Children School Bag : અભ્યાસક અને સહઅભ્યાસક પ્રવૃત્તિમાં તેજસ્વી અને હોશિયાર દેખાવાની ઘેલછાના કારણે આજનું બાળ માનસ સતત તણાવગ્રસ્ત થઈ રહ્યું છે જેના કારણે બાળ અવસ્થામાં જ હૃદયરોગથી લઈ અનેક નાની મોટી બિમારી ઘર કરી રહી છે. બાળકોમાં સતત વધી રહેલી બિમારી પાછળ તેમના સ્કૂલબેગના વજનથી લઈ શાળામાં સતત 12 કલાક સુધી બેસાડી રાખવાની બાબત પણ કારણભૂત હોવાનું તાજેતરમાં થયેલાં વિવિધ સંશોધનના તારણોમાં ફલિત થયું હોવાનું શહેરના બાળ નિષ્ણાંત તબીબે જણાવ્યું હતું.
ભાવનગરના બાળ નિષ્ણાંત તબીબ ડૉ.આઈ.કે. વિજળીવાળાએ વિવિધ સંશોધનના તારણોને ટાંકતા જણાવ્યું કે, ગત – 2023ના વર્ષ દરમિયાન રાજયના અલગ અલગ જિલ્લામાં હાર્ટએટેકથી છ વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા. આ કિસ્સામાં મોતના વિવિધ કારણોેમાં એક કારણ તેમના ભણતરનું ભારણ તો નથીને? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
જો કે, તેમણે ઉમેર્યું કે, બાળકના વજનના 10 ટકાથી વધુ સ્કૂલ બેગનું વજન ન હોવું જોઈએ તેવો કાયદો બનાવ્યો છે. પણ તેનું પાલન ક્યાંય થતું નથી. ભારે વજન ઉંચકવાથી માર્ફાન સિન્ડ્રોમ નામની બિમારી થાય છે. હાલ દર પાંચ હજાર બાળકોએ એક બાળક તેનો શિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે પરદેશની એક યુનિવર્સિટીએ રજૂ કરેલાં એક અભ્યાસના તારણને ટાંકતાં જણવયું કે, જે બાળકોના વજનના 8 ટકા સુધી સ્કૂલ બેગનું વજન હોય તો તે સામાન્ય ગણાય પરંતું, બાળકો પોતાના વજનનાં 10.5 ચકાથી લઈને કે 13 ટકા સુધીના વજન સાથેનું સ્કૂલ બેગનું ભારણ ઉપાડે તો તેમના તેમના હૃદયના ધબકારા તેમજ મિનિટ વેન્ટીલેશનમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. જે પણ આગળ જતાં મોટી તકલીફ નોતરી શકે તેમ હોવાનું કહ્યું હતું.
ઉપરાંત, તેમણે હાલ શાળામાં સતત 1 કલાક બેસાડી રાખી અભ્યાસ કરાવવાની પ્રથા શરૂ થઈ છે તેના કારણે સર્જાતી બિમારી અંગેના સંશોધનાત્મક તારણો જણાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, લાંબો સમય એક જ સ્થળે બેસી રહેવાથી બાળકોમાં ઓબેસિટી એટલે કે સ્થુળતાનું જોખમ વધે છે. સાથે પગની નસોમાં લોહીનો પ્રવાહ ધીમો થવાથી અને એમાં લોહીનો ગઠ્ઠા જામી જવાનું જોખમ રહેલું છે. એક અભ્યાસ દરમ્યાન 21 4 બાળકોમાંથી લગભગ 199 બાળકોમાં આ તકલીફ જોવા મળી હતી. ધો. 10થી ધો.12ના બાળકો 24 કલાકમાંથી લગભગ 12 કલાક જેટલો સમય શાળામાં બેસી રહે છે.
ઘણી શાળા બાળકોને વેકેશન પણ આપતી નથી, પરંતુ, રજાઓ તેમજ વેકેશનથી બાળક મોનોટોની એટલે કે સમાન રીતે થતી રોજિંદી કાર્યવાહીમાંથી છૂટકારો મેળવે છે. જેથી એ શારીરિક તેમજ માનસિક રીતે રિ-ચાર્જ થાય છે, જયારે સામાપક્ષે વર્ષના સાડા અગીયાર મહિના કલાસમાં બેસી રહેવાથી શરીરને જોઈએ તેટલો સૂર્ય પ્રકાશ મળતો નથી. જેથી શરીરમાં વિવિધ જગ્યાએ દુઃખાવા થવા, સરખી ઉંઘ ન આવવી, કેલ્શિયમની ખામી આવવી જેવી તકલીફો પણ અનુભવાય છે.
અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અહેવાલને ટાંકતા તેમણે જણાવ્યું કે, તરૂણ બાળકોએ રોજ 60 મિનિટ મેદાનમાં જવું જ જોઈએ. શાળાનો કુલ સમય અઠવાડીયે 40 કલાકથી ઓછો હોવો જોઈએ પણ અહી 160 કલાકનાં બદલે 300 કલાકનો સમય લેવાય છે. નવી શિક્ષણનીતિ મુજબ અઠવાડિયે 29 કલાક ભણવાનું સૂચન છે. જે આવકારદાયક છે. પણ હજુ અમલ ખાસ્સો દૂર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બાળકોને અકાળે મૃત્યુ પામતા અટકાવવાના સૂચનો
– બાળકો તેમજ તરૂણો પુરી ઉંઘ લઈ શકે એ રીતે શાળા કાર્ય ગોઠવવું જોઈએ.
– બાળકોને સતત બેસાડી ન રાખવા જોઈએ.
– શાળાનો સમય અઠવાડીયે 30 કલાકથી વધારે ન જ હોવો જોઈએ.
– રજાના દિવસે રજા જ હોવી જોઈએ, એક દિવસ બાળકોને ત્રણ કલાક ફરજીયાત ગ્રાઉન્ડમાં રમાડવાં જોઈએ.
– દફતરનું વજન બાળકના વજનના 8 ટકાથી વધારે ન હોવું જોઈએ.
– સિલેબસનું ભારણ ઘટાડવાથી ઘણા પ્રશ્નો હલ થઈ શકે.