Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અવારનવાર ફાયરિંગ અને મારામારીની ઘટના સામે આવે છે, ત્યારે પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની ઘટના સર્જાઈ હતી. માલવણ કચોલીય પાસે આવેલી ઈસ્કોન હોટલ પર વકીલ પર ફાયરિંગ કર્યુ. આ ઉપરાંત આરોપીએ વકીલની કાર પર ધોકાઓ વડે તોડફોડ કરીને ઘાતક હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ભાગી ગયા હતા.
માલવણ નજીક વકીલ પર ફાયરિંગ અને હુમલો
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર માલવણ નજીકની ઈસ્કોન હોટલ ખાતે સાજીદ ખાન નામના વકીલ પર કેટલાંક શખ્સોએ ફાયરિંગ કરીને હુમલો કર્યો હતો. જેને લઈને વકીલે જણાવ્યું હતું કે, ‘માલવણ પાસેની ઈસ્કોન હોટલ ખાતે ગેડિયાના શખ્સોએ મારી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ ધોકાઓ વડે મારી કારમાં તોડફોડ કરીને ભાગી ગયા હતા.’ ફાયરિંગ અને હુમલાના બનાવમાં વકીલનો આબાદ બચાવ થયો હતો. પાટડી ખાતે વકીલ સાજીદની ઓફિસ આવેલી છે અને કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
વડોદરામાં એરફોર્સના નિવૃત અધિકારીએ પત્ની પર કર્યું ફાયરિંગ
મળતી માહિતી મુજબ, વડોદરાના માંજલપુરમાં આવેલા શ્રીજી ટેનામેન્ટમાં રહેતા એરફોર્સના નિવૃત અધિકારી હરીન્દર શર્મા અને તેમના પત્ની નિલમ વચ્ચે પ્રોપર્ટી બાબતે બબાલ થઈ હતી. આ દરમિયાન ઉગ્ર બનેલા શર્માએ પત્ની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં નિલમને કમરના ભાગે ગોળી વાગી હતી. જ્યારે પતિ-પત્નીના ઝઘડામાં ઘરકામ કરતો યુવક વચ્ચે પડ્યો તો એને પણ ઈજા પહોંચી હતી.