Fisheries Scam Case : સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીને 400 કરોડના ફિશરીઝ કૌભાંડ કેસમાં રાહત આપી છે. જેમાં દિલીપ સંઘાણીને કોર્ટે આરોપ મુક્ત જાહેર કર્યા છે. વર્ષ 2008માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરષોત્તમ સોલંકીએ બારોબાર 58 સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોએ આપી કૌભાંડ કર્યુ હોવાનો પાલનપુરના એક વ્યક્તિએ દાવો કર્યો હતો. સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા ટેન્ડર રદ કરાયું હતું. જ્યારે બંને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ કરવાને લઈને ગવર્નરે મંજૂરી આપી હતી. ત્યારબાદ 2012માં પુરુષોત્તમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. જ્યારે ગાંધીનગરના ACBની વધુ તપાસમાં વર્ષ 2014માં તત્કાલીન કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નામ સામે આવ્યું હતું.
જાણો શું છે સમગ્ર મામલો?
રાજ્ય સરકારે વર્ષ 2004માં જળાશયો, નદીમાં ફિશિંગ કરવા માટેના કોન્ટ્રક્ટ માત્ર ટેન્ડરથી જ આપવા માટેનો નિર્ણય લઈ તેનો પરિપત્ર બહાર પાડયો હતો. પરંતુ વર્ષ 2008માં એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરષોત્તમ સોલંકીએ બારોબાર 58 સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માનીતા લોકોએ આપી દીધા હતા. આ કૌભાંડ સામે આવતા પાલનપુરના ઈશાક મારડિયાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
આ કૌભાંડના કોન્ટ્રાક્ટ ટેન્ડરની પ્રક્રિયા વગર હોવાથી રદ થયેલા પરંતુ મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. વર્ષ 2012માં ઈશાક મારડિયાએ બંને મંત્રીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ, કેસ દાખલ થવો જોઈએ એવી માંગ કરી હતી. જો કે, રાજ્યના મંત્રીમંડળે સંઘાણી અને સોલંકી સામે ફરિયાદ અને કેસ દાખલ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના ગવર્નર કમલા બેનિવાલે કેબિનેટની ઉપરવટ જઈ બન્ને મંત્રીઓ સામે તપાસ કરવાની મંજૂરી આપી હતી અને એસીબીએ તપાસ શરૂ કરી હતી.
એસીબીએ પોતાની તપાસમાં 351 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં પુરષોત્તમ સોલંકીને ક્લીન ચીટ મળેલી હતી. પરંતુ તેમણે સરકારી અધિકારીઓને આ મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા સમજાવ્યા હોવાનું અને એક નોંધ પણ લખી હતી. આ નોંધમાં એવી મિટિંગનો ઉલ્લેખ છે જે ક્યારેય મળી નથી. એસીબીના રિપોર્ટ અનુસાર, ટેન્ડર બહાર નહીં પાડી, માત્ર એક નિયત ભાવે આ 58 સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હતા. રિપોર્ટ આ પદ્ધતિમાં અને માછીમારીના કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિ થઈ હોવાનું પણ સ્વીકારે છે.
આ પણ વાંચો: અમીરગઢ નજીક બસનો અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત, પતરાં ચીરી મૃતદેહો બહાર કાઢ્યા
તપાસ અટકે એ માટે મંત્રીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી એક અરજી વર્ષ 2018માં નામંજૂર થઈ હતી. ત્યારબાદ બંને મંત્રીઓએ તેમની સામેની ફરિયાદ અને કેસની સુનાવણી અટકાવી દેવા માટે કરેલી અરજી પણ હાઈકોર્ટે નામંજૂર કરી હતી. જ્યારે દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી વર્ષ 2021માં નામંજૂર કરવામાં આવી હતી. આ પછી ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2024માં દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી રદ તેમણે સુપ્રીમ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.