Surat Shivratri Special: આગામી બુધવારે શિવરાત્રીનો તહેવાર છે સુરતીઓ શિવમય બનવા માટે થનગની રહ્યાં છે. સુરતના મંદિરમાં શિવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. શિવરાત્રી દરમિયાન શિવ મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય ભક્તોની સુવિધા માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગંગેશ્વર મંદિરમાં છેલ્લા 15 વર્ષથી શિવરાત્રીની મધ્યરાત્રીએ ભસ્મ આરતીનું આયોજન થાય છે. આ વર્ષે પણ આ ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તો શિવ આરાધના કરવા માટે પહોંચશે. આ વર્ષે કુંભ મેળો ચાલી રહ્યો છે તેમાંથી ત્રિવેણી સંગમનું પાણી લાવી આરતીમાં ભેગા થતા ભક્તો પર છંટકાવ કરવામાં આવશે.
વિવિધ ઉત્સવ પ્રિય સુરતીઓ ધાર્મિક તહેવારોની ઉજવણી પર ભારે શ્રદ્ધા પૂર્વક ઉજવી રહ્યાં છે. આગામી બુધવારે શિવરાત્રીનો તહેવાર હોય શિવભક્તોમાં આ તહેવાર માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાત્રીના તહેવારની ઉજવણી માટે શહેરના તમામ શિવ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. સુરતમાં વિવિધ મંદિરોમાં ઘી ના કમળ ચડાવવા સાથે સાથે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સુરતના અડાજણ ખાતે આવેલા ગંગેશ્વર મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉજ્જૈનમાં રોજ થાય તેવી આરતી શિવરાત્રીની મધ્ય રાત્રીએ કરવામા આવે છે. આ અંગે મંદિરના પુજારી દિપક જોશીએ જણાવ્યું હતું કે જય ગંગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા દર શિવરાત્રીએ 12.39 મીનીટે ભસ્મ આરતી કરવામા આવે છે. તેમાં જે ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે તે થોડી ભસ્મ સ્મશાનની અને મોટાભાગની ભસ્મ અભિમંત્રીત કરવામા આવે છે અને ત્યારબાદ તે ભસ્મથી આરતી કરવામાં આવે છે. આ ઉપરાંત હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે આ પવિત્ર કુંભ મેળાના સંગમમાંથી પાણી લાવવામાં આવ્યું છે અને આ પાણીનો છંટકાવ આરતી વખતે હજારો લોકો ભાગ લેશે તેના પર છંટકાવ કરવામાં આવશે.