– વઢવાણના ખોડુ ગામનો બનાવ
– લાકડાના ધોકાથી માર મારી કારને નુક્શાન પહોંચાડયું, ત્રણ સામે ગુનો
સુરેન્દ્રનગર : વઢવાણના ખોડુ ગામે રીસામણે ગયેલી પરિણીતાને સમજાવવા જતાં ત્રણ શખ્સોએ લાકડાના ધોકાથી માર મારી, કારને નુક્સાન પહોંચાડયું હતું. છરીના ઘા ઝીંકવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણના ખારવા ગામે રહેતા ફરિયાદી દેવરાજભાઈ ભીખાભાઈ ગરાંભાના દિકરા કલ્પેશભાઈના લગ્ન ખોડુ ગામે રહેતા જસરાજભાઈ મગનભાઈ સભાણીની દિકરી પુષ્પાબેન સાથે થયા હતા. પરંતુ ફરિયાદીના દિકરાના પત્નિ પિયરમાં લગ્નપ્રસંગ હોવાથી ગયા હતા અને લગ્ન પુર્ણ થઈ ગયા બાદ પરત સાસરીયે ન આવતા ફરિયાદી તેમજ પરિવારજનોએ આ અંગે સમજાવ્યા હતા પરંતુ ફરિયાદીના દિકરાના પત્નિએ જુુદા કરી દેવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ફરિયાદીના પૌત્રને તેની માતા પાસે જવું હોવાથી ફરિયાદી અને તેમનો પૌત્ર બન્ને કારલઈને ખોડુુ ગામે વેવાઈ જસરાજભાઈના ઘરે ગયા હતા. જ્યાં બેઠા બેઠા વ્યવહારીક વાતચીત ચાલી રહી હતી અને ફરિયાદીએ દિકરાની પત્નિને ખારવા મોકલી આપવાનું જણાવતા વેવાઈ જસરાજભાઈ તથા જમાઈ અમૃતભાઈ અને ગામમાં રહેતા દેવાભાઈ સહિતનાઓએ બોલાચાલી કરી ફરિયાદી પર છરીના ઘા ઝીંકવાનો પ્રયાસ કરતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
તેમજ લાકડાના ધોકા વડે માર મારી ફરિયાદીની કારના બોનેટ તેમજ કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ અમૃતભાઈ જશરાજભાઈ સભાણી (જમાઈ), જશરાજભાઈ મગનભાઈ સભાણી અને દેવાભાઈ નરશીભાઈ સભાણી (તમામ રહે.ખોડુવાળા) સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.