Mayabhai Ahir Health: મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકગાયિકા માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે (10મી ફેબ્રુઆરી) રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. જેને લઈને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે.
‘આપડે એકદમ રેડી છીયે’
મળતી માહિતી અનુસાર, કડીના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો.પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે. જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રિ દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયું હતું.
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતી ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માયાભાઈની તબિયતમાં સુધારો થયો છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે. ‘જય સિયારામ આપડે એકદમ રેડી છીયે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’