પાટણ જિલ્લા અને રૂરલ બાર એસોસિએશને આજે એડવોકેટ્સ સુધારા બિલ 2025નો વિરોધ કર્યો છે. વકીલોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. વકીલોએ ‘વકીલ એકતા ઝિંદાબાદ’ અને ‘તાનાશાહી નહીં ચાલે’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સરકારે વકીલોના અભિપ્રાય વિના જ બિલમાં કેટલાક મુદ્દાઓ ઉમેર્યા છે. આ મુદ્દાઓ વકીલાત વ્યવસાય માટે હાનિકારક છે. તેની અસર અસીલોના કેસ, સમાજના રીત-રિવાજ અને સરકારી નીતિ-નિયમો પર પડી શકે છે. બિલની કેટલીક જોગવાઈઓ બંધારણના આર્ટિકલ 14, 19, 21, 23 અને 25નો ભંગ કરે છે.
બિલમાં 11 મુખ્ય મુદ્દાઓ છે જેમાં સુધારાની માંગ કરવામાં આવી છે. આમાં BCIમાં સરકારી નામાંકિત, વિદેશી વકીલોનું નિયમન, કેન્દ્ર સરકારની દિશાનિર્દેશો જારી કરવાની સત્તા, નોંધણી પાત્રતા અને ફી માળખું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં, વકીલોની હડતાળને ગેરવર્તણૂક ગણવાની જોગવાઈ અને રાજ્ય બાર કાઉન્સિલને વિલંબ માટે દંડની જોગવાઈનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ આ બિલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે આ બિલ કાનૂની વ્યવસાયની સ્વાયત્તતા માટે જોખમરૂપ છે. જો સરકાર તાત્કાલિક સુધારા નહીં કરે તો વકીલો દેશવ્યાપી આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.