યંગસ્ટર્સમાં કોલ્ડ પ્લેની કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ છે. લાઇવ શોની ટિકિટ માટે ફેન ગમે તે કિંમત ચૂકવવા તૈયાર છે પણ આજે અમે તમને એક એવા ક્રેઝી ફેનની વાત કરીશું જે વાંચીને તમને નવાઇ લાગશે. 30 વર્ષનો ગુજરાતી યુવક તિલક શાહ અત્યાર સુધીમાં 7 અલગ અલગ દેશોમાં 1
.
દિવ્ય ભાસ્કરે કોલ્ડ પ્લેના સુપર ફેન તિલક શાહ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કોલ્ડ પ્લેના ફેન બનવાથી લઇને અત્યાર સુધીની જર્ની શેર કરી હતી.
સુપર ફેન તિલક ગૌરાંગ શાહે કહ્યું, હું મૂળ ગુજરાતી છું પણ મારો ઉછેર અને ભણતર મુંબઈમાં થયું છે. કોલ્ડ પ્લે એ મ્યૂઝિક બેન્ડ કરતાં પણ મારા માટે વધુ મહત્વનું છે. એ લોકોના ગીત અને લીરિક્સ તો અલગ પ્રકારના છે જ પણ સ્પેશિયલી એમની ટીમના ફ્રન્ટ મેન ક્રિસ માર્ટિનનો હું ફેન છું. તે ખૂબ જ સારી આઈડિયોલોજી અને ફિલોસોફી લાવે છે. તેનાથી તમારામાં આત્મવિશ્વાસ આવે છે કે તમે તમારી લાઇફમાં આગળ કંઇક કરી શકો છો અને તમારે ડરવાની જરૂર નથી. આ સાહસ અને કોન્ફિડન્સ સાથે તમે જીવનમાં આગળ વધી શકો છો. મારે કોલ્ડ પ્લે સાથે આ જ કનેક્શન છે.
તિલક શાહે કહ્યું, હાલ મારી ઉંમર 30 વર્ષની છે અને આ બેન્ડ 27 વર્ષ જૂની છે. પણ મેં ખૂબ જ નાની ઉંમરમાં આ બેન્ડને સાંભળવાની શરૂઆત કરી હતી. જેનો શ્રેય મારા પિતા અને મારી સ્કૂલને જાય છે. કેમ કે હું સ્કૂલમાં ભણતો ત્યારે નાની ઉંમરમાં પહેલીવાર આ બેન્ડનું ગીત સાંભળ્યું હતું, પછી એ તરફ આગળ વધતો ગયો હતો.
દિલ્હી-મુંબઇમાં ન મળી શકાયું ફેન બનવાની જર્નીને યાદ કરતાં તિલક શાહે કહ્યું, એક વાર એક ઇવેન્ટમાં ક્રિસ માર્ટીન દિલ્હીમાં આવ્યા હતા. ત્યારે હું કોલેજમાં ભણતો હતો.પણ ત્યારે મારું કોઇ નેટવર્ક નહોતું એટલે તેમને મળી શકાયું નહોતું. પછી તેઓ મુંબઈ આવ્યા હતા. એ સમયે તેમના ગીત ‘હીમ ફોર ધ વિક એન્ડ’ ગીતનું શૂટિંગ થવાનું હતું. મુંબઈ આવ્યાની મને ખબર પડતાં જ હું કોલેજ છોડીને સિટીમાં તેમને શોધવા લાગ્યો હતો, પણ સફળતા મળી નહોતી. પણ જ્યારે એ ગીત રિલીઝ થયું ત્યારે જોયું તો ખબર પડી કે આ સોંગ મારા ઘરની આસપાસ જ શૂટ થયું હતું. એટલે ખૂબ જ દુ:ખ થયું. એ સમયે નક્કી કરી લીધું હતું કે હવે જ્યાં પણ કોલ્ડ પ્લેનો શો થાય ત્યાં જવું છે અને બસ જોવું છે.
તિલક શાહે 7 અલગ અલગ દેશોમાં 17 વખત કોલ્ડ પ્લેનો કોન્સર્ટ જોયો છે
તિલક શાહે કહ્યું, મેં મારો પહેલો કોલ્ડ પ્લેનો લાઇવ કોન્સર્ટ લંડનના એક નાના ચર્ચમાં જોયો હતો. આ ઘટના મારા દિલની ખૂબ જ નજીક છે. એ સમયે ડિસેમ્બર 2015માં તેમનો લંડનમાં શો હતો. ટિકિટનો ભાવ 18 પાઉન્ડ એટલે કે 1800 રૂપિયા હતો. પણ સવાલ પૈસાનો નહોતો પણ એટલી લિમિટેડ સીટ હતી કે મળવી અશક્ય હતી. આ શોની ટિકિટ બૂક કરાવવા માટે મેં મારા મિત્રોનું ખૂબ મોટું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું. અને બધાને સમજાવ્યું કે બધા જ લોકો ટિકિટ બૂકિંગના પ્રયત્ન કરે. કોઇકને તો ટિકિટ લાગી જ જશે. યુકેના સમય અનુસાર સાંજે 7 વાગીને 15 મિનિટે ટિકિટનું બૂકિંગ ઓપન થવાનું હતું. એટલે આપણે ત્યાં રાતના 1.14 મિનિટનો સમય થયો. બૂકિંગ શરૂ થતાં જ બધા મિત્રોને એલર્ટ કર્યા અને બધાએ પ્રયત્ન કર્યા, પણ કોઇને ટિકિટ ન લાગી.
2015માં સ્પેશિયલ મુંબઇથી લંડન ગયો ‘અનેક પ્રયત્ન છતાં લંડનના કોન્સર્ટની ટિકિટ ન મળી છતાં મે નક્કી કર્યું હતું કે બસ મારે તો જવું જ છે. આ માટે હું સ્પેશિયલ મુંબઇથી લંડન ગયો હતો. ત્યાં પહોંચીને 48 કલાક સુધી મેં ટિકિટ માટે પ્રયત્નો કર્યા પણ આમ છતાં સફળતા ન મળી. જો કોઇ મારા જેવો કોલ્ડ પ્લે ફેન આ વાત સાંભળશે તો તેને મારા માટે ગર્વ થશે. સદનસીબે ક્રિસ માર્ટિનના ગેસ્ટ લિસ્ટની એક ટિકિટ કેન્સલ થઇ તેના રિપ્લેસમેન્ટ પર મને કોન્સર્ટ જોવાનો ચાન્સ લાગ્યો હતો. અંદર ગયો તો ‘હેડ ફોલ ઓફ ધ ડ્રિમ્સ’ સોંગ ગવાતું હતું. એ સમયે ત્યાં 800 થી 1000 લોકો હતા.મારા ઇન્સિડન્ટથી મારામાં સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો હતો. કોઇ પણ વસ્તુ તમે સાચા દિલથી અને મહેનતથી કરશો તો તમને જરૂર મળશે.’
તિલક શાહે ઉમેર્યું, કોલ્ડ પ્લેની ટીમના કોન્સર્ટને લાઇવ જોવાની 2015માં શરૂ થયેલી સફર આજે 2025 સુધી ચાલુ જ છે. હમણાં મુંબઇમાં જે ત્રણ દિવસનો કોન્સર્ટ યોજાયો હતો તેમાં પણ હું હાજર હતો એટલે અત્યાર સુધીમાં 17 વખત કોન્સર્ટ જોઈ ચૂક્યો છું. અમદાવાદમાં યોજાનાર બન્ને દિવસ હું આ કોન્સર્ટ જોવાનો છું એટલે ટોટલ 19 વખત હું કોલ્ડ પ્લેની ટીમનો કોન્સર્ટ જોઇશ.
ધીમે ધીમે સુપર ફેન તિલક શાહને કોલ્ડ પ્લેની ટીમ ઓળખવા લાગી હતી. હવે તિલક શાહ કોલ્ડ પ્લેના બેન્ડ સાથે જ એક ફેન તરીકે ટ્રાવેલ કરે છે. કોલ્ડ પ્લેની ટીમ તિલક શાહને સામેથી કોન્સર્ટની ટિકિટ આપે છે. તિલક શાહ આજે પોતાની એક ઇવેન્ટ કંપની પણ ચલાવે છે. જે કોલ્ડ પ્લેના ફેન માટે ક્વિઝનું આયોજન પણ કરે છે.
એક ફેન તરીકે કોલ્ડ પ્લેના કોન્સર્ટ પાછળ અત્યાર સુધીમાં કેટલો ખર્ચ કર્યો છે એ અંગે પૂછતાં તિલક શાહે કહ્યું, અત્યાર સુધી કરેલા ખર્ચની અમાઉન્ટ તો કહેવી ખૂબ જ મુશ્કેલ છે કેમ કે હવે તો કોલ્ડ પ્લેની ટીમ પણ મને ટિકિટ આપી રહી છે. જે એક ફેન માટે ખૂબ જ મોટી વાત છે. પણ અત્યાર સુધીમાં રફલી હોટલનો અને ફ્લાઇટનો જે ખર્ચ થતો હોય તે થાય છે. ઇવન હવે તો હું આટલી બધી જગ્યાએ જઉં છું એટલે મને ખ્યાલ છે કે કેવી રીતે સસ્તી ટિકિટ બૂક કરાવી શકાય અને કમ્ફર્ટેબલ રીતે ટ્રાવેલ કરી શકાય. શો એવો ખર્ચનો નંબર કહેવો ડિફિકલ્ટ છે પણ તમે મેં જોયેલા 19 કોન્સર્ટ અને તે માટે કરેલું 7 દેશમાં ટ્રાવેલ તેના પરથી અંદાજો લગાવી શકો છો.
એક વાર ક્રિસ માર્ટિનને રુબરું મળવું છે તિલક શાહે કહ્યું, ક્રિસ માર્ટિન સાથે મારી વાતચીત ઇન ડાયરેક્ટલી થઇ છે. મેં છેલ્લા 15 દિવસ દરમિયાન કોલ્ડ પ્લેના 7 શો જોયા છે. શોમાં હું એક સાઇન પકડું છું. જેમાં હું નંબર બદલતો હોઉં છું કે મારો આજે આટલા નંબરનો શો છે. એટલે એ મારી સામે જોવે પણ છે અને ઈશારો પણ કરે છે. પણ લાઇવ રૂબરુમાં ક્યારેય તેમની સાથે વાત નથી થઇ. પણ મારી એવી ઈચ્છા છે કે હું તેમને લાઇવ મળું. મારે ન તો તેમનો ફોટો લેવો છે કે ન તો તેમનો ઓટોગ્રાફ પણ હું ડિસેમ્બર 2015માં યોજાયેલા તેમના લંડનના શોનો મારો અનુભવ શેર કરવા માંગુ છું. જેમાં મારી પાસે ટિકિટ નહોતી ને બેન્ડના કોઈ વ્યક્તિએ મને ટિકિટ આપી હતી. હું પહેલી વાર તેમનું લાઇવ પર્ફોર્મન્સ જોઇ શક્યો. આ ઘટનાથી મારી લાઇફમાં કેવી અસર થઇ છે અને એ પછી મેં શું કર્યું છે. એ બધી વાતો કરવી છે.
તિલક શાહે દાવો કરતાં કહ્યું કે, એવી કોઇ પાક્કી રીત તો નથી પણ ભારતીય તરીકે અને એક ગુજરાતી તરીકે કોલ્ડ પ્લેનો મારા જેવો બીજો કોઇ સુપર ફેન નહીં હોય, જેણે અત્યાર સુધીમાં 19 વાર કોલ્ડ પ્લે કોન્સર્ટને લાઇવ જોયા હોય. તમે કોઇ પણ વસ્તુને વારંવાર જોવો એટલે પછી દર વખતે તમે એકની એક વસ્તુ જોવાની જગ્યાએ કેટલાક ઓબ્ઝર્વેશન કરતાં હોવ છો. મેં પણ આવું જ કર્યું છે. ધીરે ધીરે તમારો એ ટીમ સાથે રેપો બનતો જાય છે.
મુંબઇમાં કોન્સર્ટમાં વેલકમ સ્પીચ આપવાનો ચાન્સ મળ્યો થોડા દિવસ પહેલાં જ્યારે મુંબઇમાં 3 દિવસ માટે કોન્સર્ટનું આયોજન થયું હતું ત્યારે કોલ્ડ પ્લેની ટીમે તિલક શાહને સ્ટેજ આપ્યું હતું. જેમાં તેણે વેલકમ કર્યું હતું. પણ આટલા મોટા કોન્સર્ટનું તેને સ્ટેજ કેવી રીતે મળ્યું એ અંગે પૂછતાં તિલક શાહે કહ્યું, સ્ટેડિયમમાં 17 હજાર લોકો હતા, જેમાંથી લગભગ 7 હજાર લોકો મને ઓળખતા હતા. એ મારા માટે ખૂબ જ સ્પેશિયલ હતું. એટલે મેં બેન્ડને પૂછ્યું કે હું મારા હોમ ગ્રાઉન્ડમાં કંઇ કરી શકું. તેમણે ખૂબ જ ખુશી સાથે મને તક આપી. મેં ઘણી બધી ઇવેન્ટ અને સેરેમની હોસ્ટ કરી છે એટલે માઇક પકડવું અને કેમેરા ફેસ કરવો એ તો નોર્મલ હતું. મારા માટે આ ખૂબ જ મજાનું કામ છે.
તિલક શાહે મુંબઇ કોન્સર્ટમાં વેલકમ સ્પીચ આપી હતી
તિલક શાહે આગળ કહ્યું, મારી ગમતી બેન્ડ, મારું ગમતું શહેર અને 17 હજાર લોકોની સામે એ બેન્ડનું માઇક પકડવું એ અનુભવ ખૂબ જ અદ્ભૂત હતો. મારી પાસે આ વર્ણવવા માટે શબ્દો નથી. અત્યારે જ્યારે તમારી સાથે પણ આ વાત કરી રહ્યો છું તો મારા રૂવાડાં ઊભા થઇ ગયા છે. કેમ કે હજારો લોકો કાર્યક્રમને શરૂ થવાની રાહ જોઇ રહ્યા હોય અને તેના એક સેકન્ડ પહેલાં જ તમે સ્ટેજ ઉપર જાઓ અને જે એનર્જી હોય તે તમે સમજી શકો છો કે કેવી હોય. જ્યારે મેં સ્ટેજ પર ખાલી એટલું કહ્યું કે હેલ્લો મુંબઇ અને ચારે બાજુથી જબરદસ્ત ચિયર્સ મળ્યું.
અમદાવાદમાં પણ સ્ટેજ મળે તેના પ્રયત્નો કરું છું તિલક શાહે કહ્યું,એ લોકોને બરોબર ખબર છે કે આપણાં દેશમાં બુમરાહનો ક્રેઝ છે. ઇવન એ લોકો એવી ટ્રાય કરતા હોય છે કે અહીં આવતા લોકોને તેઓ શો ઉપરાંત કંઈ સમજણ પણ આપે. અમદાવાદમાં પણ થઇ રહેલા કાર્યક્રમમાં મને સ્ટેજ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યો છું. જો પ્રયત્ન કરીશું તો સફળતા મળશે. નેવર ગીવઅપ. બહુમાં બહુ તો એ એમ કહેશે કે તમને એક ચાન્સ આપ્યો એટલે આ વખતે બીજાને ચાન્સ આપીશું. પણ તમને જણાવતાં આનંદ થાય છે કે, 26મી જાન્યુઆરીની ઇવેન્ટ ખૂબ જ મોટી છે કેમ કે ડિઝની અને હોટ સ્ટાર પર તે લાઈવ થવાની છે. મારી કંપનીએ પણ તેમની સાથે પાર્ટનરશિપ કરીને ભારતભરમાં વોચ પાર્ટીઝનું આયોજન કર્યું છે. આવામાં જો ચાન્સ મળશે તો મારા માટે ખૂબ જ સ્પેશિયલ મોમેન્ટ હશે.
ભાગ્યશાળી છું કે બેન્ડ સાથે ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો તિલક શાહે કહ્યું, આપણે જોઇએ તો ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં ઘણી એવી જૂના જમાનાની બેન્ડ છે. એક બિટલ કરીને બેન્ડ છે એ પણ ખૂબ જ જૂની છે. તમે કોઇ પણ બેન્ડના ફેનને પૂછશો તો કે એ બેન્ડની કઇ એક વસ્તુ છે જે તમને ગમશે તો તેઓ એમ જ કહેશે કે એવી ઇચ્છા છે કે આઇ વિશ, આઇ શો ધેમ ઇન ધેર પ્રાઇમ. એટલે કે જ્યારે તેઓના ખૂબ જ પ્રાઇમ સમયમાં હું જીવતો હોત કે પૈસા હોત તો હું જોઇ શકતો. આજે મારી પાસેથી કંઇ પણ લઇ લો. હું એ આપવા માટે તૈયાર છું. જો મને એ સમેય એ અનુભવ કરવા મળે. મારા ગાંડપણનો એ જ ફંડા છે કે આઇ કેન ટુડે. મને ખબર છે કે કોલ્ડ પ્લેનું મહત્વ મારા માટે શું છે. તમે વિચાર કરો કે એ લોકોના શોની ટિકિટ ત્રણ-ચાર મિનિટમાં વેચાઇ જાય છે. રફલી જોવા જઇએ તો કોલ્ડ પ્લેની આ ટૂરનો 182મો આ શો થઇ રહ્યો છે, જે ફૂલ જઇ રહ્યો છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તેમની સાથે ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન કેટલાક બેન્ડના કલાકારો પણ મને ઓળખે છે. કાલે શું થશે એ ખબર નથી પણ આજે મારી પાસે ચાન્સ છે.
તિલક શાહે અંતમાં કહ્યું, આપણને એવું લાગતું હોય છે કે, જે વ્યક્તિ કેમેરાની સામે બોલે છે એવું તે રિયલ લાઇફમાં ન બોલતા હોય. પણ એવી વાત કોલ્ડ પ્લેની ટીમના કિસ્સામાં નથી. કોલ્ડ પ્લે એક એવું ગ્રુપ છે જે, ઘણી મહેનત કરે છે કે આ બઘાને કેવી રીતે એક્સેસેબલ થાય. કોઇક ને કદાચ એન્ઝાયટી થાય કે પછી કોઇને સેન્સરી નીડ હોય જેનાથી લાઉડ સાઉન્ડથી અનકમ્ફર્ટેબલ થઇ જાય તો એ લોકો માટે ફ્રી કીટ રાખી છે. જેથી તમે પોતાને ઓક્યુપાય રાખી શકશો. એ લોકોએ સ્ટેજની બંને બાજુએ ઇન્ટર પ્રિટર પણ રાખ્યા છે. જેથી દરેક લોકો આનો એક્સપિરિયન્સ કરી શકે. બાકી એ લોકોને આવી કોઇ સુવિધા કરવાની જરૂર નથી છતાં તેઓ એનો પણ વિચારી કરીને આયોજન કરે છે. એ લોકો જ્યારે કેમેરામાં બોલે છે કે સ્પ્રેડ લવ તેમનું મ્યુઝિક ભલે ન સમજાય પણ તમે તેમના ઇન્ટર્વ્યૂ જોજો એટલે તમને બધું જ સમજાઇ જશે.