NID Convocation Event Controversy: NID(નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન)ના દીક્ષાંત સમારોહના આયોજનને લઈને વિદ્યાર્થીઓના ભારે રોષ દાખવ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, આ સંસ્થાના દીક્ષાંત સમારોહને વહીવટી તંત્રએ રાજકારણથી પ્રેરિત તમાશો બનાવી દીધો છે. વાત એમ છે કે, એનઆઇડીના 44મા દીક્ષાંત સમારોહ અંગે એક વિદ્યાર્થીએ ફરિયાદ કરતો ઈમેલ કર્યો હતો. આ મેલમાં ફરિયાદ કરાઈ છે કે, વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહને એનઆઇડીએ આત્માવિહોણો બનાવી દીધો છે, જેમાં બાબુશાહીનું પાખંડ પણ જોવા મળે છે. આ સમારોહમાંથી વાલીઓ, જુનિયરો તથા SAC(Student Activity Council)ની પણ બાદબાકી કરી દેવાઈ હતી, જેના કારણે સંસ્થા સામે પારદર્શિતાના સવાલ ઊભા થાય છે.
વિદ્યાર્થીઓને રેડ કાર્પેટથી દૂર રહેવાનું ફરમાન
વિદ્યાર્થીઓની સૌથી ગંભીર ફરિયાદ એ છે કે, આ કાર્યક્રમ વખતે એનઆઇડીના સ્નાતક થઈ ગયેલા વિદ્યાર્થીઓને પણ કેમ્પસ સ્ટુડિયો કે વર્કશૉપમાં જવા દેવામાં આવ્યા નહોતા, જ્યાં વિદ્યાર્થીઓએ તેમની કળા નિખારવા વર્ષો ગાળ્યા છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ માટે તમામ વ્યવસ્થા કરાઈ હતી, જ્યારે વાલીઓને Eames Plazaમાં બેસી રહેવાની ફરજ પડી હતી.
એટલું જ નહીં, આ દરમિયાન વિદ્યાર્થીઓને રેડ કાર્પેટ પર ચાલવાની પણ મનાઈ ફરમાવાઈ હતી, જેથી રાષ્ટ્રપતિના આગમન પહેલા તે ગંદુ ન થઈ જાય. આ વાત જ સાબિત કરે છે કે, એનઆઇડી વિદ્યાર્થીઓને કેટલું મહત્ત્વ આપે છે.
જુનિયરને ના બોલાવ્યા, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ સાથે પણ તોછડાઈ
બીજી તરફ, એનઆઇડીના જુનિયર વિદ્યાર્થીઓને પણ આ દીક્ષાંત સમારોહમાં સામેલ થવાની મંજૂરી નહોતી અપાઈ. વળી, રાષ્ટ્રપતિએ સમારોહમાંથી વિદાય લીધી પછી કાર્યક્રમની લાઈવ લિન્ક પણ બંધ કરી દેવાઈ, જેના કારણે વિદ્યાર્થીના પરિવારજનો-મિત્રો દીક્ષાંત સમારોહ જોઈ જ ના શક્યા.
આ સંસ્થામાં સ્ટુડન્ટ એક્ટિવિટી કાઉન્સિલ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ દીક્ષાંત સમારોહની તૈયારી વખતે તેમને સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવ્યા. જો એનઆઇડીએ આ રીતે બંધબારણે જ બધી ગોઠવણ કરવી હોય, તો પછી આ કાઉન્સિલની જરૂર જ શું કામ છે?
ઈ-મેલમાં વિદ્યાર્થીઓ દ્વારા આ સવાલ પણ કરાયો છે.
એનઆઇડીની વર્ષો જૂની પરંપરાના ધજિયા ઉડાવ્યા
એનઆઇડીમાં વર્ષોથી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અંતિમ વિદાય પહેલા ભેગા થાય છે, જે સંસ્થામાં YOCO (You Only Convocated Once) નામે પ્રચલિત છે. YOCO માટે મોટા ભાગના વિદ્યાર્થી એકત્ર થયા હતા. ત્યારે રાતના સાડા આઠ વાગ્યે નોટિસ જારી કરીને ફરમાન કરાયું કે, દીક્ષાંત સમારોહમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હાજર નહીં રહી શકે. આ કારણસર વિદ્યાર્થીઓ એકબીજાને સરખી રીતે ગુડ બાય પણ ના કહી શક્યા.
વિદ્યાર્થીઓ કરી રહ્યા છે બદલાવની માંગ
- એનઆઇડી કોમ્યુનિટીમાં આ ઈમેલની ભારે ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીઓની માંગ છે કે હવે અહીં VVIP કેન્દ્રીત દીક્ષાંત સમારોહ ન થવો જોઈએ. એટલું જ નહીં, ભવિષ્યના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ પણ સંસ્થાના રાજકીય એજન્ડામાં ના ફસાવું જોઈએ.
- NIDના ફેકલ્ટીને અંતિમ સંદેશમાં વિદ્યાર્થીઓએ કહ્યું છે કે, તમે પણ વિદ્યાર્થીઓના પક્ષમાં ઊભા થાઓ કારણ કે સત્તાના ભૂખ્યા તંત્રને હવે એનઆઇડીનું એક સમયે જે લક્ષ્ય હતું, તે સંરક્ષિત રાખવામાં કોઈ રસ નથી.
- જો કે વિદ્યાર્થીઓના આ આક્રોશ અંગે એનઆઇડી દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા અપાઈ નથી.
આમ છતાં, વિદ્યાર્થીઓના આ ઈ-મેઇલથી એનઆઇડીની અનોખી સંસ્કૃતિ, પારદર્શકતા તેમજ પરંપરા અને શિષ્ટાચાર વચ્ચેના સંતુલનની ચર્ચા તો છેડાઈ જ ગઈ છે.