.
સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ જળાશયના પાણી પર 1500 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ નાખવા માટેની તૈયારી સરકાર દ્વારા શરૂ કરવામાં આવતાં સ્થાનિક લોકો એ તેનો ભારે વિરોધ કર્યો છે.આ પ્રોજેક્ટ શરૂ થાય તો ડેમ બનવાને કારણે વિસ્થાપિત થયેલા હજારો લોકો હાલ જળાશયમાં માછીમારી કરી રોજીરોટી મેળવી રહ્યા છે તે છીનવાઇ જવાનો ડર ઉભો થયો છે.
આ અંગે બોરદા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય સરિતાબહેન જયમીન ભાઈ વસાવા અને અન્ય આગેવાનોએ તાપી જિલ્લાના કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવ્યાં મુજબ આ ઉકાઈ જળાશય બનાવવા માટે અમારા પૂર્વજોએ પોતાની માલિકીની બહુમૂલ્ય જમીન ગુમાવેલી છે અને કુલ 170 જેટલાં ગામ વિસ્થાપિત થયેલ હતાં. ઉકાઈ ડેમ બનવાના કારણે તેઓ એ બહુમૂલ્ય 60,075 હેકટર જેટલી જમીન ગુમાવેલી છે. આ ઉકાઈ પ્રોજેકટ બન્યો ત્યારથી એટલે કે સને 1975 થી આ જળાશયમાં માછી મારી કરવા માટે મત્સ્યોદ્યોગ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવેલ અને હાલ આવી 13 જેટલી મત્સ્યોદ્યોગ મંડળી કાર્યરત છે અને તેમાં અંદાજિત 11,000 કરતા વધુ સભાસદો નોંધાયેલા છે. તેઓ જળાશયના પાણીમાં માછીમારી કરી ને પરિવારનું જીવન વ્યાપન,ભરણ પોષણ કરી રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશય પર 1500 મેગાવોટની ક્ષમતાનો વિશાળ સોલાર પ્રોજેક્ટ નાખવા માટેની તૈયારી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સંદર્ભે હાલ વહન ટોપોગ્રાફી અને સોઈલ ટેસ્ટ ઈન્વેસ્ટીગેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જો આ પ્રોજેક્ટ ઉકાઈ જળાશય પર શરૂ કરવામાં આવશે તો જળાશયમાં માછીમારી પ્રવૃત્તિ બંધ થઈ જશે અને 11,000 જેટલાં સભાસદોના પરિવારજનોના જીવન નિર્વાહ માટે મુશ્કેલી ઉભી થશે તેમજ આદિવાસી વિસ્તારમાં માછીમારી કરનારાઓનું અસ્તિત્વ જ પુરૂ થઈ જાય તેમ છે.જે તે સમયે ઉકાઈ ડેમ બનવાના કારણે 170 જેટલાં ગામના લોકો વિસ્થાપિત થયા હતાં અને ઘરબાર વિહોણા બન્યાં હતાં. એક વખત અમો આવી કપરી પરિસ્થિતિમાંથી માંડ બહાર નિકળીએ છીએ, ત્યાં બીજી આવી જ પરિસ્થિતિ અમારી સામે આવી ને ઉભી છે. જેથી હજારો માછીમાર ભાઈઓની રોજીરોટી ચાલતી રહે એવા આશય સાથે આ ઉકાઈ જળાશય પર નો પ્રસ્તાવિત આ સોલાર પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને માછીમાર ભાઈને ન્યાય મળે એવી માગ સરિતાબહેન વસાવા તથા અન્ય આગેવાનો એ કરી હતી. આ ઉકાઈ જળાશય પરના સોલાર પ્રોજેક્ટના વિરોધમાં બોરદા વિસ્તારની બુધવાડા, સાતકાશી, ફતેપુર,લીંબી ગામની ગ્રામપંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. એ સાથે જ વન અધિકાર સમિતિ બુધવાડા, જુના આમલપાડા, જુની કુઈલીવેલ, સાતકાશી, જુની બાવલી વગેરે દ્વારા પણ પ્રોજેક્ટ ના વિરોધમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તેની નકલ પણ રજૂઆત સાથે જોડવામાં આવી હતી. આ લેખિત રજુઆતની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ને પણ મોકલવામાં આવી છે. આવનાર દિવસોમાં સરકાર સ્થાનિક લોકોના હિતનું ધ્યાન રાખે છે કે પછી પ્રોજેક્ટ આગળ ધપાવશે એ જોવું રહ્યું.
વિરોધમાં ચાર ગ્રામ પંચાયતનો ઠરાવ