અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને રસોઈયાઓએ સેન્ટ્રલ કિચન યોજનાનો વિરોધ કર્યો છે. ગેલી માતા મંદિર ખાતે એકત્રિત થયેલા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
.
મેઘરજ તાલુકો અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે. અહીં મધ્યાહન ભોજન યોજના હેઠળ કાર્યરત સંચાલકો અને રસોઈયાઓ ઓછા માનદવેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ કર્મચારીઓમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો અને એકલી મહિલાઓનો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા એનજીઓ સંચાલિત સેન્ટ્રલ કિચન યોજના શરૂ કરવાની વિચારણા સામે 80થી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે સંયુક્ત કમિશનર, પીએમ પોષણ યોજના, ગાંધીનગરને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં સેન્ટ્રલ કિચન યોજના મોકૂફ રાખવા અને અમલમાં ન મૂકવા માટે વિનંતી કરવામાં આવી છે.

