મુન્દ્રાના અદાણી પોર્ટ રોડ પર ગત તા. 24 ફેબ્રુઆરીએ રાત્રે થયેલા હિટ એન્ડ રન કેસમાં બે યુવકોના મોત થયા હતા. આ ઘટનામાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના વિશાલ દેવસી માંગલિયા અને લાખાપરના સુરેશ હિરજી કોલીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
.
બંને યુવકો બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ચાર દિવસ વીતી ગયા છતાં પોલીસ હજુ સુધી વાહન કે તેના ચાલકને શોધી શકી નથી.
આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન સંજય બાપટ, એડવોકેટ રવિભાઈ મહેશ્વરી અને ગાંગજી મહેશ્વરીએ પોલીસ અને પ્રશાસન સમક્ષ રજૂઆત કરી છે. તેમણે આરોપીની તાત્કાલિક ધરપકડની માગ કરી છે. સાથે જ રાસાપીર સર્કલ અને ગુંદાલા રોડ પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી પણ કરી છે. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો 24 કલાકમાં કોઈ પરિણામ નહીં આવે તો ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે. પોલીસ તપાસ ઝડપી બનાવવા અને આરોપીને પકડવા માટે દબાણ વધી રહ્યું છે.