USA and Gujarati | અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 37 લોકો ગુજરાત સલામત રીતે પરત આવી ગયા છે. પરંતુ, અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની ખુબ મોટી સંખ્યા છે. ત્યારે પાટણના એક યુવક સાથે વાત કરતા તેણે જણાવ્યું કે અમેરિકાથી ડિપોર્ટની કામગીરી કરવામાં આવે તો ગુજરાતીઓને પરત લાવવામાં 50 ફ્લાઇટ પણ ઓછી પડે.
હાલ અમેરિકામાં વિવિધ એજન્સીઓ ગેરકાયદે રહેતા ભારતીયોને શોધતી હોવાથી મોટેલ અને મોલ ધરાવતા ગુજરાતીઓ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતી વેપારીઓમાં પણ ફફડાટ
અમેરિકાથી ડિપોર્ટ થઇને ભારત પરત આવેલા પાટણના એક યુવકે જણાવ્યું કે મારા સહિત કુલ 37 લોકોને અનેક દિવસો પહેલા જ ગેરકાયદે પ્રવેશ બદલ ડીટેઇન કરાયા હતા. જો કે અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની સંખ્યા જોવા જઇએ તો પાંચ હજારથી વધારે છે. જે વિવિધ મોલ અને હોટલોમાં તેમજ અન્ય સ્થળે કામ કરે છે.
ગુજરાતીઓ સહિત સવા લાખથી વધારે ભારતીયોને શોધવા માટે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. જેના કારણે છેલ્લાં ઘણા દિવસોથી વિવિધ મોટેલ અને હોટલોમાં ગેરકાયદે કામ કરતા ભારતીયો આવવાના બંધ થયા છે. તો કેટલાંક લોકો તેમના મકાનો બદલી રહ્યા છે.
અમેરિકાથી જો ગુજરાતીઓને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તો 50 ફ્લાઇટ પણ ઓછી પડે તેવી સ્થિતિ છે. જેથી આગામી દિવસોમાં હવે ગુજરાતીઓને ડિપોર્ટ કરીને અમદાવાદ લાવવામાં પડે તેવી સ્થિતિ ઉભી થઇ શકે તેમ છે.