મુંબઈ11 કલાક પેહલા
- કૉપી લિંક
- અર્થવ્યવસ્થા સ્થિર થતાં મકાનોમાં રોકાણ વધ્યું
ભારતમાં ઘર બાંધવું કે ખરીદવું એ બહુ મોટી વાત ગણાય છે. લોકો આ માટે પોતાનું રિટાયરમેન્ટ ફન્ડ સુધ્ધાં ખર્ચી નાખે છે. જોકે હમણાના એક અભ્યાસમાં ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશમાં હોમલોન લેનારા વર્ગમાં યુવાનો, ખાસ કરીને 18થી 34 વયજૂથના લોકોની સંખ્યા વધી રહી છે. તેમને મિલેનિયલ કે જેન-ઝી પણ કહેવાય છે. રિયલ એસ્ટેટ પોર્ટલ મેજિકબ્રિક્સના એક અહેવાલ પ્રમાણે હોમલોન લેનારા લોકોમાં આમની હિસ્સેદારી 53% છે.
અહેવાલમાં એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે ઘર માટે લોન લેનારા વર્ગમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. અરજી કરનારાઓમાં 74% પુરુષ છે જ્યારે મહિલાઓ માત્ર 26% છે. સોંઘાં આવાસની માગ સૌથી વધુ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે 58% લોકો 40 લાખ રૂપિયા સુધીની મિલકતો લેવા માટે ઉત્સુક હતા. જોકે, ગુરુગ્રામ તેમાં અપવાદરૂપ છે. અહીં 40-60 લાખની રેન્જમાં 25% અને 1-1.5 કરોડ સુધીનાં ઘર માટે 13% અરજી કરાઈ હતી. મેજિકબ્રિક્સના બિઝનેસ હેડ (હોમ લોન) નિમેશ ભંડારીના કહેવા પ્રમાણે જેન-ઝીના રોકાણની પ્રાથમિકતા બદલાઈ રહી છે. તેની ઝલક હોમલોનની શ્રેણીમાં પણ જોવા મળે છે. તેમના માટે વધુ સ્થિર રેપોરેટને પગલે રિયલ એસ્ટેટ રોકાણ માટે આકર્ષણ છે. આ અહેવાલ ઓક્ટોબર, 2022થી ઓક્ટોબર, 2023ના આંકડાના આધારે તૈયાર કરાયો છે.
ટિયર-1 શહેરો માટે સૌથી વધુ લોન મળી
અહેવાલ અનુસાર હોમલોન લેનારા મોટા ભાગનાં ટિયર-1 શહેરોમાં જ ઘર ઇચ્છે છે. લગભગ 80% અરજી આવા જ શહેરી વિસ્તારોમાંથી આવી છે. મુંબઈમાં 22%, બૅંગલુરુમાં 19% અને નોઈડામાં 17% માગ વધી છે.