નર્મદા જિલ્લાના જીતગઢ ગામે આવેલી કરજણ જળાશય યોજનાની જમણા કાંઠા ગોરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના નવીનીકરણની કામગીરીનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 251.98 લાખના ખર્ચે નહેરનું નવીનીકરણ કરવામાં આવશે.
.
મુખ્ય નહેરની સાંકળ 1000 મીટર પરથી નીકળતી ગોરા ડિસ્ટ્રીબ્યૂટર કેનાલ ક્ષતિગ્રસ્ત થવાને કારણે સિંચાઈ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી. નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગના કરજણ સિંચાઈ વિભાગે આ સમસ્યાના નિરાકરણ માટે નવીનીકરણની કામગીરી હાથ ધરી છે.
આ પ્રોજેક્ટથી નાંદોદ તાલુકાના જીતગઢ, વાવડી, સુંદરપુરા, ગોપાલપુરા, રામપુરા, માંગરોળ, કરાંઠા, થરી અને ગુવાર સહિત 10 ગામો તેમજ ગરૂડેશ્વર તાલુકાના વેલછંડી, કલી-મકવાણા, ઝુંડા, જીતપુરા, નવાવાઘપૂરા, સુરજવડ, ગંભીરપુરા, સેંગપુરા, ફુલવાડી, મોટીરાવલ, નાનીરાવલ, વાંસલા, ઇંન્દ્રવર્ણા, બોરિયા, નાના પીપરીયા, મોટા પીપરીયા, વસંતપુરા અને ગોરા સહિત 19 ગામોને લાભ થશે. કુલ મળીને 3579 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.
નવીનીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ નહેરમાં પાણીનો પ્રવાહ સરળ બનશે અને સમગ્ર વિસ્તારમાં સિંચાઈનું પાણી સુચારુ રીતે પહોંચાડી શકાશે. આ પ્રોજેક્ટથી વિસ્તારના ખેડૂતોની સિંચાઈની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.