17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતની ટોચની ટેબલ ટેનિસ લીગ એવી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT)ની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન યોજાશે. લીગના ઈતિહાસમાં પહેલીવાર તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. UTT લીગ સતત આગળ વધી રહી છે અને તેમાં ભારતના તથા વિદેશના શ્રેષ્ઠ ખેલાડીઓનું મિશ્રણ 8 ટીમની અંદર જોઈ શકાય છે, જેમની વચ્ચે ટાઈટલ જીતવા માટે રોમાંચક મુકાબલાઓ જોવા મળશે.
અમદાવાદમાં આવનારા સમયમાં મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવાની મહત્વકાંક્ષા રહેલી છે. જેમાં, 2030નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક ગેમ્સ સામેલ છે. UTTની છઠ્ઠી સિઝન શહેરમાં યોજાવવા જઈ રહી છે ત્યારે દર્શકો પાસે વૈશ્વિક સ્તરીય અને ઓલિમ્પિકમાં સામેલ રમતના ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચેનાં રોમાંચક મુકાબલાઓને નજીકથી જોવાની તક મળશે.
નીરજ બજાજ અને વીટા દાણી નેજા હેઠળ યોજાતી અને ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાના માર્ગદર્શન સાથે યોજાતી UTT લીગ એ 2017થી ભારતીય ટેબલ ટેનિસ જગતમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે, જે હેઠળ ઉભરતા ખેલાડીઓને વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળવાની સાથે રમતના રાષ્ટ્રીય સ્તરમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે.

અમદાવાદ અને ગુજરાત ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટે સ્પોર્ટિંગ હબ UTTના કો-પ્રમોટર્સ નીરજ બજાજ અને વીટા દાણીએ લીગના વિસ્તરણ પર વાત કરતા કહ્યું કે, “અમારા મુખ્ય ટાર્ગેટમાંથી એક લીગને નવા સ્થળો સુધી લઈ જવાનો છે તથા ભારતમાં ટેબલ ટેનિસ માટે વિશાળ દર્શક વર્ગ તૈયાર કરવાનો છે. અમદાવાદ અને ગુજરાત ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટે સ્પોર્ટિંગ હબ તરીકે ઓળખ બનાવી રહ્યાં છે. આ સાથે તેઓ આવનારા સમયમાં ઓલિમ્પિકની યજમાની માટે બીડ કરવાના છે. લીગની છઠ્ઠી સિઝનનું અમદાવાદમાં આયોજન કરી તે લક્ષ્યાંકને મજબૂતી આપી શકીશું. વૈશ્વિક દિગ્ગજોને નવા સ્થળે લોકો નિહાળી શકશે.”
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “UTT ભાવિ પેઢીના ખેલાડીઓ અને દર્શકોને પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમે ટોચના ટેબલ ટેનિસ ખેલાડીઓને અમદાવાદમાં લાવવા ઉત્સુક છીએ. આ સાથે ભારતના વૈશ્વિક પાવર હાઉસ બનવાની યાત્રામાં યોગદાન આપવા ઉત્સાહિત છીએ.”

અમદાવાદ UTTની છઠ્ઠી સિઝન માટે શ્રેષ્ઠ સ્થળ ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાના સેક્રેટરી, કમલેશ મેહતાએ કહ્યું કે, “અલ્ટિમેટ ટેબલ ટેનિસ એ ભારતમાં ટેબલ ટેનિસની પૃષ્ટભૂમિમાં ધરખમ ફેરફાર લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ દરમિયાન લીગ એ આપણાં ખેલાડીઓને વિશ્વના ટોચના ખેલાડીઓ સાથે અને સામે રમવાનું એક પ્લેટફોર્મ પુરું પાડ્યું છે. દરેક સિઝનમાં લીગની રમતના સ્તરમાં વધારો થયો છે. જેના કારણે પાયાના સ્તરે અને ઉચ્ચ કક્ષાએ પણ રમતમાં સુધારો જોવા મળ્યો છે. રમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી રહેલ મોટા રોકાણ તથા મોટી રમત ઈવેન્ટના સફળ ટ્રેક રેકોર્ડને જોતા અમદાવાદ UTTની છઠ્ઠી સિઝન માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારત એક મજબૂત સ્પોર્ટિંગ કલ્ચર તૈયાર કરી રહ્યું છે ત્યારે ટેબલ ટેનિસની ટોચની લીગને નવા શહેરોમાં લઈ જવાથી રમતનો વિકાસ અને પહોંચમાં વધારો થશે.”

UTTમાં આ વખતે 8 ટીમને 4-4નાં 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે ભારતની સૌથી લાંબી ચાલતી ફ્રેન્ચાઈઝ બેઝ્ડ રમત અને છઠ્ઠી સિઝન સુધી પહોંચનાર રમત લીગમાંથી એક એવી UTTમાં આ વખતે 8 ટીમને 4-4નાં 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ટીમ લીગ રાઉન્ડમાં 5 મુકાબલાઓ રમશે, જેમાં પોતાના ગ્રૂપની 3 ટીમ સામે રમવા ઉપરાંત અન્ય ગ્રૂપની રેન્ડમલી પસંદ કરવામાં આવેલ કોઈપણ 2 ટીમ સામેના મુકાબલા સામેલ રહેશે. ટોચની 4 ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે, જ્યાં તેમની વચ્ચે 15 જૂને રમાનાર ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવા માટેના રોમાંચક મુકાબલા જોવા મળશે. દરેક ટીમ પાસે 2 વિદેશી સ્ટાર સહિત 6 ખેલાડીઓ રહેશે. ટીમ દરેક ટાઈમાં 5 મેચ રમશે- જેમાં 2 વુમન્સ સિંગલ્સ, 2 મેન્સ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સામેલ રહેશે.
ગોવા ચેલેન્જર્સે ગત સિઝનમાં દબંગ દિલ્હી ટીટીસીને હરાવી સફળતાપૂર્વક પોતાનું ટાઈટલ ડિફેન્ડ કર્યું હતું અને તે લીગના ઈતિહાસમાં 2 ટાઈટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.