યુવતીના ફોન પરથી મેસેજ આવ્યો કે મને ફોન કરશો નહી, મારી લાશ પાવાગઢના જંગલમાંથી શોધી લેજો
Updated: Jan 11th, 2024
હાલોલ તા.૧૧ હાલોલ તાલુકાના પાવાગઢના જંગલમાં વૃક્ષ ઉપર વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીની ઝાડ પર લટકતી હાલતમાં લાશો રહસ્યમય સંજોગોમાં મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ બંને વચ્ચે છૂટાછેડા થયા હોવાની વિગતો બહાર આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા બીએસયુપી આવાસ યોજનાના મકાનોમાં રહેતા દિપકભાઇ મંગળભાઇ વસાવાની પુત્રી ગોપી (ઉ.વ.૧૯)ને નજીકમાં જ રહેતાં હિતેશ રમેશભાઇ આહિર (ઉ.વ.૨૨) સાથે પ્રેમ સંબંધ થતાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગ વારંવાર થતાં લગ્નના ત્રણ માસના ટૂંકાગાળામાં આખરે ગોપીએ હિતેશ પાસેથી છૂટાછેડા લઇ લીધા હતાં.
બંને અલગ થયા બાદ પણ તેઓ સાથે રહેતાં હતા અને પાંચ દિવસ પહેલાં તા.૬ જાન્યુઆરીના રોજ ગોપી તેના પિતાના ઘેર જતી રહી હતી. તા.૯ જાન્યુઆરીના દિવસે સવારે ગોપી ઘરેથી કંપનીમાં જાઉં છું તેમ કહી નીકળી હતી. બાદમાં તેણે ઘેર મેસેજ કરી જણાવેલ કે મારે તમારા ઘેર કે પતિના ઘેર રહેવું નથી મને ફોન કરશો નહી અને મારી લાશ પાવાગઢના જંગલમાંથી શોધી લેજો. આ મેસેજ બાદ ગોપીની નર્સ માતા તેમજ પિતાએ પરિવારના અન્ય સભ્યો સાથે પાવાગઢ પહોંચી ગોપીની શોધખોળ હાથ ધરી હતી.
ગોપીની વ્યાપક શોધખોળ બાદ પાવાગઢના જંગલમાં વિશ્વામિત્રી નદીના મુખ તરફની ઝાડીઓમાં એક ઝાડ પર ગોપીની લાશ લટકતી મળી હતી તેની નજીક જ હિતેશની પણ લાશ મળી હતી. ગોપી અને હિતેશની લાશ જોતાં જ પરિવારજનો હેબતાઇ ગયા હતાં. આ અઁગે પાવાગઢ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેની લાશને નીચે ઉતારી હાલોલ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી દીધી હતી. ગોપી અને હિતેશની ઝાડ પર લટકતી લાશ અંગે અનેક રહસ્યો સર્જાયા છે. પતિથી અલગ રહેતી ગોપી આત્મહત્યાનું પગલું ભરી શકે તેના મોબાઇલમાંથી ગોપીએ જાતે જ મેસેજ કર્યો હતો કે અન્ય કોઇએ તે અંગે પણ રહસ્યો સર્જાયા છે.