Gujarat Budget 2025: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે (20મી ફેબ્રુઆરી) ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો અને પશુપાલન માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેમ કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકોને મળશે.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનામાં કુલ 475 કરોડ રૂપિયાની જોગવાઈ
ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેમ કે, પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે.
રાજ્યની 2089 સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા 250 સ્થાયી પશુ દવાખાના અને નવા 150 ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ 34 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
આ પણ વાંચો: KCCથી 5 લાખની લોન, ટ્રેક્ટર માટે 1 લાખની સહાય: ખેડૂતોને ગુજરાતના બજેટમાં શું મળ્યું?
ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા 23 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના 18 હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ 13 કરોડ રૂપિયાની જોગવાઈ. પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.