Surat Child Death in Drainage : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં સ્ટ્રોમ ડ્રેઈનમાં બે વર્ષના બાળકનું પડી જતાં મોત થયા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટના માટે જવાબદાર ગણાતા રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર સહિત ચાર કર્મચારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ અધિકારીઓને બે દિવસથી માંડીને સાત દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકીદ કરી છે.
સુરત પાલિકાનું 8800 કરોડનું બજેટ છે તેમ છતાં કેટલીક કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. સુરત પાલિકાના સ્ટ્રોમ ડ્રેઈનમાં અમરોલી-વરીયાવ રોડ પર બે વર્ષનો બાળક કેદાર પડી ગયો હતો અને 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી મળ્યો હતો. આ ઘટનામાં સુરત પાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી હતી. આ ઘટના બાદ લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો.
આ ઘટના બાદ વરસાદી ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે બાળક પડી જતાં મોત થયું હતું અને વરસાદી ગટરમાં ગટર અને તબેલાના ગંદા પાણીના ગેરકાયદે જોડાણના કારણે બાળકનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ સુરત પાલિકાએ આ ઘટનામાં રાંદેર ઝોનના કાર્યાપાલક ઈજનેર તેજસ પટેલને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ આપવાની તાકીદ કરી છે.
આ ઉપરાંત ડેપ્યુટી ઈજનેર નીતિન ચોધરી અને જુનિયર ઈજનેર રાકેશ પટેલને નોટિસ આપી પાંચ દિવસમાં જવાબ આપવા તાકીદ કરી છે જ્યારે સુપરવાઈઝર ચેતન રાણાને શો કોઝ નોટિસનો જવાબ બે દિવસમાં આપવા તાકીદ કરી છે.