Updated: Jan 11th, 2024
જામનગર, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા બહેનોમાં બ્રેષ્ટ કેન્સરનું પ્રમાણ ન વધે અને સમયસર તેનું પરીક્ષણ તેમજ નિદાન થાય તે અંગે જાગૃતિ લાવવા માટે પોતાના જન્મ દિવસે નવો સંકલ્પ કરી ને વિશેષ અભિયાન શરૂ કરાયું છે.
વધુમાં વધુ બહેનોનો બ્રેષ્ટ કેન્સર બાબતે સ્ક્રિનિંગ થઈ શકે, અને જરૂર પડયે સમયસર નિદાન થઈ શકે તે અંગે દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલય પરથી રજીસ્ટ્રેશન શરૂ કરાવવામાં આવ્યું છે. જામનગર શહેરમાં વસવાટ કરતા કોઈપણ બહેનો કે જેઓને બ્રેસ્ટ કેન્સર ના લક્ષણો બાબતે સ્ક્રિનિંગ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વિનામૂલ્યે સ્ક્રિનિંગ સાથેની મોમોગ્રાફી કરાવવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે.
હાલમાં દેશભરમાં બ્રેસ્ટ કેન્સર ના ગ્રાફમાં વધારો થયો છે, અને કેટલાક બહેનો તેના પરીક્ષણથી પણ ડરતા હોય છે. ત્યારે બહેનોમાં લોક જાગૃતિ કેળવવાના ભાગરૂપે અને બ્રેસ્ટ કેન્સરની મહામારી ના કોઈ બહેનો ભોગ બન્યા હોય તો, આ સ્ક્રીનિંગ- મેમોગ્રાફી મારફતે તેઓનું નિદાન તેમજ વહેલી તકે સારવાર થઈ શકે, તેના ભાગરૂપે સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જેથી જામનગરના જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા બહેનો, તેમજ રાજકીય- સામાજિક સંસ્થાના બહેનોએ જન સંપર્ક કાર્યાલય મિગ કોલોની બિલ્ડીંગ નાં ૧૧ બ્લોક નાં ૬૨ ગ્રાઉન્ડ ફ્લોરનો સંપર્ક કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.