અમદાવાદ,ગુરૂવાર
શહેરના રિલીફ રોડ પર ક્રિકેટ સટ્ટાની બાતમીને આધારે ક્રાઇમબ્રાંચે દરોડો પાડતા ઝડપાયેલા ત્રણ યુવકોની પુછપરછ દરમિયાન ઇ-કોમર્સ વેબસાઇટ પર ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરીને ઓનલાઇન પ્રોડક્ટ અતિ સસ્તી કિંમતે મંગાવીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આરોપીઓ ગેમીંગ અને ક્રિકેટ સટ્ટાની સાઇટમાં પણ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન ત્રણેય યુવકો દ્વારા સાત કરોડ રૂપિયા સુધીની ઠગાઇ કરવામાં આવી હોવાની વિગતો પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે રીલીફ રોડ પર એક ઓફિસમાં ત્રણ યુવકો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો બુક કરાવીને મોટાપ્રમાણમાં રમી રહ્યા છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે વિજય વાઘેલા ( અશ્વમેઘ ટેનામેન્ટ, બાપુનગર) , નિતેશ મડતા (ગુજરાત હાઉસીંગ બોર્ડ,બાપુનગર) અને આદીલ પરમાર (રામીની ચાલી, રખિયાલ)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી ક્રિકેટ સટ્ટાને લગતા કેટલાંક લોગઇન આઇ ડી મળી આવ્યા હતા. બાદમાં પોલીસે તેમની પાસેથી જપ્ત કરેલા ગેઝેટ્સની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આરોપીઓ ક્રિકેટ સટ્ટામાં ગેંમીંગ સાઇટમાં ડી-બબીંગ સોફ્ટવેરની મદદથી ચેડા કરીને મોટાપ્રમાણમાં નાણાંની છેતરપિડી આચરી રહ્યા છે.ત્યારબાદ કરવામાં આવેલી પુછપરછમાં સામે આવેલી માહિતી જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી અજીત રાજયને જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ ઇ-કોમર્સ, જ્વેલર્સ કે અન્ય વેબસાઇટમાં સિક્યોરીટી ટેસ્ટીંગ સોફ્વેર ડી-બગીંગની મદદથી ખામી શોધીને તેમાં એન્ટર થઇને કોઇ પ્રોડક્ટના ભાવમાં ચેડા કરીને ૧૦ હજારની પ્રોડક્ટની કિંમત એક રૂપિયો લખીને તે પ્રોડક્ટને ડમી નામે ઓર્ડર કરીને તેને સસ્તામાં મંગાવીને મેળવી લેતા હતા. ત્યારબાદ તે સસ્તામાં વેચાણ કરતા હતા. આ મોડ્સ ઓપરેન્ડીથી ગેંમિંગ વેબસાઇટ અને કેશિનોની વેબસાઇટમાં ચેડા કરીને નાણાં પડાવતા હતા. છેલ્લાં બે વર્ષમાં તેમણે સાત કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી કરીને ૧૨૫ જેટલા પાર્સલની મદદથી કિંમતી ચીજવસ્તુઓ મંગાવી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ ઉપરાંત, પોલીસે પાંચની કિંમતના પાર્સલ પણ જપ્ત કર્યા હતા. ત્રણેય આરોપીઓએ અત્યાર સુધીમાં બે વેબસાઇટમાં ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમા ંતે પ્રાઇઝ મોડીફિકેશન અને રિસ્પોન્સ સ્ક્રિપ્ટ ચેંજ ટેકનીકનો ઉપયોગ આ છેતરપિંડી માટે કરતા હતા. ત્યારે આરોપીઓની પુછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આમ, ગુજરાતનો જ નહી પણ સમગ્ર દેશનો પ્રથમ કોઇ આવો કેસ શોધવામાં આવ્યો હતો.
સમ્રગ કેસમાં ક્યા આરોપીઓની કઇ ભૂમિકા હતી?
પોલીસે જ્યારે તમામ આરોપીઓની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે વિજય વાઘેલાએ આઇટીમાં એમબીએ કર્યું હતું અને તે સર્ચ એન્જીન પરથી ડી-બગીંગ સોફ્ટવેર મેળવીને વેબસાઇટમાં બગ હંટીંગ કરીને વેબસાઇટમાં ચેડા કરીને ઓર્ડર આપતો હતો.જ્યારે નિતેશ વેબસાઇટ પરથી મેળવેલી પ્રોડક્ટનું વેચાણ કરીને નાણાં એકઠા કરતો હતા. આ ઉપરાંત, આદીલ પરમાર ઓનલાઇન સટ્ટાની વેેબસાઇટ ઉપર પ્રાંઇઝ મોડીફીકેશન કરીને જુગાર રમીને નાણાં મેળવતો હતો. આમ, ત્રણેય જણા નવી જ મોડ્સ ઓપરેન્ડીથી લાખો રૂપિયા બનાવ્યા હતા.
જ્વેલરીની વેબસાઇટ પરથી રૂપિયા પાંચ લાખના દાગીના મફતમાં મંગાવ્યા
ડી-બગીંગ સોફ્ટવેરથી આરોપીઓએ એક જ્વેલરી શોપની સાઇટમાં ચેડા કરીને પાંચ લાખ રૂપિયાની જ્વેલરીની કિંમત શૂન્ય કરીને તમામ દાગીના બારોબાર મંગાવીને વેચી દીધા હોવાની ચોંકાવનારી કબુલાત આરોપીઓએ કરી છે.
અઢી લાખનુ ંડ્રોન બે રૂપિયામાં ખરીદીને એક લાખમાં વેચાણ કર્યુ
આરોપીઓએ ઇ-કોમર્સની સાઇટ પરથી આરોપીઓ મોટા ભાગે કેમેરા, મોબાઇલ ફોન અને અન્ય ઇલેકટેનીક્સ સાધનો મંગાવતા હતા. જેમાં તેમણે અઢી લાખની કિંમતનું ડ્રોન વેબસાઇટમાં પ્રાઇઝ મોડીફીકેશન કરીને બે રૂપિયા કરીને તેને મંગાવીને એક લાખ રૂપિયામાં વેચાણ આપ્યું હતુ.
વેબસાઇટમાં ચેડા કરીને ૨૦ થી ૨૫ સેકન્ડમાં જ ઓર્ડર કરવામાં આવતો હતો
આરોપીઓએ બજારમાંથી ડી-બગીંગ સોફ્ટવેર મેળવ્યું હતુ અને તેનો ઉપયોગ કરીને તે ઇ-કોમર્સ વેબસાઇટમાં ચેડા કરીને પ્રોડક્ટની કિંમત બદલીને ૨૦ થી ૨૫ સેકન્ડમાં જ ઓર્ડર કરતા હતા. જેના કારણે તેમની કડી મળવી કંપનીઓ માટે અધરી બની હતી.