Ahmedabad News: અમદાવાદના બે ટોચના બિલ્ડર વચ્ચે 500 કરોડ રૂપિયાના વિખવાદમાં એક આઇપીએસ અધિકારીએ એક બિલ્ડર અને તેની પત્નીને પોતાના પગ પાસે બેસાડીને અત્યંત અપમાનિત કરીને રડાવ્યા હતા. ગભરાયેલા બિલ્ડરે પત્નીની હાલત જોઈને આઇપીએસ અધિકારીને હાથ-પગ જોડીને પતાવટ કરવાનું કહેતાં અધિકારીએ તેની પાસેથી 22 કરોડ રૂપિયાનો તોડ પણ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. બિલ્ડરે છૂટ્યા પછી આ આઇપીએસ અધિકારીની ફરિયાદ દિલ્હી ભાજપ હાઇકમાન્ડને કરી હોવાનું કહેવાય છે. તેના પગલે આ અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવાઈ હોવાનું કહેવાય છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સરકારના એક હજાર કરોડના એક મોટા પ્રોજેકટ માટે બે જાણીતા બિલ્ડરોએ ટેન્ડર ભર્યું હતું. બીજા કોઈ બિલ્ડરે ટેન્ડર ભર્યું નહોતું તેથી બંને બિલ્ડરોએ સમજૂતી કરીને આ હજાર કરોડનો પ્રોજેકટ સાથે મળીને કરવાનું નક્કી કર્યું હતું. બંને બિલ્ડરોએ એક ભાગીદારી કંપની ખોલીને આ પ્રોજેકટના તમામ પૈસાની લેતી-દેતીનો હિસાબ જે -તે નક્કી કરેલા બૅન્કના ખાતામાં જ ભરવાનું નક્કી કર્યું હતું.
થોડા સમય પછી નાણાં આવવા માંડ્યા હતા પણ એક બિલ્ડરની દાનત બગડતાં સમજૂતી પ્રમાણે બીજા બિલ્ડરને નાણાં આપવાના બદલે બધી રકમ પોતાના ખાતામાં જમા કરાવડાવી હતી. ભાગીદારને આ વાતની જાણ થતા તેણે ભાગીદાર બિલ્ડરને હિસાબ કરવા કહ્યું હતું. પરંતુ પણ બીજા બિલ્ડરે એ વાતને ના ગણકારતાં છેવટે બીજા બિલ્ડરે તેના ભાગીદાર પાસે ભાગીદાર અને તેની પત્નીની સામે પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અને પછી પોલીસ વિભાગની એજન્સીમાં અરજી કરી હતી.
બિલ્ડર અને તેની પત્નીને આ આઇપીએસ અધિકારીએ પગ પાસે બેસાડ્યા
પોતાનાં નાણાં કઢાવવા માટે વગદાર બિલ્ડરે એજન્સીના એક આઇપીએસ અધિકારીને 5 કરોડનો ભોગ ધરાવતા અધિકારીએ ભાગીદાર બિલ્ડર સાથે તેની પત્નીને પણ આરોપી બનાવી દીધા હતા. એ પછી તેણે બિલ્ડર તથા તેની પત્નીને બોલાવીને ત્રાસ આપ્યો હતો. બિલ્ડર અને તેની પત્નીને આ આઇપીએસ અધિકારીએ તેમના પગ પાસે બેસાડીને ખૂબ જ અપમાનિત કરીને બંન્નેને ખૂબ જ રડાવ્યા હતા. તેના પગલે બિલ્ડરે ભાગીદારને હિસાબની રકમ આપી દેવાની તૈયારી બતાવી હતી.
આ પણ વાંચો: સુરતમાં બે બાઈકને અડફટે લઈ કાર પલટીઃ ભાઇ-બહેન સહિત ત્રણના મોત, માનવ વધનો ગુનો દાખલ
આ સમાધાનમાં બિલ્ડર પાસેથી 22 કરોડ રૂપિયાનો પોલીસ અધિકારીએ તોડ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ભોગ બનનાર બિલ્ડરના પૈસાની જે પણ લેતી-દેતી હતી તે પણ આઇપીએસ અધિકારીએ પતાવી આપી હતી. આ તોડકાંડની વિગતો સરકાર સુધી જતાં સરકારે તાત્કાલિક આ આઇપીએસ અધિકારીની બદલી કરી દીધી છે, અધિકારી સરકારની ગુડબુકમાં હોવાથી સરકારે કોઈ પગલાં નથી લીધા.