Animation Scandal in Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ વિવાદીત અને ચકચારી એવા એનિમેશન કૌભાંડમાં પૂર્વ કોઓર્ડિનેટર કમલજિત લખતરીયા સામે હાલ ક્રાઈમ બ્રાંચમાં તપાસ ચાલી રહી છે. પરંતુ તેઓ સામેની યુનિવર્સિટીની જ્યુડિશિયલ-ખાતાકીય તપાસના રિપોર્ટમાંની વિગતો મુજબ એનિમેશન વિભાગમાં 2017-18થી લઈને 2021-22 સુધીના 5 વર્ષમાં વિવિધ સેલ્ફ ફાઈનાન્સ કોર્સીસ-પ્રોગ્રામમાં કુલ ફી આવક 24.25 કરોડ રૂપિયાથી વધુની થઈ હતી. જેમાંથી કોર્સીસ ચલાવતા નોલેજ પાટનર્સને-એજન્સીઓને 17.65 કરોડ રૂપિયાથી વધુની રકમ ચુકવાઈ હતી. તપાસ મુજબ નોલેજ પાટનર્સને 3 કરોડ રૂપિયાથી વધુની રકમ વધારે એટલે કે ખોટી રીતે ચુકવાઈ હતી.
કૌભાંડ કેટલું તે પણ કોયડો
એનિમેશન વિભાગ-નોલેજ પાર્ટનરો વચ્ચેના એમઓયુ મુજબ 2017-18થી 2020-21 સુધી કુલ આવકમાંથી યુનિવર્સિટીને 40 ટકા અને નોલેજ પાર્ટનરોને 60 ટકા રકમ તથા 2021-22થી 30.70 ટકાની રકમ આપવાનું નક્કી કરાયુ હતું. આ દરમિયાન જુલાઈ 2023માં નવા કુલપતિ નિમાયા બાદ તેઓને એનિમેશન વિભાગમાં ગેરરીતિઓની આશંકા જતા 8-8-2023ના રોજ કમલજિત લખતરીયાને કુલપતિએ કોઓર્ડિનેટરમાંથી મુક્ત કર્યા હતા. આ ઉપરાંત તેઓ પાસેથી વિભાગના તમામ નાણાકીય વ્યવહારોના ડોક્યુમેન્ટ-ચેકબુક સહિતના કાગળીયા માંગવામા આવ્યા હતા. જ્યારે કુલપતિએ ઓક્ટોબર 2023માં ચીફ એકાઉન્ટન્ટને તપાસ સોંપી હતી. જ્યુડિશિયલ તપાસના રિપોર્ટમાં ચીફ એકાઉન્ટન્ટસે કરેલી ઈન્ટરનલ તપાસની વિગતો-નિવેદન ટાંકવામા આવ્યા છે અને તે મુજબ 2017-18થી 202-22 સુધીના પાંચ વર્ષમાં વિવિધ ખાનગી કોર્સ-પ્રોગ્રામની કુલ ફી આવક 24,25,68,150 રૂપિયા હતી. જેમાંથી યુનિવર્સિટીને 3,17,85,750 રૂપિયા ચુકવાયા હતા. જ્યારે નોલેજ પાટનરને 17,75,12,336 રૂપિયા ચુકવાયા હતા.
યુનિવર્સિટીના પોતાના એકાઉન્ટન્ટની તપાસ બાદ યુનિવર્સિટીએ ડિસેમ્બર 2023માં બહારના સીએને રોકીને તપાસ કરાવી હતી. જેમાં એનિમેશન વિભાગના ખાનગી બેંકમાં કુલ 7 અને સરકારી બેંકમાં એક સહિત કુલ 8 એકાઉન્ટ હતા અને તેના વ્યવહારો તપાસવામા આવ્યા હતા. આ તપાસમાં પણ યુનિવર્સિટી-નોલેજ પાર્ટનર વચ્ચેના એમઓયુની શરત મુજબ ચુકવણી થઈ નથી એટલે કે યુનિવર્સિટીને ઓછી રકમ ચુકવાઈ છે અને નોલેજ પાર્ટનરને વધુ રકમ ચુકવાઈ છે. આ તપાસ બાદ 16મી જુલાઈ 2024ની ઈસી મીટિંગના ઠરાવ મુજબ પ્રો.લખતરીયાને જ્યુડિશિયલ તપાસ માટે એસો.પ્રોફેસરની ફરજમાંથી પણ સસ્પન્ડ કરાયા હતા અને ખાતાકીય તપાસ શરૂ થઈ.
આરોપનામાની વિગતો મુજબ, યુનિવર્સિટીને 40 ટકા મુજબ 6,52,41,510 રૂપિયા ઓછી રકમ તથા 30 ટકા લેખે 4,09,74,695 રૂપિયા ઓછી રકમ તથા 20 ટકા લેખે ગણીએ તો 1,67,27,880 રૂપિયા ઓછી રકમ મળી છે. વર્ષ 2017થી 2021 સુધીમાં 3.27 કરોડ રૂપિયા યુનિવર્સિટીને ઓછા મળ્યા છે. મહત્ત્વનું છે કે આટલી બધી તપાસ થઈ પરંતુ યુનિવર્સિટીને ખરેખર 6 કરોડ રૂપિયાથી વધુ કે 3 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ઓછા મળ્યા તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. તેમજ નોલેજ પાર્ટનરને પણ કેટલા વધુ ચુકવાયા તે દસ્તાવેજો પરથી સ્પષ્ટ થયુ નથી જેથી આ કૌભાંડ પણ એક મોટો કોયડો છે. હાલ ક્રાઈમબ્રાંચની તપાસ ચાલી રહી છે.
વેપારીઓના ખાતામાં 1.64 કરોડ રૂપિયા ટ્રાન્સર થયા
આરોપનામાના આરોપ મુજબ વેપારીઓના ખાતામાં 1,64,69,950 રૂપિયા ટ્રાન્સફર થયા છે અને તેનો કોઈ આધાર મળી આવેલ નથી. આ બાબતે પ્રો. લખતરીયાએ નોટિસના જવાબમાં તમામ પુરાવા-રેકોર્ડ સોંપવામા આવ્યા છે તેવુ જણાવ્યુ હતુ. પરંતુ તપાસમાં તેઓનો ખુલાસો ગ્રાહ્ય રાખવામા આવ્યો ન હોઈ અને ખુલાસો ન મળતા આ આરોપ પણ સાબીત થયાનું રિપોર્ટમાં નોંધવામા આવ્યુ હતું.
બેંક એકાઉન્ટ વિગતો મુજબ 16.54 કરોડના વ્યવહારો
ગુજરાત યુનિ.ના એનિમેશન વિભાગના જે બેંક એકાઉન્ટસ જે પ્રાઈવેટ નેશનલાઈઝ બેંકમાં ખોલવામા આવ્યા હતા તેના વર્ષ 2019થી 2023 સુધીના નાણાકીય વ્યવહારો અને સ્ટેટમેન્ટ તપાસતા કુલ 16,64,52,882 રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ ઉપરાંત આ બાબતના વ્યવહારો કે ખર્ચા માટે કોઈ પરવાનગી કે આધાર પુરાવા ન હોવાની ફરિયાદો ઊઠી હતી અને આરોપ મુકાયો હતો.