Surat Corporation Organic Farming : સરકાર દ્વારા ખેડૂતો રાસાયણિક ખેતી છોડી, પ્રાકૃતિક ખેતી કરતા થાયએ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સુરત જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આ ખેડુતોને સુરત શહેરમાં સીધુ બજાર મળે અને સુરતીઓને પણ ઓર્ગેનિક શાકભાજી મળે તે માટે સુરત પાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે આવા ખેડૂતોને અઠવા ઝોનમાં નજીવા ભાડે જગ્યા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકા અઠવા ઝોનમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને જગ્યા ફાળવશે આ પ્રયોગ સફળ થયા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ આવા પ્રકારના માર્કેટ ઉભા કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા હવે પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતી પર ભાર મુકી રહી છે અને તેના માટે પ્રયાસ કરી રહી છે. જેના કારણે સુરત જીલ્લામાં 41,618 ખેડુતો દ્વારા 29,830 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી વિવિધ શાકભાજી, ફળ, ધાન્ય, કઠોળ, શેરડી, કંદમુળ વગેરે પાકની ઉપજ મેળવી રહ્યા છે. આવા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો સુરત શહેરમાં અસંગઠિત રીતે જુદી-જુદી જગ્યાએ વેચાણ કરી રહ્યા છે. જોકે, જિલ્લા પંચાયત દ્વારા રજુઆત બાદ સુરત પાલિકા દ્વારા પાલિકાના અઠવા ઝોનમાં 41.56 લાખના ખર્ચે વેસુ ખાતે વેજીટેબલ માર્કેટ બનાવી છે તેમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને ઓટલા ફાળવવા માટેની દરખાસ્ત મંજુર કરી છે.
દરખાસ્ત મંજુર કરતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના ફક્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત ફળ અને શાકભાજી વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. હાલ આ પાયલોટ પ્રોજેક્ટ એક વર્ષ માટે શરુ કરવામાં આવ્યો છે. આ માર્કેટમાં ફક્ત પ્રાકૃતિક ફળ અને શાકભાજી વેચાણ કરતા ખેડૂતો પૂરતું મર્યાદિત રહેશે. અને ખેડૂતોને જગ્યાની ફાળવણી ડી.ડી.ઓ દ્વારા કરવામાં આવશે. પરંતુ વેસુ વેજીટેબલ માર્કેટની નિભાવણી તેમજ સંચાલન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે ખેડૂતોએ આ જગ્યા માટે મહિનાના માત્ર 200 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. આ પ્રયાસને કારણે પ્રાકૃતિક ખેતીને વેગ મળી શકે તેમજ શહેરના લોકોને કેમિકલ મુક્ત ફળ, શાકભાજી અને અનાજ ઉપલબ્ધ થઈ શકશે.