Liver Transplant Deaths: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી ઈન્સ્ટિયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસ) ખાતે બે વર્ષમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના 140 ઓપરેશન થયા છે અને તેમાંથી 40% દર્દીએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મૃત્યુનું આ ઊંચું પ્રમાણ ચિંતાનો વિષય છે.
સિવિલ મેડિસિટીમાં આવેલી આઈકેડીઆરસી ખાતે છેલ્લા બે વર્ષમાં કેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે અને તેમાંથી કેટલાના મૃત્યુ થયા છે. તેવા વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલમાં આરોગ્ય વિભાગ દ્વારા એવો ઉત્તર આપવામાં આવ્યો છે કે, 15 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના 140 ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પૈકી 54 દર્દીના મૃત્યુ થયા છે.
આમ, ટ્રાન્સપ્લાન્ટ પછી મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારે જોવા મળ્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ મૃત્યુના કેસ વધવા માટે ન્યૂમોનિયા, શરીરમાં ચેપ, દાન કરેલા અંગનું બિનકાર્યક્ષમ હોવું, લીવરના દાતામાંથી આવેલો ચેપ, હિપીટીક ડક્ટમાં ચેપ, ટી.બી., કેન્સર, ફેફસાનું ફેલ્યર, કાર્ડિયાક અરેસ્ટ જેવા કારણો જવાબદાર છે. આ ઉપરાંત દર્દીનું નબળું સ્વાસ્થ્ય, કુપોષણ, આલ્કાહોલ સંબધિત કાર્ડિયોમ્યોપથી, વધુ ઉંમર, ખૂબ જ ઊંચો મોડેલ ફોર એન્ડ સ્ટેજ લિવર ડિસિઝ, તાજેતરમાં થયેલી કિડની ઈજાથી પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ વધુ મૃત્યુ થયા છે.
થોડા સમય અગાઉ જારી કરાયેલા એક સરકારી રીપોર્ટમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કિડની હાસ્પિટલમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન 2634 કિડની, 469 લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 134, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 173 લોકો હાસ્પિટલમાં જ મૃત્યુ પામ્યાની વિગતો સામે આવી હતી. એ વખતે રિપોર્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ મૃત્યુ આંક કેવી રીતે હજુ ઘટાડવો તેના માટે સમિતિની પણ રચના કરવાની વિચારણા ચાલી રહી હોવાનું સ્વીકાર્યું હતું.
ટ્રાન્સપ્લાન્ટ બાદ પરેજી ખૂબ જરૂરી
ડૉક્ટરોના મતે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દદીઓએ ડૉક્ટરો દ્વારા આપવામાં આવતી પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે. ઘણાં દદીઓ ટ્રાન્સપ્લાન્ટ બાદ ડાયેટનું પાલન કરતા નથી અને તેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવાનું જોખમ વધી જાય છે.
ટ્રાન્સપ્લાન્ટ બાદ ફોલોઅપ માટે કેટલા દર્દી આવ્યા તે ચકાસવા કોઈ સિસ્ટમ નથી…
સિવિલની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ થયા બાદ કેટલા દર્દીઓ ફોલોઅપ માટે આવે છે તે ચકાસવા માટે કોઇ સિસ્ટમ જ નહીં હોવાની વિગતો મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની સિસ્ટમ ખાસ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટ વેઇટિંગ દર્દીને પ્રાથમિકતા આપવા માટે ઉપયોગમાં લેવાતી પોઈન્ટ સિસ્ટમ કેન્દ્ર સરકાર દ્વારા અપનાવાયેલી પોઈન્ટ સિસ્ટમ સાથે સુસંગત નહીં હોવાનું તજજ્ઞો જણાવે છે.