, શું મળે છે? આપણે ત્યાં ફોરલેન કે સિક્સલેન રસ્તા બને, ફ્લાય ઓવર બને તેને વિકાસમાં ખપાવી દેવાય છે. પણ લોકોની પાયાની જરૂરિયાત શું છે? મિડલ ક્લાસને બે છેડા ભેગા કરવા કેટલા મુશ્કેલ છે, તે સરકારે વિચારવું જોઈએ. બીજા દેશોની સરખામણી કરીએ તો ભારતમાં રિચ ક્લાસને બાજુએ મૂકીએ. પણ મિડલ ક્લાસ મજબૂરીમાં જ જીવી રહ્યો છે. આપણને કાંઈ થશે તો સિવિલ હોસ્પિટલમાં નહીં જાઈએ, પ્રાઈવેટ હોસ્પિટલમાં જશું, કેમ? આપણા બાળકને સરકારી સ્કૂલમાં નહીં મોકલીએ, પ્રાઈવેટ સ્કૂલમાં મોકલશું, કેમ? કારણ કે ભારતમાં પેરેલલ બે કલ્ચર ઊભા થયા છે. સરકારે સ્કૂલ બનાવી, હોસ્પિટલો બનાવી પણ સર્વિસના નામે એકડામાંથી શૂન્યનું જ સર્જન કર્યું. લોકોને સરકારી કરતાં પ્રાઈવેટ પર વધારે ભરોસો છે, એટલે મિડલ ક્લાસ પૈસામાં ખેંચાઈ રહે છે. સરકારી સ્કૂલમાં મફત શિક્ષણ મળે છે છતાં બાળકને ત્યાં નહીં મૂકે, 15 હજાર ભરીને પ્રાઈવેટ સ્કૂલમાં જ મૂકશે. સરકારી સિવિલ હોસ્પિટલમાં સુવિધા એ જ છે પણ લોકોને વિશ્વાસ પ્રાઈવેટ હોસ્પિટલ પર વધારે છે. આવું એટલા માટે થાય છે કે લોકોને જે જોઈએ છે તે પ્રાઈવેટમાં મળે છે.
દિલ્હીમાં બધા રેવડી રેવડી કરે છે, પણ બીજા દેશો તો મફત સુવિધા આપે જ છે લોક જીવન સરળ બનાવવા પ્રયાસ : દુનિયાના ઘણા દેશોમાં નાગરિકોની સુવિધા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા યુરોપિયન દેશોમાં મફત આરોગ્ય, શિક્ષણથી લઈને મુસાફરી સુધીની સુવિધા છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સહિતની ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેથી નાગરિકોના જીવન પરનું દબાણ ઓછું કરી શકાય. ખાસ કરીને યુરોપના સ્કેન્ડિનેવિયન દેશોમાં જેમ કે નોર્વે, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડમાં લોકોનું જીવન સરળ બનાવવા માટે સરકાર ભરપૂર પ્રયાસ કરે છે.
મફત શિક્ષણ : તાજેતરમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને મોટો વિવાદ થયો હતો. આનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો. આ સમયગાળા દરમિયાન મફત શિક્ષણ પ્રણાલી અંગે વિવિધ દેશોમાં ઘણી ચર્ચા શરૂ થઈ. જો આપણે ગ્લોબલી જોઈએ તો, સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્ક અને જર્મની જેવા ઘણા દેશો છે જ્યાં હાયર એજ્યુકેશનનો ખર્ચ લગભગ નહિવત્ છે. ચેક રિપબ્લિક, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને ગ્રીસ જેવા દેશોમાં સરકારી યુનિવર્સિટીઓમાં હાયર એજ્યુકેશન મફત છે. યુરોપિયન સ્કેન્ડિનેવિયન દેશોમાં શિક્ષણ સંપૂર્ણ મફત છે. અહીં સરકાર કેજીથી હાયર એજ્યુકેશન સુધીનો ખર્ચ ઉઠાવે છે. નાગરિકો અને બહારથી આવીને વસેલા લોકો બંને માટે કોઈ સ્કૂલ કે કોલેજની ફી નથી. અહીંની સ્કૂલ અને કોલેજો જુઓ તો લાગે કે આ ઈન્ટરનેશનલ લેવલની છે.
આરોગ્ય સેવા : 2017 માં ઇન્ડિયા ટુડે મેગેઝીનમાં એક રિપોર્ટ છપાયો હતો. તેમાં લખ્યું હતું કે, ભારત એવા દેશોની યાદીમાં છે જે આરોગ્ય સેવાઓ પર સૌથી ઓછો ખર્ચ કરે છે. આરોગ્ય સેવાઓની સુલભતાના સંદર્ભમાં, ભારત 195 દેશોમાંથી 154મા ક્રમે છે. ભારતમાં સ્થિતિ બાંગ્લાદેશ, નેપાળ, ઘાના અને લાઇબેરિયા કરતાં પણ ખરાબ છે. જો આપણે મફત આરોગ્ય સેવાઓ વિશે વાત કરીએ, તો વિશ્વમાં ઘણા દેશો એવા છે જે તેમના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. ક્યુબામાં ફિડેલ કાસ્ટ્રોએ શરૂ કરાયેલી મફત આરોગ્ય સેવાઓની વિશ્વમાં પ્રશંસા થાય છે. વિશ્વમાં વિકસિતથી વિકાસશીલ સુધીના ઘણા દેશો છે જે તેમના નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. ઇઝરાયલ અને જાપાન જેવા દેશોમાં નાગરિકો માટે આરોગ્ય સેવાઓ સંપૂર્ણ મફત છે. જો આપણે યુરોપની વાત કરીએ તો ઉપખંડના લગભગ તમામ દેશોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ કાં તો મફત છે અથવા નાગરિકોનો સંપૂર્ણ વીમો છે. સંપૂર્ણ મફત આરોગ્ય સંભાળ ધરાવતા દેશોમાં ઓસ્ટ્રિયા, બેલારુસ, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વીડનનો સમાવેશ થાય છે.
બસ-મેટ્રોમાં મફત મુસાફરી : ઘણા દેશોમાં સરકારી પરિવહનમાં મફત મુસાફરી કરી શકાય છે. 2021માં યુરોપિયન દેશ લક્ઝમબર્ગ પહેલો એવો દેશ બન્યો જે તમામ ટ્રાન્સપોર્ટેશન મફત કરાવે છે. બેલ્જિયમના હેસ્લેટ શહેરમાં તો 1997થી નાગરિકો માટે મફત ટ્રાન્સપોર્ટ સેવાઓ ચાલી રહી છે. પેન્શન યોજના : નાગરિકોનું જીવન સરળ બનાવવા માટે યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં પેન્શન યોજના અને બીજી ઘણી યોજના ચાલી રહી છે. બેરોજગાર યુવાનોને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે યુરોપમાં બેરોજગારી સહાય મળે છે. સ્કેન્ડિનેવિયન દેશ સ્વીડનમાં તો કોઈ વિદેશી વ્યક્તિ 5 વર્ષ સુધી સતત કામ કરે છે, તો તેના માટે પણ પેન્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
મહિલાઓ માટે સુવિધાઓ : બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, લાતવિયા, લક્ઝમબર્ગ અને સ્વીડન. આ 6 દેશ એવા છે જ્યાં મહિલાઓ માટેની વિશેષ સુવિધાઓ છે. ભારતની વાત કરીએ, તો અહીં મહિલા મોટી વોટ બેંક છે એટલે તેના કારણે, સરકારો ઘણીવાર મહિલાઓ માટે અલગ યોજના બનાવે છે. પણ આ દેશોમાં મહિલાઓ માટે જે સુવિધા આપવામાં આવે છે તે બેજોડ છે. આ દેશોમાં ગર્ભપાત કાયદા અલગ છે. મહિલાઓને જોબ સેફ્ટી વધારે છે. પેન્શન સારું છે. સંસદમાં સીટો પણ વધારે છે. ભારતની જેમ મહિને ચપટીક સહાય જાહેર કરીને આ દેશો સંતોષ નથી માની લેતા.
છેલ્લે, કેજરીવાલે એક સભામાં કહ્યું કે, રાવણ સોનાનું હરણ બનીને આવ્યો હતો. આ નિવેદન પર ભાજપ ભડક્યો હતો. ભાજપે કહ્યું કે, રાવણ સોનાનું હરણ નહોતો બન્યો પણ તેનો મામા મારિચ સોનાનું હરણ બન્યો હતો. ભડકેલા ભાજપના લોકો ઉપવાસ પર ઉતરી ગયા. તેના પલટવારમાં કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકોને રાવણથી આટલો બધો પ્રેમ કેમ છે? AAP અને ભાજપ વચ્ચે સોનાના હરણનો વિવાદ અત્યારે ભલે ચમકી રહ્યો છે પણ દિલ્હીના લોકોને કોની ‘સોનેરી રેવડી’ લલચાવી શકે છે, તે 15 દિવસ પછી ખબર પડી જશે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ – યશપાલ બક્ષી)