ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાઈ નહીં કારણ કે,
.
ફેબ્રુઆરીથી જ ગરમીનો ત્રાસ ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ નોંધાયું છે ત્યારે IMDની આગાહી મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતાઓ છે. ખાસ કરીને માર્ચના બીજા સપ્તાહથી 42° ડિગ્રી સુધીનો તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા છે.
આ વર્ષે 4થી 6 દિવસ હીટવેવની અસર વર્તાશે IMDના લોંગ રેંજ ફોરકાસ્ટ અનુસાર ગુજરાતમાં માર્ચ માસ દરમિયાન હીટવેવની અસર સામાન્ય કરતાં વધુ રહેશે. સામાન્ય રીતે રાજ્યમાં માર્ચ મહિનામાં 3-4 દિવસ હીટવેવ રહેતી હોય છે પરંતુ, આ વર્ષે 4થી 6 દિવસ સુધી હીટવેવની અસર વર્તાઈ શકે છે. હીટવેવની વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે.
શા માટે ગરમી વધશે? IMD મુજબ આ વર્ષે તાપમાનનું પ્રમાણ વધુ રહેશે. તેનું મુખ્ય કારણ છે કે, પ્રશાંત મહાસાગરમાં સૂર્યના કિરણોને કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળતી હોય છે. મહાસાગર પર લાનીનોની અસર 0.5% જેટલી રહેવાની શક્યતાઓ છે, જે તાપમાનના વધારા માટે મુખ્ય કારણ બની શકે છે. આ ઉપરાંત, ગુજરાતમાં માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ નહીવત છે, જેના કારણે આખો મહિનો ગુજરાતવાસીઓ ફક્ત કાળઝાળ ગરમીનો અનુભવ કરશે. તદુપરાંત માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ ગુજરાત રાજ્ય માટે નહીવત છે.

સાવચેતી અને સલાહ હવામાન વિભાગે ગરમીથી બચવા માટે નીચેનાં સાવચેતીઓનું પાલન કરવા અપીલ કરી છે:
- સવાર 11થી સાંજ 4 વચ્ચે ઘરની બહાર જવાનું ટાળવું.
- પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા.
- વધુ તાપમાનવાળા દિવસોમાં વૃદ્ધો અને બાળકો માટે ખાસ ધ્યાન રાખવું.
બીજા અઠવાડિયાથી જ ગરમીની શરુઆત થશે IMDની આગાહી અનુસાર માર્ચ મહિનાનો બીજો સપ્તાહ કાળઝાળ ગરમીની શરૂઆત માટે જવાબદાર બનશે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41°થી 42° ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતાઓ છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનો ત્રાસ યથાવત રહેશે કારણ કે, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનું પ્રમાણ વધુ રહેશે તથા ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર રહેતા ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી.

ગુજરાતવાસીઓ માટે એલર્ટ! બીજા સપ્તાહથી એટલે કે 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તફાવત નોંધાઈ શકે છે. ગુજરાતના રહેવાસીઓને આગામી દિવસોમાં ઉનાળાની તીવ્ર અસર માટે તૈયારી રાખવાની અપીલ કરવામાં આવી છે. 2025નો ઉનાળો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગરમ સાબિત થવાની શક્યતા છે, જે હેઝાર્ડ એલર્ટ સાથે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.