વડોદરા, સિંઘરોટ સેવાસી મેન રોડ પર લાભવેર હોમમાં રહેતા ૫૦ વર્ષના બિલ્ડરે ઘરથી થોડે દૂર આવેલી નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટની ટેરેસ પરથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા લક્ષ્મીપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
આજે સવારે સાડા નવ વાગ્યે પોલીસ કંટ્રોલ રૃમમાં એક નાગરિકે કોલ કરીને જાણ કરી હતી કે,સેવાસી વિસ્તારમાં નવી બંધાતી રેડકોલર બિલ્ડિંગની ટેરેસ પરથી ૫૦ વર્ષના પ્રૌઢે નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે. કંટ્રોલ રૃમ દ્વારા લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવતા લક્ષ્મીપુરા પી.આઇ.એમ.ડી.ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન તેમજ પર્સ મળ્યા હતા. પર્સમાં લાયસન્સમાં મરનારનું નામ મનિષ રજીનીકાંત પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરતા તેઓ દોડી આવ્યા હતા.
મનિષ પટેલ બિલ્ડિંગ કન્સટ્રક્શનનું કામ કરે છે. રાબેતા મુજબ, આજે સવારે તેઓ ઘરેથી કાર લઇને યોગા કરવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટ રેડ કોલર બિલ્ડિંગની ટેરેસ પર ગયા હતા. અને ત્યાંથી ભૂસકો મારી જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસે એફ.એસ.એલ.ની પણ મદદ લીધી હતી. તેમજ ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ, આ કેસ આપઘાતનો જ હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, આપઘાતનું કોઇ કારણ જાણી શકાયું નથી.
અમાસના કારણે સાઇટ પર કામ બંધ હતું
વડોદરા,બિલ્ડરના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ડીસીપી જુલી કોઠિયા પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે અમાસના કારણે સાઇટ પર કામકાજ બંધ હતું. તેમજ ઉત્તરાયણના તહેવારના કારણે પણ મોટા ભાગના શ્રમજીવીઓ વતન જતા રહ્યા હતા. સવારે સાત વાગ્યે વોચમેને સાઇટ પર ચેકિંગ કર્યુ હતું. ત્યારબાદ તેની ડયૂટિ પૂરી થતી હોવાના કારણે તે જતો રહ્યો હતો. ત્યારબાદ આ ઘટના ઘટી હતી.
બિલ્ડરના મોટા પુત્રની સગાઇ ભવ્ય રીતે કરવાનું આયોજન હતું
કેનેડામાં અભ્યાસ કરતો નાનો પુત્ર વડોદરા આવવા રવાના
વડોદરા,આપઘાત કરનાર બિલ્ડર મનિષ પટેલના બે પુત્રો છે. નાનો પુત્ર જય કેનેડામાં અભ્યાસ કરે છે. જ્યારે મોટો પુત્ર નિલય તેમની સાથે ધંધામાં મદદ કરે છે. આગામી ૨૨ મી તારીખે અમદાવાદની યુવતી સાથે તેની સગાઇ નક્કી કરવામાં આવી હતી. સગાઇ ભવ્ય રીતે કરવાની હોવાથી આજે સાંજે મનિષ પટેલના ભાઇ તથા અન્ય કુટુંબીજનો મીટિંગ માટે ભેગા થવાના હતા. અને નાનો પુત્ર જય કેનેડાથી ૧૪ તારીખે પરત આવવાનો હતો. પરંતુ, સવારે પિતાએ કરેલા આપઘાના પગલે જય કેનેડાથી વડોદરા આવવા નીકળી ગયો છે. આવતી કાલે સવારે તે વડોદરા આવી જશે.
મિત્ર કહે છે કે, બિલ્ડરને આર્થિક રીતે કોઇ તકલીફ ન હોઇ શકે
વડોદરા,બિલ્ડરના નિકટના મિત્ર અને સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે, અમે ત્રણ દિવસ પહેલા જ એક મેરેજ ફંક્શનમાં પરિવાર સાથે ભેગા હતા. મનિષે કરેલા આપઘાતના પગલે તેઓ પણ મૂંઝવણમાં છે. તેઓના કહેવા મુજબ, મનિષ પટેલ આર્થિક રીતે ખૂબ સદ્ધર હતા. પરિવારમાં પણ કોઇ તકલીફ નહતી. તેવા સંજોગોમાં તેમના આપઘાત કરવા પાછળનું કારણ સમજાતું નથી. મનિષ એકદમ સરળ સ્વભાવના હતા. તેમનો સ્વભાવ એટલો સારો હતો કે, કોઇની સાથે તેઓને દુશ્મની હોઇ જ ના શકે.
કોઇ કારણસર ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાની શક્યતા
વડોદરા,બિલ્ડર રોજ સવારે યોગા કરવા ઘરેથી જતા હતા. આજે સવારે ઘરેથી નીકળ્યા પછી અગિયાર વાગ્યા સુધી તેઓ પરત નહીં આવતા પરિવારજનો ચિંતામાં હતા. તે દરમિયાન જ પોલીસનો કોલ આવ્યો હતો. મોટા પુત્ર નિલયે આ અંગે પિતાના મિત્ર એવા સ્થાનિક કોર્પોરેટરને કોલ કર્યો હતો. તેઓ બંને ગયા ત્યારે આપઘાતની જાણ થઇ. કોઇ કારણસર ડિપ્રેશનમાં આવીને બિલ્ડરે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
બિલ્ડરે છેલ્લે બુધવારે રાતે મોબાઇલ પર વાત કરી હતી
વડોદરા,પોલીસને બિલ્ડર પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. તે ઉપરાંત પોલીસે બિલ્ડરનો મોબાઇલ ફોન ચેક કરતા ગઇકાલે રાતના કોલનું લિસ્ટ હતું. આજે સવારે કોઇની સાથે વાત થઇ નહતી. પોલીસે કોલ ડિટેલની પણ વિગતો મંગાવી છે. પરિવારજનો આઘાતમાં હોવાના કારણે પૂછપરછ થઇ શકી નથી. જેના કારણે આપઘાતનું કારણ જાણી શકાયું નથી.
સીસીટીવીમાં બિલ્ડર કારમાંથી ઉતરીને એકલા જતા દેખાય છે
ટેરેસ પર માત્ર બિલ્ડરના જ ફૂટ પ્રિન્ટ મળ્યા, અન્ય કોઇની હાજરી ટેરેસ પર નહતી
વડોદરા,બિલ્ડર મનિષ પટેલે જે સાઇટ પરથી પડતું મૂક્યું તે સાઇટના બિલ્ડર દિનેશભાઇએ જણાવ્યું હતું કે, અમારી સાઇટમાં મનિષ પટેલ ભાગીદાર નથી. અમે તેઓને ઓળખતા પણ નથી. પોલીસે સીસીટીવીના ફૂટેજ ચેક કરતા બિલ્ડર મનિષ પટેલ કાર પાછળના પ્લોટમાં પાર્ક કરી એકલા જ ચાલતા ચાલતા નીકળ્યા હતા. તેઓની સાથે અન્ય કોઇ નહતું. આ ઉપરાંત બિલ્ડિંગની ટેરેસ પર પણ અન્ય કોઇ વ્યક્તિની હાજરી અંગે પોલીસે ફૂટ પ્રિન્ટની પણ ચકાસણી કરી હતી. પરંતુ, ટેરેસ પર માત્ર બિલ્ડરના જ ફૂટ પ્રિન્ટ મળ્યા છે. બિલ્ડરે જે શૂઝ પહેર્યા હતા માત્ર તેના જ નિશાન મળ્યા છે. અન્ય કોઇ ફૂટ પ્રિન્ટ મળ્યા નથી તેના પરથી પોલીસનું અનુમાન છે, ટેરેસ પર અન્ય કોઇ વ્યક્તિની હાજરી નહતી.
બિલ્ડરે પહેરેલા દાગીના સલામત રહ્યા
વડોદરા,બિલ્ડરના મોબાઇલ ફોનમાં કોઇ જ શંકાસ્પદ મેસેજ કે કોલ મળ્યા નથી. વધુમાં, બિલ્ડરે પહેરેલા સોનાના દાગીના પણ સલામત હતા. ગળામાં સોનાની ચેન, હાથમાં બ્રેસલેટ તથા આંગળીઓ પર પહેરેલી ત્રણ વીંટીઓ પણ હતી. એટલે લૂંટના ઇરાદે ઘટના ઘટી હોવાની શક્યતા નથી.