અમદાવાદ, શુક્રવાર
ઓઢવમાં રહેતા યુવક તેની પત્ની અને ભાણીને બદનામ કરવા ઇરાદે સાઢુએ ત્રણેયના એડિંટિંગ કરેલ ફોટા સાથેનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ કરીને બિભત્સ લખાણ લખ્યું હતું. જેમાં એક વિડીયોમાં યુવક અને તેની પત્નીના ફોટા હતા અને બીજા વિડીયોમાં તેમની ભાણીના ફોટા સાથે બિભત્સ લખાણ હતું. જો કે યુવકે સાઢુને વાત કરતા એક વિડીયો ડિલિટ કર્યા બાદ ફરીથી વિડીયો વાયરલ કરીને યુવકની પત્ની વિશે બિભત્સ વોઇસ ક્લીપ મોકલી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં સાઢુએ બે વખત ઇરાદા પૂર્વક હરકત કરતાં ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઓઢવમાં રહેતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોતાના સગા સાઢુ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૬-૦૨-૨૫ના રોજ તેમના ભત્રીજાનો ફોન આવ્યો હતો અને કહ્યુ કે તમને બે વિડિયો વોટ્સએપ કર્યા છે તે જોવો. જેથી યુવકે જોતા એક વિડિયો તેમનો અને તેમની પત્નીનો ફોટો હતો અને તેમાં બાજુમાં બિભત્સ લખાણ લખેલું હતુ તેમજ બીજા વિડિયોમાં તેમની ભાણીનો ફોટો હતો અને તેમાં પણ બિભત્સ લખાણ લખેલું હતું.
જેથી ભત્રીજાએ તપાસ કરતા અજાણ્યા ઇન્સ્ટાગ્રામ ધારકે આ વિડિયો પોસ્ટ કર્યા હતા. ત્યારે આઇડીમાં જણાવેલ નામ યુવકના સાઢુભાઇ થતા હતા. જેને લઇને યુવકે તેમને ફોન કરતા ઉશ્કેરાઇને બોલાચાલી કરીને એક વિડિયો ડિલિટ કર્યો હતો ત્યારબાદ દસ દિવસ પછી સાઢુભાઇએ વિડિયો મોકલ્યો હતો અને યુવકની પત્ની વિશે ઇરાદા પૂર્વક બિભત્સ વોઇસ ક્લિપ મોકલી હતી. આખરે કંટાળીને યુવકે સાઢુ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવી છે.