મહાશિવરાત્રી પર્વે ભક્તોમાં અનેરો ઉત્સાહ
ધોળેશ્વર, વાસણિયા મહાદેવ,વૈજનાથ મહાદેવ, પંચદેવ મંદિર સહિત જિલ્લાના શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો
ગાંધીનગર : મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવસ છે.
પવિત્ર શ્રાવણ માસ પછી મહાશિવરાત્રી પર્વમાં ભગવાન શિવના ભક્તો દ્વારા વિવિધ
પ્રકારની પુજા તેમજ અભિષેક કરવામાં આવતાં હોય છે. ત્યારે આવતીકાલના રોજ
મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે.આ
દિવસે ગાંધીનગરના શિવાલયો ઓમ નમઃ શિવાય…અને હર..હર..મહાદેવ..ના નાદથી ગુંજી
ઉઠશે.
ગાંધીનગરના સેક્ટર-૧થી લઇને સે-૩૦ના અંતિમધામમાં પણ શિવાયલ
આવેલું છે ગાંધીનગરની સ્થાપના પહેલાનું સે-૨૧નું વૈજનાથ મહાદેવ આવેલું છે તો
સે-૬માં ચંદ્રમૌલેશ્વર મહાદેવની સ્થાપના કરવા માટે સ્થાનિક ભક્તોએ ઉપવાસ આંદોલન
કર્યું હતું ત્યાર બાદ મંદિર માટે સરકારે જમીન આપી હતી.સે-૩ના રામેશ્વર મહાદેવ
મંદિરે બાર જ્યેર્તિલીંગના સાક્ષાત્કાર દર્શન થાય છે.સે-૧૬માં સોમનાથ મંદિર
ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નગરમાં ભોળાનાથનો ખુબ જ મહિમા
છે ત્યારે શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આ તમામ શિવાલયોને અવનવી લાઇટીંગથી
સણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરોમાં આ પર્વને અનુરૃપ વિવિધ પુજાનું આયોજન
કરાયું છે તો સમગ્ર દિવસ દરમ્યાન શિવાલયો પણ ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠે છે.
ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવેલાં ઘણા મહાદેવ મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવે
છે તો અભિષેક સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે
યોજાશે.
બ્રહ્માકુમારી દ્વારા લગભગ તમામ સેન્ટર મારફતે ગાંધીનગરના
શિવાલયોમાં હિરાજડિત શિવલીંગ બનાવીને તેના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
સે-૨૩ની લગ્નવાડીમાં ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦૮
શિવભક્તો પૂજા કરી ધન્યતા અનુભવશે. શિવાલયોમાં રાત્રે ૧૨ વાગે મહાઆરતી અને ભાંગ
સહિતના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવનાર છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આવેલાં તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી
પડશે.