અર્ધ બીડેલી આંખો, તેજસ્વી ભાલ પ્રદેશ પર ચમકતું તિલક, માથા પરથી છેક ખભા સુધી ચારેકોર લહેરાતી જટાઓ, માથા પર શોભાયમાન બીજનો ચંદ્રમા, ચહેરા પર એક સંતુષ્ટિ અને પરમ શાંતિના હાવભાવ, હોઠ પર જરાઅમથું સ્મિત, કાનમાં કુંડળ, ગળા પર એવી જ શાંતિથિ બિરાજમાન સર્પ, વિ
.
કોઈ ધ્યાનમગ્ન યોગીનું આ વર્ણન છે એક વિશાળ મૂર્તિનું. અને આ મૂર્તિ છે શિવજીની. નામ છે ‘આદિયોગી’. તમિલનાડુના કોઇમ્બતુરથી 29 કિલોમીટરના અંતરે વેલિયનગિરિ પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે આદિયોગીની 112 ફૂટ ઊંચી આ મૂર્તિ. કાળા રંગની આ મૂર્તિમાં કોઈ એવું સંમોહન, કોઇ એવી ચુંબકીય શક્તિ છે, કે એકવાર જોઇએ કે જોતા જ રહીએ. ગમે તેટલો સમય તેને નિહાળીએ, પણ આપણું મન જ ન ભરાય. ‘બસ્ટ’ (bust) પ્રકારની એટલે કે જેને હાથ કે શરીરનો બાકીનો ભાગ ન હોય અને માત્ર ચહેરો, ગરદન, ખભા સુધીનો જ ભાગ હોય તેવી આ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. ખુદ ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’એ પણ આ વિક્રમ પોતાની રેકોર્ડ બુકમાં નોંધ્યો છે.
શિવજીને લિંગ કે નટરાજ સ્વરૂપે આપણે અનેક ઠેકાણે જોયા છે, પરંતુ તેમને ‘આદિયોગી’ સ્વરૂપે રજૂ કરતી આ એકમાત્ર મૂર્તિ છે. આ વિરાટ મૂર્તિની લોકચાહના એવી જબરદસ્ત છે કે 2017ની શિવરાત્રિએ ઉદઘાટન થયું ત્યારપછી રોજેરોજ હજારો લોકો આદિયોગીની આ મૂર્તિનાં દર્શનાર્થે આવે છે. દેશ-વિદેશના મહાનુભાવો પણ તેની મુલાકાત લઇ ચૂક્યા છે. દરરોજ સાંજે આ મૂર્તિ પર લેસર લાઇટ આપાત કરીને યોજાતો ‘આદિયોગી દિવ્ય દર્શનમ’ નામનો લેસર શૉ ભારે લોકપ્રિય છે, જેમાં આદિયોગીની સંપૂર્ણ સ્ટોરી રંગબેરંગી લેસરના માધ્યમથી કહેવામાં આવે છે.
આવો, આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે આદિયોગીની આ અનોખી મૂર્તિનાં નિર્માણ અને તેનાં વિવિધ પાસાંની ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીએ. આ માટે અમે મૂર્તિનું નિર્માણ કરાવનારા સદગુરુ જગ્ગી વાસુદેવ પ્રેરિત ‘ઇશા ફાઉન્ડેશન’નો સંપર્ક સાધ્યો અને તેમની પાસેથી આદિયોગીની આ પ્રતિમા વિશે વિગતે માહિતી મેળવી.
મૂર્તિ આદિયોગીની જ કેમ? યોગિક પરંપરામાં શિવજીને સૌથી વિશ્વના સૌપ્રથમ યોગી અને સૌથી પહેલા યોગગુરુ માનવામાં આવે છે. કહેવાય છે કે, શિવજીએ જ્યારે વર્ષો સુધી તપ કર્યું ત્યારે એમની સાથે ઘણા શિષ્યોએ પણ તપની શરૂઆત કરી હતી અને તેમાંથી ફક્ત 7 શિષ્યો છેલ્લે સુધી ટકી રહ્યા. જેમને શિવજીએ હિમાલયના કાંતિ સરોવરના કાંઠે પોતાનું તમામ યોગિક જ્ઞાન આપ્યું. એ સાત શિષ્યો એટલે સપ્તઋષિ. જેમણે પૃથ્વી પર માણસોને યોગ જ્ઞાન આપ્યું. એ જ વાતને અનુલક્ષી અત્યારના આધુનિક યુગમાં લોકોને ધ્યાન અને યોગ તરફ આકર્ષિત કરવા સદગુરુએ આદિયોગીની મૂર્તિનું નિર્માણ કરાવ્યું છે. મૂર્તિનું ડિઝાઇનિંગ જ એ રીતે કરવામાં આવ્યું છે કે, જે પણ મૂર્તિના દર્શન કરે એમના મનમાં એક સ્થાયી છાપ ઊભી થાય અને જીવનમાં પરિવર્તનની ભવના જન્મે. ખાસ કરીને લોકોને મુક્તિનો રસ્તો બતાવવા માટે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પરંતુ લિંગ કે નટરાજ સ્વરૂપે શિવજી કેમ નહીં? આપણે હંમેશાં શિવજીનાં દર્શન શિવલિંગ સ્વરૂપે જ કરતા હોઇએ છીએ, પણ શિવજીનું યોગી સ્વરૂપ બતાવવા માટે સ્પેશિયલી અહીં શિવજીના શરીરના ઉપરના ભાગની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેમ કે શિવજીનો ચહેરો યોગિક અવસ્થા માટેની પ્રાથમિક અવસ્થા એવી સ્થિરતા, પરમ આનંદ અને ઉલ્લાસનું પ્રતીક છે. એમાં પણ ખાસ કરીને ચહેરાનો દેખાવ કેવો હશે એ બાબતે સદગુરુનું વિઝન ક્લિયર હતું. એમને એક એવી મૂર્તિનું નિર્માણ કરવું હતું જે યોગના સારને દર્શાવે, સાધકો માટે આધ્યાત્મિક યંત્રનું કામ કરે.
અને જ્યાં સુધી લિંગનો સવાલ છે, આદિયોગીની પ્રતિમા પાસે જ ‘યોગેશ્વર લિંગ’ની સ્થાપના કરવામાં આવી છે, જેની વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા કરવામાં આવી હતી.

અઢી વર્ષના પ્લાનિંગ પછી રચાયો મનમોહક ચહેરો આદિયોગીની મૂર્તિના નિર્માણની વાત કરીએ તો ફક્ત મૂર્તિની ડિઝાઇન માટે સદગુરુએ અઢી વર્ષ કરતાં વધુ સમય સુધી સિનિયર IT ડિઝાઇનરો સાથે રહીને તેનું પ્લાનિંગ કર્યું હતું. મૂર્તિનું નિર્માણ ઈશા ફાઉન્ડેશનની ઇનહાઉસ ટીમે હજારો સ્વયંસેવકો અને કારીગરો સાથે મળીને પૂરું કર્યું હતું. ખાસ કરીને આદિયોગીના ચહેરાની રચના વિશિષ્ટ છે. આદિયોગીના ચહેરા પર રમતું હળવું સ્મિત એમના જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે, જ્યારે અડધી ખૂલેલી આંખો જાગૃત અવસ્થામાં પણ ધ્યાન કરતા શીખવે છે. આ વિરાટ પ્રતિમા આંતરિક કલ્યાણના વિજ્ઞાનને સમજાવતાં સંદેશ આપે છે કે, દરેક વ્યક્તિએ યોગ કરતી વેળાએ પોતાની શારીરિક ક્ષમતાઓને વળોટીને પ્રયાસ કરવો જોઈએ.’
આ વિરાટ પ્રતિમાની ઊંચાઇ 112 ફૂટ છે, જે યોગિક પરંપરામાં મોક્ષ મેળવવાની 112 શક્યતાઓને પ્રતિબિંબિત કરે છે. ઇવન હ્યુમન સિસ્ટમમાં 112 ચક્રોનું પણ તે પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિમાનું નિર્માણ કરાવનાર ઇશા ફાઉન્ડેશનની યોગશિક્ષા અને સાધનાને પણ તે પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિમા 147 ફીટ લાંબી અને 82 ફીટ પહોળી છે.

પ્રતિમાનો રંગ કાળો કેમ રખાયો? યોગિક પરંપરા મુજબ કાળો રંગ તલ્લીનતા અને નિરાકારનું પ્રતીક માનવામાં આવે છે. આદિયોગીની મૂર્તિ અંદરથી એકદમ ખાલી (પોલી) છે, મૂર્તિની અંદર કશું જ મૂકવામાં નથી આવ્યું. અલબત્ત, કોઇ આ મૂર્તિની અંદર જઇ શકતું નથી.

પર્યટકોની પહેલી પસંદ જ્યારથી કોઇમ્બતુરમાં આદિયોગીની 112 ફીટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત થઇ છે, ત્યારથી પ્રવાસીઓનું પણ તે મનપસંદ સ્થળ બની ગયું છે. સામાન્ય દિવસોમાં દરરોજ 7થી 10 હજાર પ્રવાસીઓ આ પ્રતિમાના દર્શનાર્થે આવે છે. જ્યારે વેકેશન કે તહેવારના દિવસે તો આ સંખ્યા વધીને એક લાખ જેટલી થઇ જાય છે. દરવર્ષે મહાશિવરાત્રિએ આદિયોગીની પ્રતિમાના સાંનિધ્યમાં ઇશા ફાઉન્ડેશન દ્વારા આખી રાત ચાલતો સોંગ એન્ડ ડાન્સ ઉત્સવ મનાવવામાં આવે છે. આ અદભુત શોનો લાહવો લેવા માટે લાખો પર્યટકો તથા આસપાસનાં સેંકડો ગામોમાંથી લોકો આવે છે. આ પ્રસંગે લોકોની સ્વયંભૂ શિસ્ત પણ જોવા જેવી હોય છે.

પ્રસ્તુત તસવીરમાં આદિયોગીનાં દર્શને પહોંચેલાં અદિતી રાવ હૈદરી, તમન્ના ભાટિયા, કાજલ અગ્રવાલ અને રાણા દગ્ગુબતી નજરે પડે છે
જાણીતી હસ્તીઓ પણ આ પ્રતિમાની મુલાકાતે અચૂક આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટિત થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સ્મૃતિ ઇરાની, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, કંગના રણૌત, અદિતી રાવ હૈદરી, તમન્ના ભાટિયા, કાજલ અગ્રવાલ, પૂજા હેગડે, મૌની રોય, રાણા દગ્ગુબતી વગેરે તેની મુલાકાત લઈ ચૂક્યા છે. મહાશિવરાત્રિએ શંકર મહાદેવન, ગુરદાસ માન, સોનુ નિગમ, આદિત્ય ગઢવી, પાર્થિવ ગોહિલ જેવા સ્ટાર્સ અહીં પર્ફોર્મ ચૂક્યા છે.
આદિયોગી પાસે આવતા ઇન્ટરનેશનલ પર્યટકો અહીં ફક્ત પ્રવાસન સ્થળ જોવા કરતાં યોગ, ધ્યાન અને ભારતીય આધ્યાત્મિકતાનું જ્ઞાન મેળવવા માટે આવે છે.

કેવી રીતે પહોંચશો આદિયોગી? તમિલનાડુની ટુરમાં કોઇમ્બતુર અને આદિયોગીની પ્રતિમાનો સમાવેશ કરવો સૌથી રસપ્રદ પાસું બની રહે છે. કોઇમ્બતુર લોકપ્રિય પ્રવાસન સ્થળ ઊટીથી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલું છે. અન્યથા દેશનાં તમામ શહેરોથી કોઇમ્બતુર રેલ, સડક અને હવાઇ માર્ગે જોડાયેલું છે. રોજની ટ્રેન અને ફ્લાઇટ્સ આસાનીથી મળી રહે છે. આદિયોગીની પ્રતિમા કોઇમ્બતુર શહેરથી લગભગ 30 કિલોમીટરના અંતરે છે. ત્યાંથી આદિયોગી જવા-આવવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી મોડી રાત સુધીની બસો ઉપલબ્ધ છે. આ ઉપરાંત એરપોર્ટ કે રેલવે સ્ટેશન પરથી ખાનગી ટેક્સી પણ બુક કરાવી શકાય છે.
આદિયોગીની મૂર્તિ જોવા માટે કોઇપણ પ્રકારની ટિકિટ લેવામાં આવતી નથી. તે અઠવાડિયાના સાતેય દિવસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દર મહિનાની પૂર્ણિમાના દિવસે આદિયોગીની પ્રતિમા પ્રવાસીઓના દર્શનાર્થે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
દરરોજ સાંજે 7 વાગ્યે 14 મિનિટનો ‘દિવ્ય દર્શનમ’ તરીકે ઓળખાતો લેસર શો આદિયોગીની પ્રતિમાની મુલાકાતના અનુભવને અવર્ણનીય ઊંચાઇએ લઇ જાય છે. તેમાં આજથી પંદર હજાર વર્ષ પૂર્વે, તમામ માનવસભ્યતાઓની પૂર્વે શિવજીએ શી રીતે આદિયોગી તરીકે માનવજાતને યોગવિદ્યાની ભેટ આપી તેનું અત્યાધુનિક રંગબેરંગી લેસરથી વાર્તાકથન કરવામાં આવે છે. આ લાઇટ-એન્ડ સાઉન્ડ શોમાં અત્યંત હાઇટેક 3D લેસર લાઇટ આદિયોગીની પ્રતિમા ઉપર આપાત કરવામાં આવે છે. આ માટે 15 હજાર લ્યુમેનની કેપેસિટી ધરાવતાં 24 હાઇટેક 3D લેસર પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.

રોજ સાંજે 7 વાગ્યે આદિયોગીની કથા કહેતો હાઇટેક લેસર શો ‘દિવ્ય દર્શનમ’ યોજાય છે, જેને જોવા માટે દેશ-દેશાવરથી લોકો આવે છે
અહીં પણ છે આદિયોગી 2017માં વિધિવત્ રીતે ખુલ્લી મુકાયા બાદ આદિયોગીની પ્રતિમા દેશનાં મનપસંદ પર્યટન સ્થળોમાં સામેલ થઇ ગઇ છે. એ જોતાં 2018માં જ ભારત સરકાર દ્વારા તેને ‘અતુલ્ય ભારતમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ પ્રવાસીઓના સતત વધતા જતા ધસારા અને કોઇમ્બતુરમાં વધુ જગ્યાના અભાવે દેશ-વિદેશનાં અન્ય સ્થળોએ પણ આદિયોગીની પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે. 2023માં બેંગલુરુના ચિક્કબલ્લપુરના ઇશા યોગ સેન્ટરમાં આદિયોગીની બીજી રેપ્લિકા મૂકવામાં આવી છે. આ પ્રતિમાની ઊંચાઇ પણ 112 ફૂટ રખાઇ છે. અહીં પ્રતિમાની સાથે ભૈરવી મંદિર અને નવગ્રહ મંદિરની પણ સ્થાપના કરાઈ છે.
ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલા પુરા મહાદેવ મંદિર પાસે ઇશા ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃત સ્કૂલ અને યોગ સેન્ટરનું નિર્માણ કરી રહ્યું છે. અહીં 242 ફૂટ ઊંચી આદિયોગીની પ્રતિમા મૂકવામાં આવશે.
આદિયોગીઃ કલ્ચરલ આઇકન જ્યારથી આદિયોગીની પ્રતિમા સ્થાપિત અને લોકોમાં ખ્યાતિ પામી છે, ત્યારથી તે એક કલ્ચરલ આઇકન બની ગઇ છે. તેની મિનિએચર એટલે કે ટચુકડી આવૃત્તિઓની હજારો નકલોનું વેચાણ ઇશા ફાઉન્ડેશનનાં કેન્દ્ર પરથી, ઓનલાઇન અને દેશભરની ગિફ્ટ શોપ્સમાંથી થાય છે. ઘરમાં મંદિરમાં સ્થાપિત કરવા માટે, ડેકોરેટિવ પીસ તરીકે અને પોતાની કારના ડેશબોર્ડમાં રાખવા માટે પણ આદિયોગીની પ્રતિમા પહેલી પસંદ બની રહી છે. લોકો હવે શુભ પ્રસંગોએ એકબીજાને આદિયોગીની પ્રતિમા પણ ગિફ્ટમાં આપી રહ્યા છે.

પોઝિટિવ વાઇબ્સ આપતાં આદિયોગીનાં મિનિએચર સ્ટેચ્યૂ હવે ગિફ્ટિંગ અને ઇન્ટિરિયર માટે પહેલી પસંદ બની રહ્યાં છે