Vadodara Cricket Gambling Raid : વડોદરા ગ્રામ્યની વાઘોડિયા પોલીસ મથકના વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં ઘરમાંથી ધમધમતા ક્રિકેટના સટ્ટા રેકેટ પર તવાઇ આવી છે. જેમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આઇડી આપનાર અને સટ્ટો રમાડનાર મળીને પોણો ડઝન આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના કારણે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ છે.
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઇને બાતમી મળી કે, હાલમાં ચાલતી ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે ઇન્ટરનેશનલ મેચ પર પીયુષ અંબાલાલ ચાવડા (રહે. અક્ષર આશ્રય, ખટંબા, વાઘોડિયા, વડોદરા) મોબાઇલ ફોનમાંથી એપમાં જુગાર રમાડી રહ્યો છે. જેની જાણ થતા જ એએસઆઇની ટીમે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યા હતા.
સટ્ટાખોરના ઘરે દરોડા પાડતા ત્યાં ટીવી પર મેચ ચાલું હતી અને હાથમાં ફોન લઇને તે બેઠો હતો. બાદમાં તેનો ફોન મેળવીને તેમાં તપાસ કરતા એક એપ્લીકેશન ચાલું હતી, જેમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાઇ રહ્યો હતો. બાદમાં એપ્લીકેશનનો પાસવર્ડ મેળવીને તેમાં લોગઇન કરતા તેમાં રૂ.2 લાખનું બેલેન્સ મળી આવ્યું હતું. વધુમાં પીયુષ ચાવડાને એકાઉન્ટ અંગે પુછતા તેણે જીતુ (રહે. વારસીયા) અને સની દદવાણી (રહે. સંગમ ચાર રસ્તા) પાસેથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. તે બદલ જેણે રૂ.1.50 લાખ ચૂકવ્યા હતા. ક્રિકેટ સટ્ટાનો હિસાબ દર સોમવારે જીતુ, સન્ની તથા આશુ લેતા હતા.
તેણે સટ્ટો રમવા અને રમાડવા માટે અન્ય 6 લોકોને રાખ્યા હતા. જેમને આઇડીથી લિંક મોકલીને મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો. ઘટનામાં રોડક અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સટ્ટા બેટીંગ માટે આઇડી આપનાર તથા સટ્ટો રમાડનાર મળીને 9ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાર્યવાહીમાં ક્રિકેટનો સટ્ટો રમતા પીયુષ અંબાલાલ ચાવડા (રહે. અક્ષર આશ્રય, ખટંબા, વાઘોડિયા)ની ધરપકડ કરવામાં આવી છે. આઇડી આપનાર મુખ્ય આરોપી જીતુ, સની દદવાણી તથા આશુ (રહે. વડોદરા) તથા સટ્ટો રમાડનાર રાહુલ ભૂરીયો (રહે. કિશનવાડી), મુન્નો રાહુલ, ગોપાલ (રહે. સમા), સુનિલ મયુર, મોનુ હેર, ચિરાગ નયનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.