– કતારગામના કારખાનેદાર એવા મૂળ બોટાદ ખોપાળાના ઘનશ્યામભાઈ ગાબાણી પાસેથી હમવતની દલાલ સુધીર ગાબાણી હીરા વેચવા લઈ ગયા હતા
સુરત, : સુરતના કતારગામ મહેતા પેટ્રોલ પંપ પાસે હીરાનું કારખાનું ધરાવતા મૂળ બોટાદના વૃદ્ધ પાસેથી રૂ.22.22 લાખના હીરા લઈ જઈ હમવતની હીરા દલાલે બે પાર્ટીને વેચી પેમેન્ટ નહીં કરતા કતારગામ પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ ગઢડાના ખોપાળાના વતની અને સુરતમાં ડભોલી કેન્સર હોસ્પિટલ રોડ ઓમ હેરિટેજ બી/1002 માં રહેતા 58 વર્ષીય ઘનશ્યામભાઇ મોહનભાઇ ગાબાણી કતારગામ મહેતા પેટ્રોલ પંપ પાસે માનસરોવર બિલ્ડીંગમાં પહેલા માળે હીરાનું કારખાનું ધરાવે છે.તેમના ગામના જ હીરા દલાલ સુધીરભાઇ કાંતીભાઇ ગાબાણી ( રહે.બી/2103, રીવાન્ટા રીવરવ્યુ, વરીયાવ બ્રીજ પાસે, સુરત તથા પહેલો માળ, અખંડ પાર્ક એપાર્ટમેન્ટ, લેકગાર્ડનની પાછળ, કતારગામ, સુરત ) તેમની પાસેથી તૈયાર હીરા વેચવા લઈ જઈ સમસયર પેમેન્ટ કરતા હતા.ગત 5 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2024 દરમિયાન સુધીરભાઈ ઘનશ્યામભાઈ પાસેથી રૂ.22,21,860 ની મત્તાના તૈયાર હીરા વેચવા લઈ ગયા હતા.
પેમેન્ટનો સમય થતા ઘનશ્યામભાઈએ સુધીરભાઈને ફોન કરતા તેમણે વરાછા મીનીબજાર બોલાવ્યા હતા.ઘનશ્યામભાઈ ત્યાં ગયા ત્યારે સુધીરભાઈ નહોતા અને તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી બાદમાં ફોન બંધ કરી દીધો હતો.ઘનશ્યામભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુધીરભાઈએ હીરા બે પાર્ટીને વેચી પેમેન્ટ પોતાની પાસે રાખી તેમને ચુકવ્યું નથી.આ અંગે તેમણે ગતરોજ સુધીરભાઈ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.એસ સાકરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.