Surat Corporation : સુરત પાલિકા કમિશનરે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું જેમાં પાલિકાના તમામ સેવાઓ આંગળીના ટેરવે મળે તે માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એક તરફ પાલિકા ટેકનોલોજીનો ઉપયોગની વાત કરી રહી છે અને આઈસીસીસી જેવી સુવિધા છે. તેમ છતાં સુરત પાલિકાના કતારગામ અને રાંદેર ઝોન સહિત અનેક વિસ્તારમાં પાણીના બિલ એક બે મહિના નહીં પરંતુ 20 થી 30 મહિને લોકોને આપવામાં આવી રહ્યાં છે. પાલિકાની ભુલના કારણે લોકોને બિલ મોડા મળે છે અને તેમાં પણ ચોરી પર સીનાજોરીની જેમ પાલિકા લોકોને વ્યાજની પણ માંગણી કરી રહી છે. પાલિકાની આ ફરિયાદ શાસક પક્ષના કોર્પોરેટરે કરી હોવાથી પદાધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર ચીમન પટેલે કહ્યું હતું કે, કતારગામ ઝોનના 609 જોડાણ ઝોન બિલ આપે છે. 208 એપાર્ટમેન્ટના બિલ હાઇડ્રોલિક વિભાગ આપે છે. બિલ આપવાની કામગીરીમાં ઝોનનું કામ રેગ્યુલર છે પરંતુ હાઇડ્રોલિક વિભાગ 20 મહિના બાદ બિલ આપે છે હવે ઉઘરાણી કરે છે. અને તે બિલમાં વ્યાજ જોડીને બિલ આપી રહી છે. હાઇડ્રોલિક વિભાગ દ્વારા બિલ નિયમિત આપવામાં આવતું ન હોવાથી ચાર કરોડ જેટલા પૈસા પાલિકા મેળવી શકી નથી. લોકો પાણીના બિલ સામેથી ભરી રહ્યાં છે પરંતુ હાઇડ્રોલિક વિભાગ દ્વારા 20-20 મહિનાથી બિલ ન આપીને પાલિકાની કામગીરી વધુ નબળી બાવી છે. આ સમસ્યાનો તાકીદે હલ લાવવો જોઈએ અને પાલિકા બિલ ન પહોંચાડતી હોય વ્યાજ પણ વસુલવું જોઈએ નહીં.
કતારગામના કોર્પોરેટરની રજુઆત બાદ રાંદેર ઝોન વિસ્તારના કોર્પોરેટર કેતન શાહે પણ ફરિયાદ સાચી છે અને આ સ્તિતિ રાંદેર ઝોનમાં હોવાની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, પાલિકાએ 24 કલાક પાણી આપવાની યોજના બનાવી છે. પરંતુ એજન્સીનું કામ રેઢિયાળ છે પાલ અડાજણમાં 30 મહિને બિલ અને વ્યાજ પણ લગાવ્યું છે. 31 માર્ચ સુધી ભરવામા આવે તો વ્યાજ માફી છે. 30 મહિને બિલ આપો પ્રજાને સહ્ય નથી 30 મહિને બીલ આપે તે યોગ્ય નથી. આમ કહીને મોડા બિલ માટે પાલિકા વ્યાજની વાત કરે છે તે વ્યાજ ન વસુલવા જોઈએ તેવી માંગણી કરી હતી.
આવી અનેક ફરિયાદ બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, જે તે સમયની પોલીસના કારણે ઈસ્યુ ઉભા થયા છે ફરિયાદ સાચી છે ડિટેલ મંગાવી છે 100 ટકા રસ્તો કાઢવાનો પ્રયાસ કરીશું. ભાજપના કોર્પોરટેરો ફરિયાદ કરતા હતા ત્યારે વિપક્ષના એક કોર્પોરેટરે કહ્યું હતું કે કોઈ જગ્યાએ સારું થાય તો મોદીની દેન ગણો છો તો 30 મહિને બીલ આપે છે ત્યારે મોદીની દેન છે તેવું કહેતા મામલો ગરમાયો હતો.