વડોદરાઃ પ્રેકિટસ વગર જ ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલી એમ.એસ.યુનિવર્સિટીની ક્રિકેટ ટીમે કંગાળ દેખાવ કર્યો હતો અને બીજા રાઉન્ડમાં જ ટીમ બહાર ફેંકાઈ ગઈ હતી.
જાણવા મળતી વિગતો પ્રમાણે રતલામ ખાતે રમાયેલી વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થવાના બે દિવસ પહેલા જ યુનિવર્સિટીની ટીમની પસંદગી કરવામાં આવી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમઓયુ નહીં કરવાની સત્તાધીશોની નીતિના કારણે ડી એન ક્રિકેટ ગ્રાઉન્ડની સાર સંભાળ રાખવા માટે યુનિવર્સિટી પાસે કોઈ વ્યવસ્થા નહોતી.જેના પગલે ક્રિકેટ ટીમને પ્રેક્ટિસ કરવા માટે કોઈ વિકલ્પ પણ મળ્યો નહોતો.ટીમની પસંદગી માટે ગ્રાઉન્ડી ટર્ફ વિકેટને માંડ માંડ તૈયાર કરવામાં આવી હતી અને ટુર્નામેન્ટના બે દિવસ પહેલા જ ટીમની પસંદગી કરવામાં આવી હતી.
જેના કારણે યુનિવર્સિટીની ટીમ પ્રેક્ટિસ વગર જ ટુર્નામેન્ટમાં રમવા માટે ઉતરી હતી.નોક આઉટ ધોરણે રમાયેલી ટુર્નામેન્ટમાં પહેલી મેચ તો ટીમ જીતી હતી પરંતુ બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડયો હતો અને ટીમ બહાર થઈ ગઈ હતી.સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનો આ પ્રકારનો દેખાવ ભૂતકાળમાં ભાગ્યે જ થયો છે.ગત વર્ષે પણ યુનિવર્સિટીની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી અને તેને હારનો સામનો કરવો પડયો હતો.
જોકે કારમી હાર બાદ પણ યુનિવર્સિટી સત્તાધીશો જાગ્યા નથી.બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમઓયુ નહીં કરવાની સત્તાધીશોની કોઈ હિલચાલ હજી સુધી થઈ નથી.સત્તાધીશો યુનિવર્સિટી સ્તરે પણ ગ્રાઉન્ડની સંભાળ રાખી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં પણ નિષ્ફળ ગયા છે.