વડોદરા.રસ્તા વચ્ચે ગાય આવી જતા મોપેડ પરથી નીચે પટકાયેલા મોપેડ સવાર સિક્યુરિટી ગાર્ડને બ્રેન હેમરેજ થતા મોત થયું હતું. જે અંગે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વારસિયા લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના ગિરીશભાઇ ચીમનભાઇ દળવી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે રાતે તેઓ નોકરીથી ઘરે પરત મોપેડ લઇને જતા હતા. તે દરમિયાન હરણી વારસિયા રીંગ રોડ પર ગાય રસ્તા વચ્ચે આવતા તેઓ રોડ પર પટકાયા હતા. બેભાન થઇ ગયેલા ગિરીશભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ તેઓને અકસ્માતમાં ઇજા થઇ હતી. તે સમયે પણ તેઓને માથામાંથી લોહી નીકળ્યું નહતું. આ વખતે પણ તેઓને માથામાં ઇજા થવા છતાંય લોહી નીકળ્યું નહતું. તેમના પુત્રે આક્ષેપ કર્યો હતો કે, સયાજી હોસ્પિટલમાં તેના પિતાની યોગ્ય સારવાર કરવામાં આવી નહતી. તેમજ તેઓના મૃત્યુ પછી પણ મૃતદેહને કોલ્ડ રૃમમાં મૂકવા માટે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.