મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે એક ગંભીર ઘટના સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ કર્મચારી રમેશભાઈ સોલંકી (ઉં.41)ને એક રિક્ષાચાલકે હડફેટે લીધા હતા.
.
ઘટના અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ઢવાણા ગામના વતની અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા રમેશભાઈ સોલંકી ટ્રાફિક શાખામાં ફરજ બજાવે છે. તેઓએ એક રિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિક્ષાચાલકે તેમને હડફેટે લીધા અને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં ઘાયલ થયેલા રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લીધી છે અને હિતેશભાઈ મકવાણાના નેતૃત્વમાં પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજમાં રિક્ષાનું નંબર કે ઓળખ થઈ શકી નથી, જેના કારણે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે આરોપી રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે.