ગાંધીનગર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે
૮.૪૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરને શોધવા માટે પોલીસની મથામણ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે અડાલજ
પોલીસે બાતમીના આધારે દારૃ ભરેલી કારને ઉભી રાખવા પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસને
જોઈ કારનો ચાલક ટ્રાફિકમાં કાર મૂકીને નાસી છૂટયો હતો. જેમાંથી દારૃ બિયરનો મોટો
જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે ૮.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસ પણ
બાતમીદારોને સક્રિય કરીને દારૃ ભરેલા આવા વાહનોને પકડવા માટે મથી રહી છે. ખાસ
કરીને ગાંધીનગર જિલ્લામાં ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃ ભરેલા વાહનોને હેરાફેરી
વધુ જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગાંધીનગર નજીક અમદાવાદ મહેસાણા
હાઇવે ઉપર પણ દારૃ ભરેલા વાહનો આવતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અડાલજ પોલીસની
ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે અડાલજ કલોલ હાઇવે ઉપર મહેસાણા
તરફથી આવતી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે અમદાવાદ તરફ જઈ રહેલી
છે. જેના પગલે પોલીસ ટીમે ટોલટેક્સ નજીક વોચ ગોઠવી હતી જોકે અહીં ભારે ટ્રાફિક જામ
હોવાથી પોલીસ દ્વારા કારને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસને
જોઈને દૂરથી જ કારનો ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો. પોલીસ આ કારમાં
તપાસ કરતા વિદેશી દારૃની ૧૮૦ જેટલી બોટલ મળી આવી હતી જ્યારે ૪૮૦ બિયરના ટીન મળી
આવ્યા હતા. જેના પગલે કાર અને દારૃ મળી ૮.૪૨ લાખ રૃપિયાનો મુદ્દા માલ કબજે કરીને
કારના નંબરના આધારે બુટલેગરની શોધખોળ શરૃ કરવામાં આવી છે.