Vadodara : વડોદરામાં તબીબી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે અભ્યાસક્રમ પૂરો પાડતી અને દિલ્હી ખાતે વડુ મથક ધરાવતી ફિટજી ઇન્સ્ટિટ્યૂટને વડોદરામાં રાતોરાત તાળા વાગતા અસંખ્ય વિદ્યાર્થીઓ સામી પરીક્ષાએ રઝળી પડ્યા છે. ત્યારે હવે અનેક વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ નવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે દોડધામ કરી રહ્યા છે. સાથોસાથ સંચાલકોએ અનેક એજન્સીઓ અને શિક્ષકો, કર્મચારીઓના પગાર પણ રઝડાવી દીધા છે.
એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રમાં એડમિશન માટેની તૈયારી કરાવતી ફિટજી ઇન્સ્ટિટયૂટએ સમગ્ર દેશના કેટલાક સેન્ટર સાથે વડોદરામાં પણ પોતાનું સેન્ટર રાતોરાત બંધ કરી દીધું છે. શહેરના ઓ.પી. રોડ વિસ્તારમાં આવેલું સેન્ટર તા.1 ફેબ્રુઆરીથી કોઈને પણ જાણ કર્યા વિના ઓચિંતુ બંધ કરી દેવામાં આવ્યું છે. ફીટજીનું વડોદરા ખાતેનું સેન્ટર બંધ થવા અંગે નહીં માત્ર તેના કર્મચારીઓ પરંતુ અહીં વિવિધ એજન્સી સહિત સ્ટાફને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા.
તારીખ 1 ફેબ્રુઆરીથી ઓચિંતું ફીટજી ઇન્સ્ટિટ્યૂટ બંધ કરી દેવામાં આવતા પરીક્ષાના સમયે વાલીઓ પોતાના બાળકોના અભ્યાસક્રમ અર્થે રઝળી પડ્યા છે. અનેક માલેતુજારોના બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા હતા. જેથી એ પૈકી કેટલાકે ફિટજીના સેન્ટર હેડ સહિત ઉચ્ચ સત્તાવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ આરંભી દીધી છે! આ ઉપરાંત ઘણા વાલીઓ પાસેથી તો ધોરણ 11 અને 12ના એકસાથે બે વર્ષના એડમિશનના નાણા ફી પેટે વસૂલી લેવામાં આવ્યા હતા. અહીં કામ કરતા સેન્ટર મેનેજર સહિતનો સ્ટાફ પણ રાતોરાત પલાયન થઈ ગયો છે! આ અંગે વાલીઓએ સેન્ટર હેડ સહિતના સ્ટાફને પૂછપરછ કરતા તેઓ દ્વારા “મુજે કુછ પતા નહીં હૈ” તેમ જણાવી પોતાનો ફોન ડિશકનેક્ટ કરી દેતા હતા. સંકળાયેલ અનેક એજન્સીનો પણ ઘણા મહિનાઓના પૈસા જે લાખોમાં થાય છે તે ચૂકવવામાં આવ્યા નથી. અહીં કામ કરતાં કેટલાક કર્મચારીઓનો છેલ્લા ઘણા મહિનાઓથી પગાર બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ભવિષ્યમાં તે નાણા આવશે તેવી આશા સાથે કર્મચારીઓ ધગશથી કામ કરી રહ્યા હતા. હવે જ્યારે બીજી સેન્ટર બંધ થઈ ગયું છે ત્યારે વાલીઓ, એજન્સીઓ અને સ્ટાફની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે.
ફિટજી સેન્ટરના માલિક ડી.કે.ગોયલ સામે અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થતા ફરાર!
ફિટજીના દેશભરના અનેક સેન્ટરો સાથે ચાલુ મહિનાથી વડોદરા સેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લી ઘડી સુધી અંધારામાં રહેલા ઘણા લોકો હવે નારાજ થયા છે. ચાલતી ચર્ચા મુજબ, ફિટજીના ડિરેક્ટર બી.કે. ગોયલ સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે! તેઓ ઘણા સમયથી ભાગતા ફરી રહ્યા છે. ઉપરાંત અનેક જગ્યાએથી તેમના સ્ટાફનો લાખોનો પગાર ચૂકવવાનો પણ બાકી રહે છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માલિકનો સ્ટાફ સાથેનો ગાળાગાળીનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ફિટજીના જવાબદાર સત્તાધીશો અને કર્મચારીઓ સામે પણ હવે વડોદરાના વાલીઓ શું કાર્યવાહી કરે છે? તે જોવું રહ્યું. શું તેઓ પણ અન્ય શહેરોની જેમ અહીં કોર્ટ કેસ કરશે? તે બાબત હાલ અનઉત્તીર્ણ છે.