ન્યુયોર્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ધનવાન લોકો લક્ઝરી બ્રાન્ડ્સથી દૂર થઈ રહ્યા છે, કારણ-ડુપ્લિકેટ સરળતાથી ઉપલબ્ધ
હવે લક્ઝરી બ્રાન્ડ્સના ગણતરીના દિવસો જ બાકી છે. ધનિકો માટે અને ખાસ કરીને અતિ-ધનિકો (અલ્ટ્રા-રિચ) માટે ડિયોર, વર્સાચે અને બરબરી જેવી બ્રાન્ડ્સ હવે સ્ટેટસ સિમ્બોલ નથી રહી. તેનું કારણ એ છે કે આવી બધી બ્રાન્ડ્સની સસ્તી ડુપ્લિકેટ પ્રોડક્ટો સરળતાથી ઉપલબ્ધ છે અને લોકો માટે લક્ઝરી વસ્તુઓની સુલભતા છે. હવે મોંઘી વસ્તુઓ ખરીદવાને બદલે વિવિધ રીતે સંપત્તિ બતાવવાનું ચલણ વધી રહ્યું છે. હવે અતિ-ધનિકો માટે વાસ્તવિક સ્ટેટસ મોંઘાં કપડાં કે કાર નથી, પરંતુ ઑફલાઇન રહેવું, ખાલી સમય અને ગોપનીયતા છે. આ સિવાય વર્ક-લાઇફ બેલેન્સ પણ એક નવું સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે. આનાથી તેઓ પોતાના શોખો જેમ કે પિકલબોલ રમવું, ઓર્ગેનિક બ્રેડ બનાવવી અને યોગ ક્લાસીસમાં સમય વિતાવી શકે છે.
લક્ઝરી બ્રાન્ડ્સનો જૂનો મહિમા હવે ઝાંખો પડી રહ્યો છે કારણ કે તે મોંઘી હોવા છતાં તેમની ગુણવત્તા કે ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આ કારણે હવે શ્રીમંત લોકો એવાં કપડાં અને એસેસરીઝ પસંદ કરી રહ્યાં છે જે તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. આ માટે તેઓ કસ્ટમાઇઝેશન અને પર્સનલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. બરબરી અને લુઈ વીટાં જેવી બ્રાન્ડ્સ વ્યક્તિના વ્યક્તિત્વ અનુસાર વસ્તુઓ ડિઝાઇન કરી રહી છે. આ કંપનીઓ અનોખી ડિઝાઇન પર પણ ભાર મૂકી રહી છે. લક્ઝરી બ્રાન્ડ્સ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેમના ગ્રાહકોની બદલાતી રુચિઓ અનુરૂપ પોતાને કેવી રીતે અનુકૂળ કરવી.
તાજેતરનાં 2 વર્ષમાં 5 કરોડ ગ્રાહકો લક્ઝરી બ્રાન્ડ્સથી દૂર રહ્યા એક સમયે 25 હજાર ડૉલર (આશરે રૂ. 22 લાખ)માં મળતી હર્મેસ બિરકીન બેગ સંપત્તિનું પ્રતીક મનાતી હતી, પરંતુ હવે વૉલમાર્ટ જેવી કંપનીઓ તેની ચોક્કસ નકલ માત્ર 80 ડૉલર (આશરે રૂ. 7 હજાર) માં વેચી રહી છે. મોંઘી બ્રાન્ડ્સ પ્રત્યેની આ ઉદાસીનતા ફક્ત બેગ પૂરતી મર્યાદિત નથી. હકીકતમાં, લુઈ વીટાં, ડિયોર, બરબરી જેવી કંપનીઓના નફામાં પણ ઘટાડો થયો છે. 2022થી 2024ની વચ્ચે આશરે 5 કરોડ લક્ઝરી ગ્રાહકોએ આ બધી લક્ઝરી બ્રાન્ડ્સથી પોતાને દૂર રાખ્યા છે. ખાસ કરીને કોવિડ પછી ગ્રાહકોનો રસ ઘટ્યો છે.