ધરતીનો છેડો ઘર, પણ કેટલાક લોકો માટે આજે આ કહેવત સાચી પૂરવાર નથી થઈ રહી…આજે અમે તમને એ 104 ચહેરાની વાત કરી રહ્યા છીએ જેઓ લાંબા સમય બાદ પોતાના ઘરે પરત ફર્યા છે પણ તેમની નીચી નજર, મોઢા પડેલા અને હવે શું થશે તે સવાલના નહીં મળતા જવાબ સાથે તેમના ચહેરા પર
.
ખેતર વેચ્યું, જમીન વેચી, જીવનું જોખમ લીધું અને એનકેન પ્રકારે રિસ્ક લઇને અમેરિકા પહોંચ્યા. વળી ત્યાં પહોંચીને કઇ શાંતિ નહોતી. એક તરફ લાંબી અને ટેન્શનભરી મુસાફરીનો થાક તો બીજી તરફ કોણ આશરો આપશે તે ચિંતા…
એક ઝાટકે અમેરિકામાંથી હાંકી કઢાયા
જેમ તેમ કરી આશરો મળ્યો ત્યાં રોટલાની ચિંતાએ ઉજાગરા શરૂ કરાવી દીધા. લાખોના દેવા કરી પોતાના વતનથી અમેરિકા પહોંચ્યા…બસ એક જ આશા….કે સારું જીવન મળશે, સારી લાઇફ સ્ટાઇલ મળશે, પોતાનું અને પરિવારનું ભવિષ્ય સુધરશે…પણ મળ્યું શું?…અપમાનજનક અને ચિંતાઓથી ઘેરાયેલી જિંદગી, લાખોના દેવા બાદ અને સારી જિંદગીની આશા સાથે ત્યાં પહોંચ્યા અને એક ગુનેગારની જેમ હથકડી પહેરાવી, ગુનેગારની જેમ વગર કોઇ માન-સન્માને જેમ દુધમાંથી માખી કઢાય તેમ એક ઝાટકે અમેરિકામાંથી હાંકી કઢાયા.
નીચી નજરે સાંભળ્યા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય
બસ પછી શું?….ફરી પાછી એ માથાકૂટ…દેવાનો ડુંગર…સમાજ-ગામના મેણા-ટોણા અને અપમાનજનક જિંદગી…એક સમયે જીવના જોખમે અમેરિકા પહોંચી ગયા બાદ ત્યાંની જાહોજહાલી અને પ્રગતિ જોઇ સમાજ-ગામમાં પરિવારને માન-સન્માન અને એક અલગ જ મોભો મળતો હતો. પણ હવે તેનાથી એકદમ વિપરિત અને કહીં શકાય કે ડાર્ક સાઇડ જોઇએ તો હવે તે જ સમાજ-ગામના લોકો તેમની મજાક ઉડાવશે તેમની લાચારી પર હસશે…ત્યારે તેમની પાસે નીચી નજરે સાંભળ્યા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય.
વ્યક્તિ ક્યારે બેઘર થઈ જાય તે કહી શકાય નહીં
સારી જિંદગીની શોધ વ્યક્તિને ક્યાં-ક્યાં લઈ જાય છે. તેમાં એક સપનું હોય છે. પોતાનું વતન છોડવું અને અમેરિકામાં પોતાનું નસીબ અજમાવવા નીકળી જવું. આ રસ્તાઓ ક્યારેક ગેરકાયદેસર અને જોખમથી ભરેલા પણ હોય છે, જે જીવનને ભયથી ભરી દે છે. વ્યક્તિ ક્યારે બેઘર થઈ શકે છે તે કહી શકાય નહીં.
કઇંક આ જ સત્ય દેખાડી રહી છે, અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની કેટલીક તસવીરો. તસવીરોમાં કેટલાકના હાથમાં હથકડી બાંધેલી છે, કોઇ લાઇનમાં ઉભા છે, કોઇ ભવિષ્યની અનિશ્ચિતતાઓથી ઘેરાયેલી આંખો અને માયૂસીથી ઝૂકેલા ચહેરા સાથે પોતાના વતન જવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે.
દિવ્ય ભાસ્કર એક જવાબદાર માધ્યમ છે, અમે આ સ્ટોરીના માધ્યમથી ફક્ત પરત આવેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની આવનારી જિંદગીની હકીકત રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે કોઇ ગેરકાયદે કે ડંકી રૂટથી અમેરિકા કે અન્ય કોઇ દેશમાં જવાને પ્રોત્સાહિત કે સમર્થન આપતા નથી. આ સાથે જ અમે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને તેમના પરિવારની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી અમારી પાસે ગુજરાતના 33 ગેરકાયદે ઈમિગ્રન્ટના નામ અને સરનામાની યાદી હોવા છતાં તેને પ્રકાશિત કરી નથી.