ડાંગ જિલ્લા પંચાયતની 10-કડમાળ મતદાર મંડળની પેટા ચૂંટણી-2025 અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ડેપ્યુટી કમિશનર અને ચૂંટણી ઓબ્ઝર્વર પી.એ. નિનામાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.
.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, કડમાળ બેઠક માટે 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. બેઠકમાં ઓબ્ઝર્વરે આચારસંહિતાના ચુસ્ત અમલ પર ભાર મૂક્યો હતો.
મતદાર જાગૃતિ કાર્યક્રમો, અદ્યતન મતદાર યાદી અને સંવેદનશીલ મતદાન મથકોની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી. દરેક મતદાન મથક પર સુરક્ષાકર્મીઓ અને આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. કુલ 22 મતદાન મથકો પર 14,257 મતદારો નોંધાયેલા છે.
ચૂંટણી પ્રક્રિયા સરળ અને નિષ્પક્ષ રહે તે માટે પ્રિસાઈડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરોને વિશેષ તાલીમ આપવામાં આવશે. ચૂંટણી ખર્ચ પર દેખરેખ, ઈવીએમની સુરક્ષા અને પરિવહનની વ્યવસ્થા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કાજલ આંબલીયા, મદદનીશ ચૂંટણી અધિકારી અને સુબીર મામલતદાર આઈ.એમ. સૈયદ સહિત તમામ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.