Rajkot: રાજકોટની એક ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. ફૂટેજના વીડિયો યુટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં 166 હેઠળની તાકીદીની જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય શૈલેષ પરમાર, કિરીટ પટેલ અને તુષાર ચૌધરી દ્વારા આપવામાં આવેલી નોટીસ મુદ્દે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની પ્રાઇવસીનો ભંગ થતાં જાહેર જનતામાં ભારે રોષ ફેલાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ મામલે અમદાવાદ શહેરની સોશિયલ મીડિયા મોનીટરીંગ સેલ ટીમ દ્વારા 17 ફેબ્રુઆરી, 2025ના રોજ સોશિયલ માડિયામાં યુટ્યુબ ચેનલ પર હોસ્પિટલના ચેક-અપ રૂમના મહિલા દર્દીની સારવારના વીડિયો અપલોડ કરેલ હોવાનું ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધી આઇ.ટી. એક્ટની કલમ-66 (ઇ), 67હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસમાં આ ગુનાને ગંભીરતાથી લઈ સી.સી.ટી.વી. તથા સોશિયલ મીડિયાના ફુટેજ એનાલીસીસ કરતાં આ સી.સી.ટી.વી. ફૂટેજ પાયલ મેટરનીટી હોમ, રાજકોટના હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ યુટ્યુબ તથા ટેલીગ્રામ ચેનલના ક્રિએટર ગુજરાત રાજય બહારના હોવાનું જાણવા મળેલ, જેમાં બે અલગ-અલગ ટીમ મહારાષ્ટ્ર રાજયના લાતુર જિલ્લાના સાંગલી ખાતે તથા ઉત્તર પ્રદેશ રાજયના પ્રયાગરાજ જિલ્લાના ભીંસ ખાતે તપાસ માટે તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.
3 સંદિગ્ધ ઇસમોની ધરપકડ
પોલીસ ધ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે તેમણે જણાયું કે તપાસ માટે રવાના થયેલ પોલીસની બન્ને ટીમો દ્વારા 1300 કિ.મી.નું અંતર કાપી કુલ-3 સંદિગ્ધ ઇસમો, જેમાં મહારાષ્ટ્રમાંથી બે અને ઉત્તર પ્રદેશમાંથી એકને માત્ર 36 કલાકમાં પકડી પાડેલ છે. પ્રાથમિક પૂછપરછ કરતાં આ ત્રણેય ઈસમો હેકર્સ દ્વારા અલગ-અલગ રાજયની હોસ્પિટલો તથા અન્ય જાહેર જગ્યાના સી.સી.ટી.વી. કેમેરાઓ કે જેના સિક્યુરીટી પાસવર્ડ વીક અથવા ડીફોલ્ટ હોય તેવા સી.સી.ટી.વી. કેમેરા હેક કરી આવાં યુઝર આઈ.ડી., પાસવર્ડ પોતાના આર્થિક ફાયદા માટે વેચતા હોવાનું જાણવા મળેલ છે.
હાલમાં આ ગુનાની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવી રહેલ છે અને તપાસ દરમિયાન IT Act, Section 66F(2) નો ઉમેરો કરવામાં આવેલ છે.