અમદાવાદ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે. આ લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરામાં નવા સ્થળ પર તેમના ઘરઆંગણે ડેબ્યુ માટે તૈયારી છે. ગુરુવારે, ટીમે અમદાવાદમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં હેડ કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ હરલીન દેઓલ અને શબનમ શકીલ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના CBO સંજય આદેસરા હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત જાયન્ટ્સે WPL 2025 માટે તેમની જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.
આ વર્ષે ટાઇટલ જીતવું એ જ ટાર્ગેટ છે- હેડ કોચ હેડ કોચ માઈકલ ક્લિંગ રે આ સિઝનમાં તેમની ટીમ માટે મહત્વાકાંક્ષાઓ રજૂ કરી હતી અને આ વર્ષે ટાઇટલ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ટીમની તૈયારીઓ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, “બધા ખેલાડીઓ ખરેખર ઉત્સાહિત છે. વિદેશી ખેલાડીઓ આગામી એક કે બે દિવસમાં આવવાનું શરૂ કરશે અને પછી બધા સાથે મળીને કામ શરૂ કરી શકીશું.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે ચોક્કસ જ અહીં ખૂબ જ સખત સ્પર્ધા કરવા માટે આવ્યા છીએ. અમે શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સુક છીએ અને આશા રાખીએ છીએ કે ફાઇનલ માટે ક્વોલિફાય થઈશું. મને લાગે છે કે, થોડા ઉમેરાઓની દ્રષ્ટિએ અમારી પાસે ટીમમાં તે કરવા માટે પૂરતી ક્ષમતા છે. એક વાત જેનો મને ખરેખર ગર્વ હતો તે એ છે કે, છેલ્લી WPL સીઝનથી, અમારા છ ખેલાડીઓ A ટીમમાં રમી રહ્યા છે અને તેમાંથી કેટલાક ખેલાડીઓ પહેલી વાર સિનિયર ટીમમાં રમી રહ્યા છે. આથી, ટોચના સ્તરના ક્રિકેટ અને અન્ય ફ્રેન્ચાઇઝ ક્રિકેટના અનુભવ સાથે અમને સારી સ્થિતિમાં રહેવામાં જરૂરી મદદ મળશે.”
વડોદરામાં મારી સુંદર યાદો છે- હરલીન દેઓલ ઈજાને કારણે પાછલી સિઝન ગુમાવનાર ભારતીય ઓલરાઉન્ડર હરલીન દેઓલે પણ ટીમ સાથે પાછા ફરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને વડોદરામાં, જ્યાં તેની કેટલીક મીઠી યાદો છે, ત્યાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેણે આશા વ્યક્ત કરી હતી.
તેણે કહ્યું હતું કે, “હું ઈજાને કારણે છેલ્લી સિઝન રમી શકી ન હતી, તેથી હું આ સિઝન રમવા માટે વધુ ઉત્સુક છું. વડોદરામાં મારી પહેલી સદી ફટકારવાની મારી સુંદર યાદ છે, પરંતુ ક્રિકેટમાં, તમારે દરરોજ ઝીરોથી શરૂઆત કરવી પડે છે. જો તમે પહેલા રન બનાવ્યા હોય તો તેનો અર્થ એ નથી કે તમારી પાસે પહેલેથી જ તે રન છે. તેથી, હું આ ટુર્નામેન્ટમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને હું તેની રાહ જોઈ રહી છું.”
હરલીન દેઓલ WPLમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમે છે.
‘ઇન્જરીમાં બહાર આવી, મને મારી ભૂલો સુધારવાની તક મળી’ હરલીન દેઓલે કઈ રીતે કમબેક કર્યું તેના પર તે જણાવે છે કે, “પાવર-હિટિંગની પ્રેક્ટિસ તો અમે ઘણા વખતથી કરતા હતા. હું ઇન્જરીમાંથી બહાર આવી, તે પછી મને પ્રેક્ટિસ માટે ટાઇમ મળ્યો. હા, મારી ટેક્નિકમાં ફેરફાર આવ્યો નથી. પણ હું ક્યાં ભૂલ કરતી હતી, તેમાં સુધારો કરવાનો ટાઇમ મળ્યો હતો.”
ઓવરસીઝ ખેલાડીઓ સાથેના અનુભવ પર તે જણાવે છે કે, “ઓવરસીઝ પ્લેયર સાથે રમવાથી ઘણો ફાયદો થયો છે. એ લોકો પાસેથી ઘણું શીખવા મળે છે. ક્રિકેટનું રૂટિન હોય છે, તે ચેન્જ નથી કરતા. બીજું તે પ્લેયર્સ માત્ર ક્રિકેટ નહીં, બીજા બધા કામમાં પણ સારા છે. એટલે તેઓના આ અલગ એન્ગલને જોવા મળ્યો અને વર્ક એથિક્સથી મને ઘણી પ્રેરણા મળી.”
હરલીન દેઓલે વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચમાં પોતાની પહેલી સદી ફટકારી હતી.
શબનમ શકીલે કહ્યું- WPLમાં રમવાથી મને ઘણું શીખવા મળ્યું હાલમાં વુમન્સ U-19 વર્લ્ડ કપ વિનર બનેલી ભારતીય ટીમ સાથે સતત બીજા U19 વર્લ્ડ કપ વિજય પછી શબનમ શકીલે જણાવ્યું હતું કે, “WPLમાં ગુજરાત જાયન્ટ્સનો ભાગ બનવાથી એક ખેલાડી તરીકે વિકાસ કરવામાં ખુબજ મદદ મળી છે. અનુભવી ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓના સંપર્કમાં આવવાથી ઘણું શીખવા મળ્યું છે. તેમણે મને, ખાસ કરીને બીજી સિઝનમાં જ્યારે મને ચાર મેચ રમવાની તક મળી ત્યારે ઘણી મદદ કરી હતી.”
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર (CBO) સંજય આદેસરાએ કહ્યું હતું કે, “અમારી અપેક્ષા સીધી અને સરળ છે. એક ટીમ તરીકે, ગુજરાત જાયન્ટ્સ ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં અને વિશ્વભરમાં અમારા ચાહકોને શ્રેષ્ઠ ક્રિકેટ અનુભવ આપવાનો પ્રયાસ કરશે. આ ખૂબ જ સરળ અપેક્ષા છે, જે અમે અમારા ઘરઆંગણાના પ્રેક્ષકો માટે લઈને આવ્યા છીએ. આ પહેલી વાર છે, જ્યારે અમે અમારા હોમ ક્રાઉડ સામે રમીશું. આથી, તે અમે બધા જબરજસ્ત ઉત્સાહિત છીએ.”
ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ વડોદરાના વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં WPL 2025ની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.