વડોદરા,ગુરુવાર
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા જ્યોતિનગરમાં વીજ લાઈન પર કામ કરી રહેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાકટના કર્મચારીનુ કરંટ લાગવાના કારણે ગઈકાલે, બુધવારે મોત થયું હતું.
આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ સાથે બુધવારથી ગોત્રી ખાતે આવેલી વીજ કંપનીની ઓફિસ પર ધરણા શરુ કર્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.બપોરથી શરુ થયેલા ધરણા સાંજે પણ ચાલુ રહ્યા હતા.
પરિવારજનોએ તો ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે મૃતક ધર્મેન્દ્ર હસમુખભાઈ જયસ્વાલને ખાડો ખોદવાનું કામ આપવામાં આવ્યું હતું અને તે પછી તેમને થાંભલા પર ચઢાવવામાં આવ્યા હતા.આ નિર્ણય કોણે લીધો હતો? હસમુખભાઈના પરિવારમાં હવે માત્ર દીકરો અને દીકરી રહ્યા છે.તેમના મોત બાદ આ પરિવારને ગુજરાન ચલાવવાના ફાંફા પડશે.જ્યાં સુધી તેમને ન્યાય અને યોગ્ય વળતર નહીંં મળે ત્યાં સુધી અમે ધરણા કરીશું.
કલાકો બાદ પણ પરિવારજનોના ધરણા ચાલું રહ્યા હતા અને તેના પગલે પોલીસ પણ વીજ કચેરીની ઓફિસ ખાતે દોડી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બુધવારે વીજ લાઈનના સમારકામ દરમિયાન અચાનક જ વીજ લાઈનમાંથી કરંટ પસાર થવા માંડતા લાઈન પર કામ કરી રહેલા હસમુખભાઈનું મોત થયું હતું.આ ઘટનાએ વીજ કંપનીની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.લાઈનમાં વીજ પ્રવાહ કેવી રીતે શરુ થઈ ગયો તેની તપાસ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ પણ સોપવામાં આવી છે.