ગાંધીનગર જિલ્લા પોલીસે ચેઈન સ્નેચિંગના રીઢા ગુનેગાર સાગર ઉર્ફે ટેચીયો દશરથજી ઠાકોરને ત્રીજી વખત પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળ જેલમાં મોકલી આપ્યો છે.
.
માણસા તાલુકાના લાકરોડા ગામના છેવાડા ઠાકોરવાસનો રહેવાસી સાગર ઠાકોર સામે દહેગામ, માણસા અને સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી જવાના ગુના નોંધાયેલા છે. આરોપી અગાઉ ગાંધીનગર ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ શહેરમાં પણ ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયો હતો.
ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સૂચના મુજબ, લોકલ ક્રાઇમ બ્રાંચના PI ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવ્યો હતો. બે વખત પાસા હેઠળ જેલવાસ ભોગવ્યા છતાં પણ આરોપીએ ગુનાખોરી ચાલુ રાખતા ASI વિરભદ્રસિંહ રાણાએ પુરાવા સાથે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી વૉરંટ ઇસ્યુ કર્યા બાદ, લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી પોલીસ જાપ્તા હેઠળ તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.