વોશિંગ્ટન ડીસી47 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પે કહ્યું કે અમારી ધમકીઓ માત્ર સોદાબાજી માટે નથી. આ દેશો સાથે અમારી વેપાર ખાધ વધુ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર વધારાની 10% ટેરિફ લાદી છે. તેમણે આ અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી. આ દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ દેશો ટેરિફમાં વિલંબ કરાવવા માટે કંઈક કરી શકે છે. તેઓએ જવાબ આપ્યો કે ના, તેઓ હવે કંઈ કરી શકે તેમ નથી.
ટ્રમ્પે કહ્યું કે અમારી ધમકીઓ માત્ર સોદાબાજી માટે નથી. આ ત્રણેય સાથે અમારે ભારે વેપાર ખાધ છે. અમે આગળ પણ જોઈશું કે તેમાં વધારો કરવો કે નહીં, પરંતુ અમેરિકામાં ઘણા પૈસા આવશે.
આ પહેલા શુક્રવારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પર 25% અને ચાઈનીઝ માલ પર 10% ટેરિફ લાદશે. કારણ કે આ દેશોમાંથી ગેરકાયદે ફેન્ટાનાઇલ ડ્રગ આપણા દેશમાં પહોંચી રહ્યું છે, જેના કારણે લાખો અમેરિકનોના મોત થયા છે.
ફેન્ટાનીલ એક શક્તિશાળી સિંથેટિક ઓપીઓઇડ એટલે કે ડ્રગ્સ છે. તેના ઓવરડોઝથી મગજમાં ઓક્સિજન સપ્લાય ઘટી જાય છે. જેના કારણે વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
યુરોપના એલ્યુમિનિયમ અને કોપર પર ટેરિફ લાદવામાં આવી શકે છે
ટ્રમ્પ યુરોપથી આવતા એલ્યુમિનિયમ, કોપર, મેડિસિન અને સેમિકન્ડક્ટર પર પણ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. કોપર પર ટેરિફ લાદવામાં થોડો વધુ સમય લાગશે.
ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ લાદવાની નાણાકીય બજાર પર શું અસર પડશે તે વાતથી તેમને કોઈ ફરક પડતો નથી.
કેનેડાના PMએ કહ્યું- અમે પણ કાર્યવાહી કરીશું
શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અમે એવું નથી ઈચ્છતા કે આવું થાય, પરંતુ જો તેઓ આગળ વધશે તો અમે પણ પગલાં લઈશું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડા બદલો લેવા માટે ટ્રમ્પના હોમ સ્ટેટ ફ્લોરિડાના ઓરેનેજ જ્યુસ પર ટેરિફ લાદી શકે છે.
મેક્સિકોના પ્રેસિડેન્ટ ક્લાઉડિયા શેનબામે કહ્યું કે તેઓ પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી જ આગળના નિર્ણયો લેશે. જો કે, તેણે ચેતવણી આપી હતી કે મેક્સિકો પણ બદલો લઈ શકે છે. શેનબામે કહ્યું- અમે હંમેશા અમારા લોકોનું સન્માન કરવા માટે કોઈપણ દબાણ વગર વાત કરવા માંગીએ છીએ.
ચીને કહ્યું કે અમે ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. આ ટેરિફ વોરમાં કોઈ વિજેતા નહીં હોય. તેનાથી ન તો બંને દેશોને ફાયદો થશે કે ન તો દુનિયાને ફાયદો થશે.
કેનેડા-મેક્સિકોને ઓઈલની આયાતમાં છૂટ મળી શકે છે
ગુરુવારે, ટ્રમ્પે કહ્યું કે તેઓ કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદશે કારણ કે આ દેશો સાથે અમારી ખાધ ઘણી વધારે છે. જોકે, ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મેક્સિકો અને કેનેડાને ઓઈલની આયાતમાં છૂટ આપવા વિશે વિચારી શકે છે.
એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, ગયા વર્ષે ઓક્ટોબરમાં, યુએસએ કેનેડાથી દરરોજ લગભગ 46 લાખ બેરલ તેલ અને મેક્સિકોથી 5.63 બેરલ ઓઈલની આયાત કરી હતી. જ્યારે તે મહિનામાં અમેરિકાનું સરેરાશ દૈનિક ઉત્પાદન લગભગ 13.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતું.
કેનેડા અને મેક્સિકો સાથે યુએસ મુક્ત વેપાર કરાર
ઉલ્લેખનીય છે કે કેનેડા અને મેક્સિકો સાથે અમેરિકાનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. આ હેઠળ, આ દેશો વચ્ચે કોઈપણ પ્રકારની આયાત-નિકાસ પર કોઈ ટેરિફ નથી. તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા સાથે નોર્થ અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (NAFTA) પર હસ્તાક્ષર કર્યા હતા.
જો ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ આ દેશો પર ટેરિફ લાદશે તો તે કરારનું ઉલ્લંઘન ગણાશે.
આ ત્રણેય દેશોએ 2023માં અમેરિકા પાસેથી 1 ટ્રિલિયન ડૉલર (લગભગ 85 લાખ કરોડ રૂપિયા)થી વધુનો સામાન ખરીદ્યો હતો. તેમજ, 1.5 ટ્રિલિયન ડોલરથી વધુનું વેચાણ થયું હતું. રિપોર્ટ અનુસાર ટ્રમ્પના ટેરિફ વોરની સૌથી વધુ અસર ઓટો સેક્ટર, એગ્રીકલ્ચર, ટેક્નોલોજી અને પાર્ટસ પર પડશે. ટેરિફ લાદ્યા બાદ આ ચીજોની કિંમતમાં વધારો થશે.
67% અમેરિકનો મોંઘવારી વધવાથી ચિંતિત છે
PWC દ્વારા સર્વેક્ષણ કરાયેલા 67% અમેરિકનો માને છે કે કંપનીઓ વધેલા ટેરિફનો બોજ ગ્રાહકો પર નાખશે. એવોકાડો, બાળકોના રમકડા, ચોકલેટ, કપડાં, જ્વેલરી અને કારની કિંમતો દોઢ ગણી વધી શકે છે.