Ahmedabad News: અમદાવાદના ખાડિયા વોર્ડના કાપડીવાડ વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3.17 કરોડ રૂપિયાના ખર્ચથી રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. રીસ્ટોરેશનની કામગીરી પુરી થયાને બે મહિનાથી વઘુ સમય થઈ ગયો છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ લેખિત રજૂઆત કરી હોવાછતાં હોસ્પિટલ શરૂ કરવા માટે સ્ટાફ ફાળવવામાં આવતો નથી.
અનેક રજૂઆત છતાં હોસ્પિટલ માટે સ્ટાફ ફાળવાતો જ નથી
હોસ્પિટલ શરૂ નહીં થતાં ખાડિયા ઉપરાંત જમાલપુર વોર્ડના નાગરિકોને આરોગ્ય વિષયક સેવા મળી શકતી નથી. હોસ્પિટલ શરૂ ના થાય એ પાછળ ખાડિયાના ભાજપના નેતાઓની જશ ખાટવાની હોડ પણ કારણ હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. રાયપુર કાપડીવાડ વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં એક સમયે મોટી સંખ્યામાં દર્દીઓને વિવિધ સારવાર આપવામાં આવતી હતી. સ્વ.અશોક ભટ્ટ રાજય સરકારમાં આરોગ્ય મંત્રી હતા તે સમયે તેમણે આરોગ્ય વિભાગની મંજૂરી મેળવી કાપડીવાડ રેફરલ હોસ્પિટલ ખાતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફને ફરજ ઉપર હાજર કરાવ્યો હતો. તેમના અવસાન પછી સમય જતા બિલ્ડિંગ જર્જરિત થઈ જતા ખાડિયા વોર્ડના વર્તમાન કોર્પોરેટરોની સતત રજૂઆત પછી વર્ષ-2022માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેફરલ હોસ્પિટલના જર્જરિત થયેલા બિલ્ડિંગનુ રીસ્ટોરેશન કરવા નિર્ણય કર્યો હતો.
રીસ્ટોરેશનની કામગીરી પુરી થતાં હોસ્પિટલ શરૂ કરવા,સ્ટાફની નિમણૂંક કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ,હોસ્પિટલ) દ્વારા તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલને લેખિત જાણ કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનરે 16મી જાન્યુઆરીના રોજ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવને તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને 17મી જાન્યુઆરી 2025ના રોજ રાજ્યના આરોગ્યમંત્રીને હોસ્પિટલ શરૂ કરવા સ્ટાફ આપવા લેખિત રજૂઆત કરી હોવાછતાં હજી સુધી સરકાર તરફથી સ્ટાફની ફાળવણી કરવામાં આવી નથી.